<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ચંદ્રાબાબુ નાયડુના સત્તા પર આવતા અમરાવતીને ગ્રીન રાજધાની તરીકે વિકસાવવાની શક્યતા વધી

શહેરમાં અચાનક જમીનના ભાવ ત્રણ ગણા:12 જૂન પછી તો મુંબઈ જેવી પ્રોપર્ટી મોંઘી થાય તો નવાઈ નહીં !!

નવી દિલ્હી: દેશમાં ત્રીજી વખત મોદી સરકાર આવ્યા બાદ જાણે આંધ્રપ્રદેશ, અમરાવતી અને રાજ્યના ભાવિ સીએમ ચંદ્રબાબુ નાયડુ માટે સારા દિવસો આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ચંદ્રબાબુ નાયડુ 12 જૂને અમરાવતીમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પરંતુ, આ પહેલા આ શહેરમાં જમીનની કિંમત 3 દિવસમાં બમણી થઈ ગઈ છે. વાસ્તવમાં ચંદ્ર બાબુ નાયડુએ અમરાવતીને આંધ્ર પ્રદેશની ગ્રીન કેપિટલ તરીકે વિકસાવવાની વાત કરી છે.

  આવી સ્થિતિમાં અહીં પ્રોપર્ટીની કિંમતો ઝડપથી વધી છે. ચંદ્રબાબુ નાયડુ 2014 થી 2019 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. તે સમયે ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીને રાજધાની બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગ્રીનફિલ્ડ રાજધાની અમરાવતીને પર્યાવરણની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ બનાવવાનું સપનું જોયું. આ શહેર વિજયવાડા અને ગુંટુર શહેરોની વચ્ચે આવેલું છે અને તેમાં 29 ગામો છે.

   ચૂંટણી પછી જમીનના ભાવમાં વધારોઃ TOIના અહેવાલ મુજબ, લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આંધ્રપ્રદેશના અમરાવતી શહેરમાં રિયલ એસ્ટેટના ભાવમાં 50 થી 100 ટકાનો વધારો થયો છે. ચંદ્રાબાબુ નાયડુ શરૂઆતથી જ અમરાવતી શહેરને રાજધાની તરીકે વિકસાવવામાં રસ ધરાવતા હોવાથી આગામી દિવસોમાં આ જાહેરાત કરવામાં આવે તો અમરાવતીને ઘણો ફાયદો થશે. આ સંભાવનાને કારણે અમરાવતીમાં જમીન અને મિલકતની કિંમતો ઝડપથી વધી છે

   2019માં અમરાવતીમાં જમીનની કિંમતો 25,000 થી 60,000 ચોરસ યાર્ડ હતી. - જગન મોહન રેડ્ડીની સરકાર બન્યા બાદ ભાવ 9000 રૂપિયાથી વધીને 18000 રૂપિયા પ્રતિ સ્ક્વેર યાર્ડ થઈ ગયા. -હવે, ચંદ્રબાબુ નાયડુના સત્તામાં પાછા ફર્યા બાદ, અહીં જમીનની કિંમતો 30,000 રૂપિયાથી વધીને 60,000 રૂપિયા પ્રતિ ચોરસ યાર્ડ થઈ ગઈ છે.

  આ વિસ્તારોમાં સૌથી વધુ માંગ: અમરાવતીમાં શૈક્ષણિક સંસ્થા, હાઈકોર્ટ, એસેમ્બલી, સચિવાલય અને કેન્દ્ર સરકારની સંસ્થાઓ પાસે જમીનની સૌથી વધુ માંગ છે. રિટેલર્સ, દલાલો અને ખેડૂતોને અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી જમીન ખરીદવાની ઓફર મળી રહી છે.

  શહેરના ખેડૂતોને આશા છે કે ચંદ્રબાબુ નાયડુ 12 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. જો આ અવસર પર અમરાવતીને લઈને કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે તો અહીંની જમીનના ભાવમાં વધુ વધારો થશે. અગાઉ 2019 માં, ભૂતપૂર્વ સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીએ 2019 માં 3 રાજધાનીઓની યોજનાની જાહેરાત કર્યા પછી અમરાવતીમાં જમીનના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ, હવે સરકારની સાથે ચિત્ર બદલાયું છે.

(1:58 PM IST)