News of Saturday, 8th June 2024
માલદીવનો દૃષ્ટિકોણ બદલાયો : રાષ્ટ્રપતિ મુઇજ્જુએ કહ્યું- પીએમ મોદીના શપથગ્રહણમાં હાજરી આપવી ગર્વની વાત
મુઈજ્જુએ એમ પણ કહ્યું કે આ ઐતિહાસિક પ્રસંગે ભારતની તેમની યાત્રા પરિલક્ષિત થશે કે દ્વિપક્ષીય સંબંધ હકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે

નવી દિલ્હી : નરેન્દ્રભાઈ મોદીએ રેકોર્ડ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેનાથી ભારતની ધાક વિશ્વના અનેક દેશોમાં સતત વધી રહી છે. હવે ભારત સાથે દુશ્મની કરી બેઠેલા માલદિવ્સનો ભારત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાતો જોવા મળે છે. વડા પ્રધાન મોદીએ માલદિવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુને પણ પોતાના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે.
આ આમંત્રણનો સ્વીકાર કરતાં મુઈજ્જુ તરફથી આ અંગે પ્રતિક્રિયા સામે આવી છે. મુઈજ્જુએ શનિવારે કહ્યું કે વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવું તે તેમના માટે સન્માનની વાત છે.
મુઈજ્જુએ આ સાથે એમ પણ કહ્યું કે આ ઐતિહાસિક પ્રસંગે ભારતની તેમની યાત્રા પરિલક્ષિત થશે કે દ્વિપક્ષીય સંબંધ હકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે કાર્યભાર સંભાળવા માટે વડા પ્રધાન મોદી ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે. મુઈજ્જુના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ મુઈજ્જુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે આમંત્રણનો સ્વીકાર કર્યો છે.
માલદિવ્સમાં ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવરે રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે સૌજન્ય મુલાકાત દરમિયાન તેમને આમંત્રણ પત્ર સોંપ્યું હતો. આ અગાઉ બુધવારે મુઈજ્જુએ PM મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે ભારતીય વડાપ્રધાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
