News of Monday, 10th June 2024
શપથ લીધા બાદ મોદી સરકાર એકશનમાં : સાંજે કેબિનેટની પ્રથમ બેઠક
આગામી ૧૦૦ દિવસના રોડમેપ સહિત નવી નીતિઓ અને કાર્યક્રમો અંગે ચર્ચા થશે : આર્થિક સુધારા, સામાજિક યોજનાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે

નવી દિલ્હી તા. ૧૦ : મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પીએમ મોદી ઉપરાંત ૩૦ કેબિનેટ મંત્રીઓ, ૫ રાજય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને ૩૬ રાજય મંત્રીઓએ પણ શપથ લીધા છે. પીએમ મોદીની કેબિનેટમાં ૩૩ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી ૧૧ બિન-ભાજપ ઉમેદવારોને સ્થાન મળ્યું છે. શપથ લીધા બાદ મોદી સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. મોદી સરકાર બન્યા બાદ કેબિનેટે સોમવારે સાંજે ૫ વાગે પ્રથમ બેઠક બોલાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શપથગ્રહણ પછી તેમની કેબિનેટની પ્રથમ બેઠક બોલાવી હતી, જેમાં તેમણે મંત્રીઓને આગામી ૧૦૦ દિવસ અને ૫ વર્ષ માટેનો એક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ વિવિધ મહત્વપૂર્ણ નીતિઓ અને યોજનાઓની ચર્ચા કરી, જે તેમની સરકારની પ્રાથમિકતાઓમાં સામેલ છે. નવી સરકારના એજન્ડા અને કામોને ઝડપી ગતિએ આગળ ધપાવવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી અપેક્ષા છે, જે નવી સરકારની પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરશે. સતત ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે તેના ‘વિકસીત ભારત' ના સૂત્રને સાકાર કરવાની તૈયારી દર્શાવી છે. આ બેઠક ખાસ કરીને આર્થિક સુધારા, સામાજિક યોજનાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ કેબિનેટ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નવી નીતિઓ અને કાર્યક્રમો પર ચર્ચા કરવાનો રહેશે.
શપથ ગ્રહણ સમારોહ બાદ પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, તેઓ અને મંત્રી પરિષદમાં તેમના સહયોગીઓ સાથે મળીને દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. હું અને મંત્રી પરિષદમાં મારા સાથીદારો આપણા ૧૪૦ કરોડ દેશવાસીઓની સેવા કરવા અને દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
