News of Monday, 10th June 2024
શેરબજાર ‘તેજી'ના માર્ગે... સેન્સેક્સ પ્રથમ વખત ૭૭૦૦૦ને પાર
મોદી ૩.૦ના શપથ બાદ : જો કે ૭૭૦૦૦ને સ્પર્શ કર્યા બાદ સેન્સેકસ પાછો ફર્યો : રેડ ઝોનમાં બજાર

નવી દિલ્હી તા. ૧૦ : દેશમાં એનડીએ સરકાર સત્તામાં આવી છે અને પીએમ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. શેરબજારે પણ સોમવારે મોદી ૩.૦ને સલામ કરીને ઈતિહાસ રચ્યો હતો. વાસ્તવમાં, સપ્તાહના પહેલા દિવસે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શેરોવાળા સેન્સેક્સે ૩૨૩.૬૪ પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે પ્રથમ વખત ૭૭,૦૦૦ની સપાટીને પાર કરી હતી. તે ૭૭,૦૧૭ના સ્તરે ખુલ્યો હતો. જો કે બજાર ૭૭૦૦૦ની અંદર ચાલ્યું ગયું હતું. ૧૦.૧૦ કલાકે બજાર રેડ ઝોનમાં છે.
આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ પણ બજાર ખુલતાની સાથે જ ૧૦૫ પોઈન્ટ ઉછળ્યો હતો. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ અને નિફટી મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ ૧૬૧૮.૮૫ પોઈન્ટ અથવા ૨.૧૬ ટકાના વધારા સાથે ૭૬,૬૯૩.૪૧ પર બંધ થયો.
શેરબજારમાં ગયા શુક્રવારનો ઉછાળો ચાલુ રહ્યો અને ૭૭,૦૧૭ના સ્તરે ખૂલ્યા બાદ સેન્સેક્સે વધુ વેગ પકડ્યો અને ૭૭,૦૭૯.૦૪ના સ્તરે પહોંચ્યો, જે BSE ઇન્ડેક્સનું નવું ઓલ-ટાઇમ હાઇ લેવલ છે. માર્કેટમાં ટ્રેડિંગની શરૂઆત સાથે જ લગભગ ૨૧૯૬ શેર લીલા નિશાન પર ઉછાળા સાથે ખુલ્યા હતા, જયારે ૪૫૨ કંપનીઓના શેર લાલ નિશાન પર ઘટાડા સાથે ખુલ્યા હતા. ૧૪૮ શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો ન હતો.
શરૂઆતના વેપારમાં, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ, બજાજ ઓટો, કોલ ઈન્ડિયા અને શ્રીરામ ફાઈનાન્સના શેરમાં નિફટી ઈન્ડેક્સમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. તેનાથી વિપરીત, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ડો રેડ્ડીઝ લેબ્સ, એલટીઆઈ માઇન્ડટ્રી અને હિન્દાલ્કોના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
શેરબજારમાં લિસ્ટેડ ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી એન્ટ, અદાણી પોર્ટ અને અદાણી પાવરના શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા હતા. તે જ સમયે, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પણ લગભગ ૧ ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. લાર્જ કેપ શેરોમાં પાવર ગ્રીડના શેર ૩.૬૫ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૩૬ ટકા, એક્સિસ બેન્ક ૧.૭૪ ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
આ સિવાય મિડકેપ કેટેગરીમાં પતંજલિ શેર ૪.૯૮ ટકા, વ્હર્લપૂલ શેર ૩.૧૪ ટકા, IDBI શેર ૩.૪૬ ટકા, બેન્ક ઓફ ઈન્ડિયા શેર ૩.૦૦ ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જયારે સ્મોલ કેપ કંપનીઓમાં, Wardinmobi શેરમાં ૨૦ ટકાનો વધારો નોંધાયો હતો, જયારે રિલાયન્સ ઇન્ફ્રાએ ૧૧ ટકાનો વધારો નોંધાવ્યો હતો.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
