News of Monday, 10th June 2024
મોદી ૩.૦ સરકારને શેરબજારની સલામી
ઇન્ટ્રા-ડે સેન્સેક્સ ૭૭૦૦૦ ઉપર : નિફટી નવા શિખરે

નવી દિલ્હી,તા.૧૦ : સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ પ્રથમ વખત ૭૭,૦૦૦ પોઈન્ટને પાર કરી ગયો છે જ્યારે નિફ્ટી૫૦ ઈન્ડેક્સ પણ ૨૩,૪૦૦ પોઈન્ટને પાર કરી ગયો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૩૮૭ પોઈન્ટ વધીને ૭૭,૦૭૯ પોઈન્ટ પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ ૦.૩૯ ટકા વધીને ૨૩,૪૧૧ પોઈન્ટ પર પહોંચ્યો હતો.બપોરે આ લખાય છે ત્યારે સેન્સેક્સ ૧૧૯ વધીને ૭૬૮૧૩ અને નિફ્ટી ૬૩ વધી ને ૨૩૩૫૪ ઉપર છે.
સેન્સેક્સ શેરોમાં પાવરગ્રીડ, એનટીપીસી, એસબીઆઈ, ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટ જ્યારે ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા ડાઉન હતા. નિફ્ટી શેરોમાં સિપ્લા અને અદાણી પોર્ટ્સમાં વધારો થયો હતો જ્યારે L&TMindtreeમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. વ્યાપક બજારોએ બેન્ચમાર્ક સૂચકાંકોને પાછળ રાખી દીધા છે. મિડકેપ ઇન્ડેક્સ ૧.૦૭ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૨૭ ટકા વધ્યો હતો. નિફ્ટી પીએસયુ નિફ્ટી ૨.૧૩ ટકા, નિફ્ટી રિયલ ૧.૮ ટકા અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ૧.૧૪ ટકા વધ્યા છે. બીજી તરફ નિફ્ટી આઈટીમાં ૧.૦૪ ટકાનો ઘટાડો થયો છે.
ગયા સપ્તાહે, BSE સેન્સેક્સ ૨,૭૩૨.૦૫ પોઈન્ટ્સ અથવા ૩.૬૯ ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી ૭૫૯.૪૫ પોઈન્ટ્સ અથવા ૩.૩૭ ટકા વધ્યો હતો. શુક્રવારે, ૩૦ શેરો ધરાવતો BSE સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ટ્રેડિંગમાં ૧,૭૨૦.૮ પોઈન્ટ અથવા ૨.૨૯ ટકાના ઉછાળા સાથે ૭૬,૭૯૫.૩૧ની નવી રેકોર્ડ હાઈએ પહોંચ્યો હતો. સેન્સેક્સ ૧,૬૧૮.૮૫ પોઈન્ટ અથવા ૨.૧૬ ટકાના ઉછાળા સાથે ૭૬,૬૯૩.૩૬ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના વરિષ્ઠ ટેકનિકલ એનાલિસ્ટ પ્રવેશ ગૌરે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી અને આરબીઆઈની નીતિ સમીક્ષાના પરિણામો આવી ગયા છે. હવે રોકાણકારોનું ધ્યાન વૈશ્વિક પરિબળો પર છે. તેમણે કહ્યું કે આ અઠવાડિયે વ્યાજ દરો પર યુએસ ફેડરલ રિઝર્વનો નિર્ણય, ડોલર સામે રૂપિયાની ગતિ, ક્રૂડ ઓઈલ અને કોમોડિટીની કિંમતો બજારની હિલચાલ નક્કી કરશે. તેમણે કહ્યું કે આ સિવાય ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI) અને ડોમેસ્ટિક ઈન્સ્ટિટયુશનલ ઈન્વેસ્ટર્સ (DII)ના રોકાણ પર પણ નજીકથી નજર રાખવામાં આવશે.
માસ્ટર કેપિટલ સર્વિસિસ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અરવિંદર સિંહ નંદાએ જણાવ્યું હતું કે બજારનો અંદાજ મુખ્ય સ્થાનિક અને વૈશ્વિક આર્થિક ડેટા દ્વારા નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે બજારની ભાવિ દિશા ભારતમાં ડબલ્યુપીઆઈ ફુગાવો, ચીનમાં સીપીઆઈ ફુગાવો, બ્રિટનમાં જીડીપી ડેટા, અમેરિકામાં સીપીઆઈ ડેટા અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરોના નિર્ણય દ્વારા નક્કી કરવામાં આવશે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બજારની અસ્થિરતામાં ઘટાડો થવાની શકયતા છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
