<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

અગ્નિકાંડ : જનતાની આંખમાં ધૂળ નંખાય છે : જીજ્ઞેશ મેવાણી

તક્ષશીલા, મોરબી વગેરે જગ્‍યાએ ન્‍યાય કેમ નથી મળતો? : કોંગ્રેસ - ભાજપના પ્રભાવમાં ન આવે અને પ્રામાણિક અને બાહોશ અધિકારી આની તપાસ કરે તે જરૂરી : અગ્નિકાંડમાં કોના કહેવાથી ક્રાઈમ સીનને ડિસ્‍ટર્બ કર્યો? : દોઢ વર્ષમાં ફાસ્‍ટ ટ્રેકમાં અગ્નિકાંડની ટ્રાયલ પૂરી કરવામાં આવે. પીડિતોને ૪ લાખનું વૃતર વધારી ૧ કરોડ કરવામાં આવે પીડિતોના કહેવા મુજબ પબ્‍લીક પ્રોસીકયુટર નીમો : જે રાજકોટે વિજયભાઈ રૂપાણીને મુખ્‍યમંત્રી બનાવેલા તે ગુજરાતના સૌથી સ્‍વાર્થી મુખ્‍યમંત્રી કહેવાય. જે રાજકોટ શહેરમાં વસે છે : તેણે ૧ પીડિત પરીવારની મુલાકાત લીધી નથી. : વિજય રૂપાણી, હર્ષ સંઘવી, ભુપેન્‍દ્રભાઈ પટેલ અને સીે.આર. પાટીલને આ અગ્નિકાંડ સાથે કંઈ જ લેવા દેવા નથી એવુ લાગે છે. : કોંગ્રેસના કાર્યકર તરીકે નહિં ગુજરાતના નાગરીક તરીકે લડુ છું.

રાજકોટ, તા. ૧૦ : તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયો તેની આગ હજુ ઘણાને દઝાડી રહી છે અને પીડીતો ન્‍યાય મળે તેની રાહમાં છે ત્‍યારે કોંગ્રેસના યુવા નેતા જીજ્ઞેશભાઈ મેવાણીએ રાજકોટ આવી પીડિતોને ન્‍યાય મળે તે માટે ૭૨ કલાકનાં ઉપવાસ કર્યા હતા અને હવે આગામી તા.૧૫ના રોજ કમિશ્નર કચેરીને ઘેરાવ તથા તા. ૨૫ના રોજ રાજકોટ બંધનું પણ એલાન આપ્‍યુ છે. જીજ્ઞેશભાઈ મેવાણી અકિલા કાર્યાલયે આવ્‍યા હતા અને આ અગ્નિકાંડમાં પ્રામાણિક અને બાહોશ અધિકારીને તપાસ સોંપવા તથા ફ્રી અને વ્‍યાજબી તપાસ કરવા જણાવાયુ હતું. એટલુ જ નહિં આ અગ્નિકાંડમાં ખીરની તપાસ બીલાડીને સોંપી રાજકોટની જનતાની આંખમાં ધૂળ નખાઈ છે તેવુ જણાવ્‍યુ હતું.

ટીઆરપી અગ્નિકાંડના પીડીતોની વેદનાને વાચા આપવા જીજ્ઞેશભાઈ રાજકોટ આવ્‍યા હતા અને પીડિતોની હાલત જોતા ૧૧ દિવસથી રાજકોટમાં જ રોકાઈ ગયા છે. તેમજ ૭૨ કલાકનું અનશન આંદોલન પણ કર્યુ હતું. જીજ્ઞેશભાઈ મેવાણીએ જણાવ્‍યુ હતું કે અમારો ખૂબ આશય એ છે કે તક્ષશીલા, મોરબી વગેરે જગ્‍યાએ ન્‍યાય કેમ નથી મળતો? નાગરીક સમાજ પોતાની રોજીંદી વ્‍યસ્‍તતાને કારણે આવી ઘટનાઓ ભૂલી જતો હોય છે. જેમ કે ઉનાકાંડ થયો તે એકટીવીસ્‍ટો પણ ભૂલી જતા હોય છે. જસ્‍ટીસ એટલે માણસ દોષિત થાય અને જેલના સળીયા પાછળ જાય અને ખૂબ જ યોગ્‍ય તપાસ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે એટલે કે ફ્રી અને વ્‍યાજબી તપાસ જરુરી છે. શું આવી તપાસ એવા અધિકારીઓ કરી શકે કે જે હપ્‍તાખોર હોય? ના તે આવી તપાસ કરી જ ન શકે. જેને પૈસામાં રસ ન હોય. ભાજપ કોંગ્રેસના પ્રભાવમાં ન આવે એ પ્રમાણીક અને બાહોશ અધિકારી આની યોગ્‍ય તપાસ કરે તે જરૂરી છે. આવા અધિકારી રાજકોટમાં છે સુધા પાંડે, સુજાતા મજમુદાર, નીલદીપ્‍તરાય જેવા અધિકારી હોય તે જરૂરી છે.

અગ્નિકાંડમાં મોટી માછલીઓને પકડવામાં આવતી નથી. આ કાંડમાં કોણે કોના કહેવાથી આખા ક્રાઈમ સીનને ડિસ્‍ટર્બ કર્યા? ૪-૩૦ કે ૫ વાગ્‍યા આસપાસ આગ લાગી અને એના ૧૨ કલાક પૂર્વે બધુ જમીનદોસ્‍ત કરી નાખ્‍યુ, જેસીબી ફેરવી નાખ્‍યુ તે કોની સુચના હતી? જીજ્ઞેશભાઈએ વધુમાં જણાવ્‍યુ કે બંછાનિધિ પાનીના સમયમાં આ ધારાધોરણ વિનાનું ગેમીંગ ઝોન ચાલતુ હતું. એને તમે તપાસમાં મોકલ્‍યા છે. એટલે ખીરની તપાસ બીલાડીને સોંપી તમે રાજકોટની જનતાની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે.

જીજ્ઞેશભાઈ મેવાણીએ જણાવ્‍યુ કે અમારી માંગ એ છે કે ફ્રી અને વ્‍યાજબી તપાસ આ અગ્નિકાંડની થવી જરૂરી છે. આ દેશમાં ૧૫-૨૦ વર્ષ સુધી ટ્રાયલો ચાલે છે ત્‍યારે આ કેસમાં ફાસ્‍ટ ટ્રેકમાં દોઢ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય તેવી માંગ છે. વધુમાં પીડિતોને ૪ લાખનું વૃતર વધારી ૧ કરોડ કરવામાં આવે તેમજ પીડિતોના કહેવા મુજબના પબ્‍લીક પ્રોસીકયુટર નિમણુંક કરો. અમે જયારે અનશન પર બેઠા હતા ત્‍યારે પીડિત પરીવારમાંથી ત્રણ પરિવાર અમારી સાથે બેઠા હતા છતા સરકાર કે પોલીસમાંથી એક પણ વ્‍યકિત આવ્‍યા નથી. આ મુદ્દે વોર્ડવાઈઝ પત્રિકાઓનું વિતરણ ૧૫ તારીખ સુધી થશે.

ગુજરાતના પ્રદેશ પ્રમુખ ૧૫૬ સીટોની ગુલબાંગે ફૂંકે છે. એ ૧૫૬માંથી એક ધારાસભ્‍ય પીડિતોની પડખે આવ્‍યા નથી. ૧૫ થી ૨૦ મિનિટનો આંટો મુખ્‍યમંત્રીશ્રીએ માર્યો પછી ફરી પીડિતોની બાબતમાં એક શબ્‍દ બોલ્‍યા નથી. જીજ્ઞેશભાઈ કહે છે. જે રાજકોટ શહેરે વિજયભાઈ રૂપાણીને મુખ્‍યમંત્રી બનાવ્‍યા તે ગુજરાતના ઈતિહાસના સૌથી સ્‍વાર્થી મુખ્‍યમંત્રી છે. હું વડગામથી આવી ૧૧ દિવસથી પીડિત પરીવાર સાથે છું અને તેઓ રાજકોટમાં રહે છે. છતાં એક પીડિત પરીવારની મુલાકાત લીધી નથી. હું કહું છું કે સી.આર. પાટીલ, હર્ષ સંઘવી, ભુપેન્‍દ્રભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણીને અગ્નિકાંડ સાથે કંઈ જ લેવા દેવા નથી એવુ લાગે છે.

જીજ્ઞેશભાઈ મેવાણી કહે છે હું જીવનમાં કયારેય રાજકોટથી ચૂંટણી લડવાનો નથી અહિં માત્ર જનતા માટે આવ્‍યો છું. અને જયાં સુધી રાજકોટના પીડિતોની લડવાની તૈયારી છે. ત્‍યા સુધી મારી પણ લડવાની તૈયારી છે. હું અહિં કોંગ્રેસના કાર્યકર તરીકે નહિં પણ ગુજરાતના નાગરીક તરીકે લડુ છું. (૩૭.૪)

ભાઈના મૃત્‍યુના આઘાતમાં બહેનને કસુવાવડ થઈ ગઈ

તાજેતરમાં ટીઆરપી અગ્નિકાંડના પીડિત પુત્રના આઘાતમાં એક પિતાએ અંતિમ શ્વાસ લીધા. આવો જ કિસ્‍સો જીજ્ઞેશભાઈ મેવાણીએ જણાવ્‍યો હતો. તેઓ ૭૨ કલાકના ઉપવાસ પર બેઠા હતા ત્‍યારે એક મેહુલ બગડા નામની વ્‍યકિત તેમની પાસે આવ્‍યા જેમના ભાઈ કલ્‍પેશ બગડા આ અગ્નિકાંડનો ભોગ બન્‍યા છે. આ મેહુલભાઈ અને કલ્‍પેશભાઈના બહેન એ સમયે ગર્ભવતી હતા. આ કાંડ બન્‍યા પછી કલ્‍પેશભાઈના મૃત્‍યુના આઘાતમાં તેમના બહેનને કસુવાવડ થઈ ગઈ હતી જે ખૂબ જ દુઃખદ બાબત ઘટી હતી.(૩૭.૪)

સુભાષ ત્રિવેદીનો સીટના વડા તરીકેનો રોલ હંમેશા સંદિગ્‍ધ રહ્યો છે : જીજ્ઞેશ મેવાણી

જીજ્ઞેશભાઈ મેવાણીએ જણાવ્‍યુ હતું કે સીટના વડા સુભાષ ત્રિવેદીનો કોઈ એવો ટ્રેક રેકોર્ડ નથી કે વારંવાર આવી ઘટનાઓમાં તેમને સીટના વડા બનાવવામાં આવે. તેમનો રોલ હંમેશા સંદિગ્‍ધ રહ્યો છે. તેઓ જામનગર એસ.પી. હતા ત્‍યારે એક વ્‍યકિતને કસ્‍ટડીમાં એટલો બધો ટોર્ચર કરવાનો આરોપ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્‍ટીસ શ્રી અનંત દવેએ એવી ટકોર કરેલી કે તમારી સામે સીબીઆઈ ઈન્‍વેસ્‍ટીગેશનનો ઓર્ડર કેમ નહીં કરવો? તેઓએ સુરતની મોકટ્રેલમાં એક પીએસઆઈના પેટમાં એમણે જીવતા કારતુસની ગોળી ધરબી દીધી હતી. તે તપાસમાં તેમનું આઈએએસ પદ અને નોકરી બંને જાય તેમ હતા છતાં રાજય સરકારના અહેસાન તળે તેવો રહ્યા છે. જેથી સરકારના નેતાઓ સામે તે યોગ્‍ય તપાસ કરી જ ન શકે. પીડિતોએ બેનર બનાવ્‍યા હતા કે અમે નથી ઈચ્‍છતા કે અગ્નિકાંડની તપાસ સુભાષ ત્રિવેદી તમે કરો, મોરબી કાંડની તમારી તપાસથી અમે વાકેફ છીએ.(૩૭.૪)

તસ્‍વીરઃ સંદિપ બગથરીયા

(3:50 PM IST)