News of Wednesday, 12th June 2024
ભાજપા થી પાંચ વર્ષ કઇ રીતે સરકાર ચલાવશે મોદી : ત્રણ જ દિવસમાં ત્રણ પક્ષો નારાજ
NDAના સાથી પક્ષમાં ખટપટ શરૂ : કેબિનેટમાં સ્થાન ન મળતા ભાજપા ઘણા સાથી પક્ષોની નારાજગી ખુલ્લેઆમ સામે આવવા લાગી

નવી દિલ્હી તા. ૧૨ : દેશમાં નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળી લીધું છે. લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ભાજપે ૨૪૦ બેઠકો જીતી છે, જયારે તેમની આગેવાની હેઠળ એનડીએએ ૨૯૩ બેઠકો પર જીત મેળવી છે. વર્ષ ૨૦૧૪ની ચૂંટણી ભાજપે ૨૮૨ અને ૨૦૧૯માં ૩૦૩ બેઠકો જીતી પોતાના દમ પર કેન્દ્રમાં સરકાર બનાવી હતી, જોકે આ વખતે ગણિત બદલાઈ ગયું છે. ભાજપે બહુમતીના ૨૭૨ જાદુઈ આંકડાથી થોડે દુર ૨૪૦ બેઠકો જીતી હોવાથી તેણે તેમણે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના સાથી પક્ષોને સહારે સરકાર બનાવી છે. ત્યારે હવે NDAના સાથી પક્ષમાં ખટપટ શરૂ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. કેબિનેટમાં સ્થાન ન મળતા ભાજપા ઘણા સાથી પક્ષોની નારાજગી ખુલ્લેઆમ સામે આવવા લાગી છે. કેબિનેટમાં મંત્રી પદ ન મળવાના કારણે માત્ર શિવસેના અને NCP જ નહીં, ઓલ ઝારખન્ડ્સ સ્ટૂડેન્ટ્સ યુનિયન પણ નારાજ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં કેબિનેટનો મુદ્દો જાહેરમાં ચર્ચાઈ રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની એનસીપીને મોદી કેબિનેટમાં સ્થાન મળતા નારાજ થયા છે. કેબિનેટમાં શિંદે જૂથને એક રાજય મંત્રી (સ્વંત્ર પ્રભાર) અપાયું છે, જેના કારણે શિંદેના નેતા શ્રીરંગ બારણે નારાજ થયા છે. બારણેએ કહ્યું કે, એનડીએમાં ચાર અને પાંચ બેઠકો જીતનારી પાર્ટીને કેબિનેટ અપાયું અને મહારાષ્ટ્રમાં અમે સાત બેઠકો જીતી, છતાં એકપણ કેબિનેટ પદ અપાયું નથી.
એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ બારણેના નિવેદનને પાયાવિહોણા ગણાવી મોદી સરકારને બહારથી સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમે પહેલેથી જ સ્પષ્ટ કહ્યું હતું કે, અમે કોઈપણ શરત રાખ્યા વગર મોદી સરકારને સમર્થન આપીશું. દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની જરૂર છે. સત્તા માટે કોઈપણ સોદાબાજી અથવા વાતચીત નથી. અમે ઈચ્છીએ છીએ કે, વડાપ્રધાન મોદી રાષ્ટ્ર નિર્માણના મહાન કાર્યને આગળ વધારે. અમારી પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદો એનડીએ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રતિબદ્ધ છે.
શ્રીકાંત શિંદેએ ભલે બારણેના નિવેદનને નકારી દીધું હોય, પરંતુ એનડીએમાં ખટપટ અને જગ્યા પણ દેખાઈ રહી છે. અજિતની એનસીપી પણ કેબિનેટમાં જગ્યા ન મળતા નારાજ છે. સૂત્રોના જણાવ્યા મુજબ એનસીપી પ્રફુલ્લ પટેલને કેન્દ્રમાં મોકલવા માંગે છે, જોકે એવું ન થયું. ભાજપ દ્વારા એનસીપીને રાજય મંત્રી (સ્વતંત્ર પ્રભાર)ની ઓફર કરાઈ હતી, પરંતુ એનસીપીએ ફગાવી દીધી હતી. એનસીપી કેબિનેટ મંત્રી સિવાય કંઈપણ લેવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, પ્રફુલ્લ પટેલ અગાઉ કેબિનેટ મંત્રી હતા. અજિત પવારની એનસીપીએ રાજયની ચાર બેઠકો પર ચૂંટણી લડી, પરંતુ તેઓ માત્ર એક બેઠક જીત્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એનસીપી નેતા પ્રફુલ્લ પટેલને મોદી સરકારમાં રાજયમંત્રી પદની ઓફર કરાઈ હતી, પરંતુ તેમણે એવું કહીને ઈન્કાર કર્યો હતો કે, તેઓ કેબિનેટ મંત્રી રહી ચુક્યા છે અને આ ઓફરથી ડિમોશન થશે. જયારથી એનસીપીએ મોદી સરકારની ઓફર નકારી કાઢી છે, ત્યારથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ ચાલી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે, બિહારમાં જીતન રામ માંઝીને કેબિનેટમાં સામેલ કરાયા હોવાથી એનસીપી નારાજ થયું છે. માંઝીની પાર્ટીએ પણ બિહારમાં એક જ બેઠક જીતી છે.
બીજીતરફ ગિરિડીહ લોકસભા બેઠકથી સતત બીજી વખત જીતનો ઝંડો લહેરાવનારા આજસૂના સાંસદ ચંદ્રપ્રકાશ ચૌધરી પણ કેબિનેટમાં સ્થાન ન મળતા નારાજ છે. તેમણે એજેએસયુને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન ન મળવાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, એનડીએના સાથી પક્ષોની બેઠકમાં દરેકને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનું કહેવાયું હતું. પરંતુ મોદી કેબિનેટમાં AJSU પાર્ટીની અવગણના કરાઈ છે. ગઠબંધન ધર્મ હેઠળ તમામ પક્ષોનું સન્માન કરવું જોઈએ અને પાર્ટી સ્તરે આપણે બધા આ બાબતે વિચારણા કરીને ભાવિ રણનીતિ નક્કી કરીશું. જો કે AJSU ચીફ સુદેશ મહતોએ હજુ સુધી આ અંગે ખુલીને કશું કહ્યું નથી.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
