<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

૩૦૦ કરોડની સંપતિની લાલચમાં પુત્રવધુએ હત્યાના બનાવને હિટ એન્‍ડ રનમાં ખપાવ્‍યો

ડ્રાઇવર સાથે મળીને સસરાને મોતને ઘાટ ઉતાર્યાઃ પોલીસે હૃદયદ્રાવક કાવતરાનો પર્દાફાશ કર્યો

નાગપુર, તા. ૧ર :  મહારાષ્‍ટ્રના નાગપુર જિલ્લામાં ગયા મહિને પ્રકાશમાં આવેલા હિટ એન્‍ડ રન કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલી નાગપુર પોલીસની તપાસમાં સમગ્ર મામલો હિટ એન્‍ડ રનના બદલે હત્‍યાનો હોવાનું બહાર આવ્‍યું છે. નાગપુર પોલીસે હત્‍યાના હૃદયદ્રાવક કાવતરાનો પર્દાફાશ કર્યો છે અને મળતક પુરુષોત્તમ પુટ્ટેવારની પુત્રવધૂ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, આ ષડયંત્રની સમગ્ર માસ્‍ટરમાઈન્‍ડ મળતકની પુત્રવધૂ છે અને તેણે લગભગ ૩૦૦ કરોડ રૂપિયાની સંપત્તિના લોભમાં આ કાવતરું ઘડ્‍યું હતું.

૨૨ મે, ૨૦૨૪ ના રોજ નાગપુરના અજની વિસ્‍તારમાં હિટ એન્‍ડ રનનો એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો હતો. આ ઘટનામાં બે કાર સવારોએ પુરૂષોત્તમ પુટ્ટેવાર નામની વ્‍યક્‍તિને ઉડાવી દીધી હતી. આ ઘટનામાં ૭૨ વર્ષના પુરૂષોત્તમ પુટ્ટેવારનું ઘટનાસ્‍થળે જ મોત થયું હતું. પહેલા આ આખો મામલો હિટ એન્‍ડ રનનો લાગતો હતો, પરંતુ જ્‍યારે નાગપુર પોલીસે તેના તળિયે જઈને જે કડીઓ મેળવી તેની તપાસ કરી તો તેઓ પણ ચોંકી ગયા હતા.

પોલીસ તપાસમાં સમગ્ર મામલો હિટ એન્‍ડ રનનો નહીં, પરંતુ જાણી જોઈને હત્‍યાના મોટા કાવતરાનો હતો. તેનો માસ્‍ટર માઈન્‍ડ બીજું કોઈ નહીં પણ મળતકની વહુ અર્ચના પુટ્ટેવાર હોવાનું બહાર આવ્‍યું છે. પોલીસને તેના ગોપનીય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે, મળત પુરુષોત્તમ પુટ્ટેવારની રૂ. ૩૦૦ કરોડની સંપત્તિ મેળવવા માટે, પુત્રવધૂ અર્ચના પુટ્ટેવારે પહેલા તેના ઘરેલુ ડ્રાઈવરને પટાવ્‍યો અને પછી તેની મદદથી ઊંડું કાવતરું ઘડ્‍યું હતું. આ માટે ૧ કરોડ રૂપિયા અને બારનું લાયસન્‍સ આપવાની લાલચ આપી ડ્રાઇવર મારફત બે લોકોને હત્‍યા કરવાનો કોન્‍ટ્રાક્‍ટ અપાયો હતો.

આ ષડયંત્ર હેઠળ ૨૨ મેના રોજ આરોપી નીરજ નિમજે અને સચિન ધારિકે પુરૂષોત્તમ પુટ્ટેવારને ઝડપી કારમાં ઉડાવી દીધા હતા. જે કારમાં આ હત્‍યા કરવામાં આવી હતી તે કાર થોડા દિવસ પહેલા જ ખરીદી હતી. પુત્રવધૂ અર્ચના પુટ્ટેવારે કાર ખરીદવાના બદલામાં આરોપીઓને લાખો રૂપિયા આપ્‍યા હતા અને આરોપીને માર માર્યો હતો.

 આ ષડયંત્રમાં અર્ચનાનો ભાઈ પ્રશાંત અને તેની પીએ પાયલ પણ સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્‍યું છે. પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી છે, જ્‍યારે ડોમેસ્‍ટિક ડ્રાઈવર સાર્થક બાગડે હજુ ફરાર છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપી અર્ચના પુટ્ટેવાર સરકારી કર્મચારી છે અને હાલમાં તે ગઢચિરોલીમાં પોસ્‍ટેડ હતી. પોલીસના જણાવ્‍યા અનુસાર, અર્ચના પુટ્ટેવારે પૂછપરછ દરમિયાન કબૂલ્‍યું છે કે, તેણે આખું કાવતરું ઘડ્‍યું હતું. હત્‍યા માટે વપરાયેલી સેકન્‍ડ હેન્‍ડ કાર ખરીદનાર આરોપીઓને તેણે લાખો રૂપિયા આપ્‍યા હતા. પોલીસને આશંકા છે કે, આ કેસમાં અન્‍ય કેટલાક લોકો પણ સામેલ હોઈ શકે છે, તેથી તેમની પણ શોધ કરવામાં આવી રહી છે.

(5:46 PM IST)