News of Sunday, 16th June 2024
ઈવીએમ કોઈ ઓટીપીથી અનલૉક કે ડિવાઈસ સાથે કનેક્ટ ના થઈ શકે’: ચૂંટણી પંચે હેકિંગના થયેલા આક્ષેપ ફગાવ્યા

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) મુદ્દે ફરી વિવાદનો મધપૂડો છેડાયો છે. મુંબઈ પોલીસે શિંદેની શિવસેનાના સાંસદ રવિન્દ્ર વાયકરના સંબંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ ઈવીએમની વિશ્વસનીયતા સવાલોની જાળમાં ફસાઈ ગઈ છે. આ ઘટના સામે આવ્યા બાદ શિવસેના યુબીટી, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓ ચૂંટણી પંચ અને સરકાર પર આંગળી ચીંધી રહ્યા છે.
ટેસ્લા કંપની અને ટ્વીટર એક્સના માલિક એલન માસ્ક અને પૂર્વ કેન્દ્રીય ઈલેક્ટ્રોનિકસ અને આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ સામસામે આવી ગયા છે.
ત્યારે ચૂંટણી પંચે આજે બપોર પછી પ્રેસ કોન્ફરન્સ યોજી વિપક્ષી નેતાઓના તમામ આરોપોને રદીયો આપી દીધો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, ઈવીએમને અનલૉક કરવા માટે કોઈ ઓટીપી જરૂરી નથી.
રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ કહ્યું કે, આજે ઇવીએમ અનલૉક અંગેના કેટલાક અહેવાલો સામે આવ્યા છે અને તે અંગે કેટલાક લોકોએ ટ્વિટ કર્યા છે. જોકે ઈવીએમને અનલૉક કરવા માટે ઓટીપી લાગુ પડતો નથી. ઈવીએમ ડિવાઈસ ક્યાંય પણ કનેક્ટ રહેતું નથી. હાલ જે અહેવાલો ચાલી રહ્યા છે, તે સંપૂર્ણ ખોટા છે. ઈવીએમ સ્ટેન્ડ-એલોન સિસ્ટમ્સ છે. ઈવીએમના અહેવાલો સંપૂર્ણ ખોટા છે. અમે નોટિસ ઈશ્યૂ કર્યા છે. ૪૯૯ આઈપીસી હેઠળ માનહાનીનો કેસ પણ દાખલ કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, મેં સમાચાર પત્રના રિપોર્ટરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે આઈપીસીની કલમ ૫૦૫ અને ૪૯૯ હેઠળ તેમને નોટિસ મોકલીશું.
ચૂંટણી પંચે ચૂંટણી અધિકારી ગૌરવને મોબાઈલ રાખવાની મંજૂરી આપી હતી, તે તેમનો પોતાનો મોબાઈલ હતો. પોલીસની તપાસ બાદ અમે ઈન્ટરનલ તપાસ કરીશું કે નહીં, તે પછી નિર્ણય કરાશે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે કોર્ટના ઓર્ડર વગર કોઈને પણ સીસીટીવી ફુટેજ નહીં આપીએ, પોલીસને પણ નહીં. ઈવીએમ કોઈ પ્રોગ્રામ માટે નથી અને તે હેક પણ કરી શકાતું નથી. ચૂંટણી પંચની ફરિયાદ બાદ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.
વાસ્તવમાં લોકસભા ચૂંટણી દરમિયાન મતગણતરી કેન્દ્રની અંદર મોબાઈલનો ઉપયોગ કરવા મામલે મુંબઈ પોલીસે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ ઉપરાંત પોલીસે પાંડિલકરને મોબાઈલ આપનાર ચૂંટણી પંચના એક કર્મચારીની સામે પણ કેસ નોંધ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ ગોરેગાંવ ચૂંટણી સેન્ટરની અંદર મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવા છતાં રવિન્દ્ર વાયકરનો સાળો પાંડિલકરે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. આ મામલે ઉત્તર પશ્ચિમ બેઠક પર ચૂંટણી લડનારા ઉમેદવારો અને ચૂંટણી આયોગ દ્વારા પોલીસને ફરિયાદો મળી હતી, જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. આ બેઠક પર રિકાઉન્ટિંગ થયા બાદ ૧ મતથી હારેલ વાયકર માત્ર ૪૮ મતોથી ચૂંટણી જીત્યા હતા, ત્યારબાદ ઘણો વિવાદ પણ થયો હતો.
સૂત્રના જણાવ્યા મુજબ મતગણતરી વખતે જે મોબાઈલમાં ઓટીપી જનરેટ થાય છે, તે મોબાઈલ ચૂંટણી અધિકારી ગૌરવના બદલે સાંસદના સંબંધી પાંડિકલકર પાસે હતો અને તે ત્યાં મોબાઈલનો ઉપયોગ કરતો હતો.
પોલીસને આશંકા છે કે, જ્યારે કાટાંની ટક્કર ચાલતી હતી, ત્યારે તેણે ફોનનો ઉપયોગ સવારથી સાંજે ૪.૩૦ સુધી કર્યો હતો. ચૂંટણી પંચ પાસે ઘટનાસ્થળના સીસીટીવી ફુટેજ પણ છે, જે મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા હોવાનો અહેવાલો સામે આવ્યા હતા.
આ કેસની તપાસ કરવા માટે મુંબઈ પોલીસને ત્રણ ટીમો બનાવાઈ છે. સૌથી મહત્વની વાત, ફોન જપ્ત કર્યા બાદ પોલીસે ફોનની સીડીઆર મેળવી રહી છે અને તમામ મોબાઈલ નંબરોની પણ તપાસ કરી રહી છે.
ફોન જપ્ત કર્યા બાદ પોલીસ જાણવા માંગે છે કે, કોને કોને ફોન કરવામાં આવ્યા અને મોબાઈલ પર કેટલા ઓટીપી આવ્યા? પોલીસે એ પણ જાણવા માંગે છે કે, આ મોબાઈલ પર ફોન આવ્યા હતા કે નહીં? નિયમો મુજબ ઓટીપી જનરેટ થયા બાદ મોબાઈલ આરઓ (રિટર્નિંગ ઓફિસર)ને સોંપવામાં હોય છે. હાલ મોબાઈલ પરત કેમ ન લેવામાં આવ્યો, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ મોબાઈલને ફોરેન્સિંગ લેબમાં મોકલી દેવાયો અને છે અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
આ ઘટના સામે આવ્યા બાદ શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ ચૂંટણી પંચ પર નિશાન સાધી કહ્યું છે કે, ઇસીનો નવો અર્થ ‘એન્ટાયરલી કોમ્પ્રોમાઈઝડ' છે, ચૂંટણી પંચ નહીં.
જ્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે, ‘ટેકનોલોજીનો ઉપયોગ સમસ્યાઓ દુર કરવા માટે થાય છે, જો તે મુશ્કેલી બની જાય, તો તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.
આજે વિશ્વભરના ઘણા દેશોમાં ઈવીએમમાં ગડબડી અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જાણિતા ટેકનોલોજી નિષ્ણાતો ઈવીએમમાં હેરાફેરીના ખતરા અંગે જાહેરમાં લખી રહ્યા છે. જો આવું જ હોય તો ઈવીએમનો ઉપયોગ કરવાની જીદ કેમ કરવામાં આવી રહી છે? ભાજપ આ અંગે સ્પષ્ટ જવાબ આપે. અમે ફરી માંગ કરી રહ્યા છે કે, આગામી તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી કરવામાં આવે.’
કોંગ્રેસે પણ ઘટના અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ સેર કરી છે. કોંગ્રેસે એક્સ પર લખ્યું છે કે, ‘ઈવીએમ સંબંધીત વધુ એક મામલો સામે આવ્યો છે. મુંબઈમાં એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ ફોન ઇવીએમ સાથે જોડાયેલો હતો. એક મતથી હારી ગયેલા વાયકરની માત્ર ૪૮ મતોથી જીત થઈ છે. આવી સ્થિતિમાં એવો સવાલ થાય છે કે, આખરે એનડીએના ઉમેદવારના સંબંધીનો મોબાઈલ ઈવીએમ સાથે કેમ જોડાયેલો હતો? જ્યાં મતગણતરી ચાલી રહી હતી, ત્યાં મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો? શંકા ઉભી કરનારા પ્રશ્નો ઘણા છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી જોઈએ.’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ઘટનાને ગંભીર ગણાવી કહ્યું છે કે, ‘ભારતમાં ઈવીએમ એક બ્લેક બૉક્સ છે અને તેની તપાસ કરવાની કોઈને પણ મંજૂરી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ઘણી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંસ્થાઓમાં જવાબદારીના અભાવના કારણે લોકશાહી એક દેખાડો બની જાય છે અને છેતરપિંડીની સંભાવના વધી જાય છે.'
ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) ઈલોન મસ્કે ઈવીએમ અંગે એક મોટો દાવો કરીને આખી દુનિયાને ચોંકાવી હતી. તેમણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વિશે કહ્યું કે તે હેક થઈ શકે છે અને તેનો ઉપયોગ જ બંધ કરીને ઈવીએમ ખતમ કરી દેવા જોઈએ. આ સાથે તેમણે અમેરિકન ચૂંટણીમાંથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ને હટાવવાની માંગ કરી હતી. સ્પેસ એક્સના સીઈઓ ઈલોન મસ્કે આ ટિપ્પણી અમેરિકન રાષ્ટ્રપતિ પદ માટે અપક્ષ ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જુનિયર દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ પર જવાબરૂપે કરવામાં આવી હતી.
ખરેખર તો કેનેડી જુનિયરે તેમની પોસ્ટમાં પ્યુર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીઓમાં ઇવીએમ સંબંધિત કથિત મતદાનમાં થયેલી ગેરરીતિઓ વિશે ચર્ચા કરી હતી. તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્યુર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીમાં ઈવીએમ સંબંધિત સેંકડો ગેરરીતિ પકડાઈ. સૌભાગ્યથી ત્યાં એક પેપર ટ્રેલ હતું એટલા માટે સમસ્યા ઓળખી જવાઈ અને મતની ગણતરી યોગ્ય રીતે થઇ. વિચારો એ ક્ષેત્રોમાં શું થતું હશે જ્યાં કોઈ પેપર ટ્રેલ નથી? અમેરિકન નાગરિકોએ એ જાણવું જરૂરી છે કે તેમના દરેક વોટની ગણતરી થઇ છે અને તેમની ચૂંટણી એકદમ પારદર્શક રીતે સંપન્ન થઇ છે.
ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એલન મસ્કના નિવેદન પર વળતો પ્રહાર કરી કહ્યું હતું કે, ઈવીએમ હેક ન થઈ શકે. તેમના નિવેદનમાં કોઈ સત્યતા નથી. તેઓએ ભારત આવીને કંઈક શીખવું જોઈએ. ચંદ્રશેખરે ઈવીએમની તમામ યોગ્યતાઓ જણાવી. તેમણે કહ્યું કે મસ્કનો અર્થ એ છે કે કોઈ પણ સુરક્ષિત ડિજિટલ હાર્ડવેર બનાવી શકતું નથી. તેમની વિચારસરણી ખોટી છે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
