News of Monday, 17th June 2024
ગિફટ સિટીનું વિસ્તરણ પડતું મુકાતા ભાજપના જ નેતાઓના ૧૦,૦૦૦ કરોડ ડૂબ્યાં
ગિફટ સિટી એ માત્ર સરકાર માટેનું ડ્રીમ સ્વપ્ન ન હતું પરંતુ ભાજપના જ ભ્રષ્ટ નેતાઓ અને અમુક અધિકારીઓએ અહી પોતાના કાળા નાણાનું રોકાણ કર્યું હતું

નવી દિલ્હી,તા. ૧૭: સરકારે ‘સપનાના શહેર'ની ઉપમા આપેલી ગિફટ સિટીના વિસ્તરણથી હાથ ખંખેર્યા નાખ્યા છે અને હવે તેનું વિસ્તરણ ગોફટ સિટી અંતર્ગત નહિ પરંતુ GUDA હેઠળ કરવાનું છે. જો કે હવે જમીનની કિંમતમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. જો કે હાલ એ ચર્ચાનું જોર જામ્યું છે કે ભાજપના જ કેટલાક નેતાઓ અને મોટા અધિકારીઓએ પોતાની બ્લેક મની રોકી હતી પરંતુ હાલ તેની કિંમતમાં કડાકાભેર ઘટાડો થઈ જતાં ભાજપના જ નેતાઓના આશરે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ડૂબ્યાં હોવાની ચર્ચાએ ભારે જોર કર્યું છે.
ગિફટ સિટી એ માત્ર સરકાર માટેનું ડ્રીમ સ્વપ્ન ન હતું પરંતુ ભાજપના જ ભ્રષ્ટ નેતાઓ અને અમુક અધિકારીઓએ અહી પોતાના કાળા નાણાનું રોકાણ કર્યું હતું. સરકારે ગિફટ સિટીના વિસ્તરણની યોજના બનાવવા માટે બે પરિપત્રો પણ કરીને આજુબાજુના પાંચ ગામોની જમીનો સમાવવામાં આવી હતી પરંતુ અહી રોકાણ કરેલ રાજકારણીઓએ તેનો વિરોધ નોંધાવ્યો હતો.
આ વિસ્તરણમાં અનેક પડકારોનો સામનો સરકારે કરવો પડ્યો હતો. જો કે તેની સાથે જ આ રાજકારણીઓએ પણ ગિફટ સિટીમાં પણ નવા વિસ્તારોનો ઉમેરો કરવાની સાથે તેને હાલના ગિફટ સિટી વિસ્તારમાં FSIમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રાહતો આપવા માટે પણ સરકારને દબાણ કર્યું હતું. તો વળી આ રાજકારણીઓ રોડ કે અન્ય સુવિધાઓ માટે થનારી જમીનની કપાત સામે વાંધો ઉઠાવ્યો હતો.
જો કે ત્યારબાદ બાદ આ મુદ્દો માત્ર ગુજરાત સરકાર સુધી સીમિત ન રહેતા છેક દિલ્હી સુધી પહોંચ્યો હતો. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી ગયો હતો અને ત્યારબાદ નવા વિસ્તારને સમાવવાનું અને વિકાસ કરવાનું જ સરકારે માંડી વાળ્યું હતું. અંતે હવે આ જમીન ગિફટ સિટી અંતર્ગત વિકસિત કરવાને બદલે હવે આ જમીન ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ વિકાસવામાં આવશે. જો કે આ દરમિયાન અહી રોકાણ કરનાર મોટા અધિકારીઓ અને રાજકારણીના લગભગ ૧૦,૦૦૦ કરોડની મૂડી ડૂબી ગઇ હોવાની ચર્ચા છે.
અહી બનનારી ટાઉનશીપ, બહુમાળી ઇમારતો અને અન્ય મોટા જાહેર પ્રોજેક્ટ માટેની સુવિધાઓ માટે ૪૦ ટકા જેટલી જમીનની કપાત માંગી હતી. જો કે તે ઘટાડવા માટે રાજકારણીઓ અને રોકાણકરોએ સરકાર પર દબાણ કર્યું હતું અને બિલ્ડિંગની ઊંચાઈ વધારવા માટે પણ માંગ કરી હતી. આથી ગુજરાત સરકારની હાલત અહી સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જતાં અંતે સરકારે માત્ર હવે માત્ર ૩૫૯ હેક્ટર્સ જમીન પર જ વિકસાવવાનો નિર્ણય કર્યો છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
