<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

૧૮૦ દિવસમાં જીએસટી નહીં ભરાય તો વ્‍યાજ સાથે ક્રેડિટ પરત કરવી પડશે

૨એ રિટર્નમાં દેખાય તેના કરતાં વધુ ક્રેડિટ લેવાના અનેક કિસ્‍સા : જીએસટી ભરપાઇ કરવામાં આવ્‍યા બાદ જ ક્રેડિટ લેવામાં આવે તે જરૂરી

મુંબઇ તા. ૧૮ : વેપારીએ ખરીદી કર્યા પછી જો તેનાં નાણાં ૧૮૦ દિવસમાં વેપારીને ચૂકવે નહીં તો વેપારી દ્વારા જીએસટી ભરપાઈ કરવામાં આવતો નથી. તે પહેલા ખરીદી કરનાર વેપારી દ્વારા જીએસટી ક્રેડિટ લેવામાં આવી હોય તેવા કિસ્‍સામાં વેપારીએ જીએસટી ક્રેડિટ પરત કરવાની સાથે વ્‍યાજ પણ વિભાગને ચૂકવવાનું રહેશે. જેથી ખરીદી કર્યા બાદ મોડામાં મોડું ૧૮૦ દિવસની અંદર રકમની ચુકવણી કરવામાં આવે તો જ વેપારીએ વ્‍યાજ સહિત ક્રેડિટ પરત કરવામાંથી છુટકારો મળી શકે તેમ છે.

જીએસટીમાં વેચાણ કરનાર વેપારી દ્વારા ૩બી રિટર્નમાં જીએસટી ભરપાઈ કરી દેવામાં આવે તો જ ખરીદનાર વેપારીને જીએસટીની ક્રેડિટ મળતી હોય છે. પરંતુ કેટલાક કિસ્‍સામાં વેપારીઓ દ્વારા જીએસટીના રએમાં જીએસટી ક્રેડિટ દર્શાવી નહીં હોવા છતાં ક્રેડિટ લઈ લેતા હોય છે. જયારે વેચાણ કરનાર વેપારી દ્વારા તે રકમ પર ભરપાઇ કરવાનો થતો જીએસટી વિભાગમાં જમા કરાવતો નથી. તે રકમ ૧૮૦ દિવસની અંદર ભરપાઈ કરવામાં આવે તો સામેવાળા વેપારીએ લીધેલી ક્રેડિટ પરત કરવામાંથી મુક્‍તિ મળતી હોય છે.

તેમજ વ્‍યાજ પણ ભરવું પડતું નથી. તેના કારણે માલ ખરીદ કરનાર વેપારીએ તેની પણ ચકાસણી રાખવી પડશે તે જેની પાસેથી માલની ખરીદી કરી છે તે વેપારી મોડામાં મોડું ૧૮૦ દિવસમાં જીએસટી ભરપાઈ કરે છે કે નહીં, કારણ કે જો તે જીએસટી ભરપાઈ નહીં કરે તો લીધેલી ક્રેડિટ સાથે વ્‍યાજ ચૂકવવાની સ્‍થિતિ સર્જાતી હોય છે. આ ઉપરાંત વેપારી દ્વારા જયારે પણ તે બિલની રકમનો જીએસટી ભરપાઈ કરવામાં આવે ત્‍યારપછી જ સામેવાળા વેપારીએ ક્રેડિટ લેવાની રહેશે. જો તે પ્રમાણે જ ક્રેડિટ લેવામાં આવે તો વ્‍યાજ ભરપામાંથી છુટકારો થઈ શકે તેમ છે.

(10:36 AM IST)