<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

કાશ્મીરની કાની શાલ બહુ કીમતી:સુંદર વેલીઓમાં તૈયાર થતી શાલ બનાવવા લાકડાની સોયનો થાય છે ઉપયોગ

કાની શાલ લાંબા સમય સુધી ભારતના રાજાઓ અને સમ્રાટોના પોશાકનો એક ભાગ રહી:. વડાપ્રધાન મોદીના ખભા પર પણ આ શાલ ઘણી વખત જોઈ હશે

નવી દિલ્હી ; એક રંગીન શાલ છે જેનો ઈતિહાસ મુઘલ યુગ જેટલો જૂનો છે અને તેને બનાવવામાં એક મહિનાથી લઈને એક વર્ષ કરતાં પણ વધુ સમય લાગે છે.આ શાલ કાશ્મીરની સુંદર વેલીઓમાં તૈયાર કરવામાં આવી રહી છે. 

પશ્મિના ઊનમાંથી બનેલી આ શાલ બનાવવા માટે લાકડાની સોયનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કાની કહેવામાં આવે છે. મુઘલ શાસન દરમિયાન પણ આ શાલને ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી. સેંકડો વર્ષનો ઈતિહાસ ધરાવતી આ પ્રાચીન કલામાં આજે ભારતના કારીગરો નવા રંગો ઉમેરવામાં વ્યસ્ત છે. ચાલો જાણીએ શું છે તેની વિશેષતા અને કેવી રીતે આ કળા ભારતમાં પહોંચી.
15મી સદીમાં પ્રથમ વખત ફારસી અને તુર્કીના વણકરોએ આ કળા કાશ્મીરમાં લાવ્યા હતા. હંમેશાથી જ આ શાલની વણાટ માટે કારીગરોમાં ધૈર્ય હોવું ઘણું જ જરુરી હોય છે. કારણ એ છે કે કેટલીકવાર એક શાલ તૈયાર કરવામાં 3-4 વર્ષનો સમય લાગે છે. આ સમય દરમિયાન તેઓએ દિવસમાં 6-7 કલાક કામ કરવું પડે છે અને શાલ તેના નિર્માણ દરમિયાન એક કે બે નહીં પરંતુ 3-4 કારીગરોના હાથમાંથી પસાર થાય છે.

તેની પ્રોસેસ ઘણી હદે કાર્પેટ વણાટ જેવી હોય છે. એક દિવસમાં માત્ર 1-2 સેન્ટીમીટર જ તૈયાર કરી શકાય છે, બાકીનો આધાર કારીગરને આપવામાં આવેલી ડિઝાઇન પર હોય છે. દેખીતી રીતે, વધુ જટિલ ડિઝાઇન, તે બનાવવા માટે વધુ સમય લાગે છે.
કાની શાલની સૌથી ખાસ વાત એ તેની કલર થિયરી છે, જે હંમેશા પ્રકૃતિથી પ્રેરિત રહી છે. આજે, શ્રીનગરથી લગભગ 20 કિલોમીટર દૂર એક નાનકડા ગામ કાનિહામામાં ફરી એકવાર કની શાલને પુનર્જીવિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. એમ કહેવું ખોટું નહીં હોય કે, જૂની કળામાં નવા રંગ ઉમેરતા, ભારતના કારીગરોનો કોઈ જ જવાબ નથી.
કાની શાલ લાંબા સમય સુધી ભારતના રાજાઓ અને સમ્રાટોના પોશાકનો એક ભાગ રહી છે. વડાપ્રધાન મોદીના ખભા પર પણ આ શાલ ઘણી વખત જોઈ હશે. આ શાલ બનાવવાની અનોખી કળા અંગે કાશ્મીરના આઠમા સુલતાન ગિયાસ-ઉદ્દ-દીને ઝૈન-ઉલ-આબિદિનને લોકોને વાકેફ કર્યા હતા. ત્યારથી તે વિશ્વભરના ઘણા લોકોના હૃદય પર કબજો કરી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે, આ શાલ મુઘલ રાજાઓ, શીખ મહારાજાઓ અને બ્રિટિશર્સના કેટલાંક વર્ગની સુંદરતા વધારવામાં મોટી ભૂમિકા માનવામાં આવતી હતી.

(12:05 AM IST)