News of Thursday, 20th June 2024
નવું GST રિર્ટન આવ્યા બાદ ડેટા મિસમેચની નોટિસ ઘટી જશે
જીએસટીઆર ૧એ રિટર્ન આવ્યા બાદ ૩ બી રિટર્નમાં ભૂલ સુધારી શકાશે

મુંબઇ,તા. ૨૦: વેપારી દ્વારા ભરવામાં આવેલા જીએસટી રિટર્નમાં નાની સરખી પણ ભૂલ હોય તો વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવતી હોય છે. આ નોટિસ નહીં આવે તે માટે જીએસટી કાઉન્સિલની બેઠકમાં વધારાનું એક જીએસટી રિટર્ન લાવવામાં આવે તેવી શક્યતા છે.
જીએસટી સરળીકરણની વાતો વચ્ચે વધારાનું એક જીએસટી રિટર્ન વેપારીઓની તકલીફ દૂર કરવા માટે લાવવામાં આવે તેવી તજવીજ હાથ ધરવામાં આવી છે. કારણ કે વેપારીઓ દ્વારા જીએસટીઆર ૧ ભર્યા બાદ જીએસટીમાં ૩બી રિટર્ન ભરતા હોય છે. આ વચ્ચે તેઓ રિટર્નમાં સુધારા કરવાની સવિધા મળતી નહોતી કારણ કે કેટલાક કિસ્સામાં વેપારીઓ દ્વારા ભરપાઈ કરવામાં આવેલા જીએસટી રિટર્નમાં ખામી રહી જતી હોય છે. તે સુધારો નહીં થવાના લીધે વિભાગ દ્વારા નોટિસ ફટકારીને ખુલાસો પૂછતી હોય છે. આ નોટિસને કારણે વેપારીઓની સાથે સાથે અધિકારીઓએ પણ પરેશાની વેઠવી પડતી હતી. કારણ કે વેપારી દ્વારા તેને લગતા પુરાવા રજૂ કરીને ભૂલ થયાની વાત કરે એટલે કાર્યવાહી આટોપી લેવામાં આવતી હતી. તેની સામે અધિકારીઓને સમય બગાડવાની સાથે આવક પણ વધતી નહોતી. જેથી તેમાં સુધારો લાવવા માટે જ જીએસટીમાં ૧એ નામનું નવું રિટર્ન આગામી દિવસોમાં લાવવામાં આવનાર છે. આ રિટર્ન આવ્યા બાદ ૩બી રિટર્ન ભરતા પહેલા ૧એમાં ભરેલી વિગતોમાં કોઇ ભૂલ રહી ગઇ હોય તો તેમાં સુધારો કરી શકાશે. આ અંગે ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે વેપારીઓને ઓછામાં ઓછી તકલીફ પડે તેને ધ્યાને રાખીને નવું રિટર્ન આગામી દિવસોમાં લાવવામાં આવશે. તેના લીધે વેપારીએ રિટર્ન ભરતી વખતે કરેલી ભૂલ સુધારવાની તક પણ મળી રહેવાની છે. આ પ્રમાણેનો નિર્ણય જીએસટી કાઉન્સિલની આગામી ૨૨ જૂનના રોજ મળનારી બેઠકમાં લેવામાં આવે તેવી શક્યતા છે. તેમજ બેઠક બાદ તેનું જાહેરનામું પણ ઝડપથી પાડી દેવામાં આવે તો જ વેપારીઓ તેનો લાભ પણ ઝડપથી ઉઠાવી શકે તેમ છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
