<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા સાથી પક્ષે ભાજપની ચિંતા વધારી : શિંદે જૂથે 100 સીટની માંગ કરી :ફડણવીસે કહ્યું-ભાજપ સૌથી મોટી પાર્ટી

પૂર્વ પ્રધાન રામદાસ કદમે જણાવ્યું હતું કે, "અમને ચૂંટણી લડવા માટે 100 બેઠકો મળવી જોઈએ અને અમે તેમાંથી 90 જીતી બતાવશું

મુંબઈ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહાયુતિ ગઠબંધનમાં સીટોની વહેંચણીને લઈને બયાનબાજી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે તેમની પાર્ટીને મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી 100 બેઠકો પર ચૂંટણી લડવાની તક મળવી જોઈએ.

   અત્રે ઉલ્લેખનીય છે કે શિવસેના મહાયુતિ ગઠબંધનનો એક ભાગ છે, જેમાં ભાજપ અને અજિત પવારની આગેવાનીવાળી NCP પણ સામેલ છે. રાજ્યમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

  અવિભાજિત શિવસેનાના 58માં સ્થાપના દિવસ નિમિત્તે શિંદે દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બુધવારે રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન રામદાસ કદમે જણાવ્યું હતું કે, "અમને ચૂંટણી લડવા માટે 100 બેઠકો મળવી જોઈએ અને અમે તેમાંથી 90 જીતીશું તેની ખાતરી કરીશું.

   નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બાદમાં કહ્યું કે ભાજપ સૌથી મોટી પાર્ટી છે અને રાજ્યની ચૂંટણીમાં વધુ બેઠકો પર લડશે. જો કે ત્રણેય પક્ષોના નેતાઓની બેઠક અને ચર્ચા બાદ જ સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં શાસક મહાયુતિએ રાજ્યની 48 બેઠકોમાંથી 17 બેઠકો જીતી હતી. ભાજપે 9, શિવસેનાને 7 અને એનસીપીએ 1 સીટ જીતી છે.

  કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) અને શરદ પવારની NCP (SP)નો સમાવેશ કરતી વિપક્ષ મહા વિકાસ આઘાડીએ 30 બેઠકો મેળવી હતી

(11:16 AM IST)