<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

કેજરીવાલને સુપ્રીમ કોર્ટે રાહત ન આપી : દિલ્‍હી હાઇકોર્ટનો સ્‍ટે હજુ ૨ દિવસ યથાવત રહેશે

દિલ્‍હી હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવી જોઈએ અને પછી જ અમારી પાસે આવો : કોર્ટ

નવી દિલ્‍હી તા. ૨૪ : દિલ્‍હી એક્‍સાઈઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્‍ડરિંગ કેસમાં જામીન આપવાના રાઉઝ એવન્‍યૂ કોર્ટના આદેશ પર દિલ્‍હી હાઇકોર્ટે રોક લગાવી હતી. જેના બાદ તેની સામે દિલ્‍હી મુખ્‍યમંત્રી કેજરીવાલે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી છે. કેજરીવાલ વતી તેમના વકીલે દલીલ કરી હતી કે હાઈકોર્ટ દ્વારા અમારા અસીલને મળેલા જામીન પર સ્‍ટે મૂકવો એ ન્‍યાયિક પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. આ મામલે દલીલો બાદ કેજરીવાલના કેસમાં સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો કે રાહત ન આપતાં સુનાવણી બુધવાર સુધી ટાળી હતી.ᅠ ᅠ

સુપ્રીમકોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં કેજરીવાલ અને તેમના વકીલને સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું કે તમારે પહેલા દિલ્‍હી હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવી જોઈએ અને પછી જ અમારી પાસે આવો. સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હાઈકોર્ટનો સ્‍ટે ન્‍યાયિક પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. તેના પછી જસ્‍ટિસ મનોજ મિશ્રએ કહ્યું કે હાઈકોર્ટ આજ-કાલમાં ચુકાદો આપવાની છે. તેના પર સિંઘવીએ કહ્યું કે જો જામીન રદ થશે તો અમારા અસીલ કેજરીવાલ ફરી જેલ જશે.ᅠ

કેજરીવાલના વકીલે કહ્યું કે વચગાળાના જામીન આપવાના આદેશ બાદ સુપ્રીમ કોર્ટે તેમને નિયમિત જામીન માટે નીચલી કોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. જયારે ત્‍યાંથી જામીન મંજૂર કરવામાં આવ્‍યા ત્‍યારે હાઈકોર્ટે તેના પર સ્‍ટે મૂકી દીધો, જે કેદીઓના સંબંધમાં આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયની માર્ગદર્શિકા અનુસાર નથી. કેજરીવાલના વકીલે સુપ્રીમ કોર્ટના ૧૦ મેના આદેશને ટાંક્‍યો, જેમાં તેમને વચગાળાના જામીન આપવામાં આવ્‍યા હતા.

તેમણે કહ્યું કે ત્‍યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલ દિલ્‍હીના સીએમ છે, તેમનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી, તેમની ધરપકડ થવાનો કોઈ ખતરો નથી, ઓગસ્‍ટ ૨૦૨૨થી તપાસ પેન્‍ડિંગ હતી અને માર્ચ ૨૦૨૪માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. સિંઘવીએ ઇડીના વકીલ પર નીચલી કોર્ટમાં જાણીજોઈને ઘણા પાસાઓની દલીલ ન કરવાનો આરોપ લગાવ્‍યો.૨૧ જૂને બંને પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ દિલ્‍હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્‍યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે અમે ૨/૩ દિવસ માટે આદેશ અનામત રાખીએ છીએ. આદેશ જાહેર ન થાય ત્‍યાં સુધી ટ્રાયલ કોર્ટના આદેશ પર વચગાળાનો સ્‍ટે મૂકવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટ આવતા અઠવાડિયે ચુકાદો આપી શકે છે.

(3:38 PM IST)