<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

જમ્મુ કાશ્મીર:સબ ઇન્સ્પેકટર પેપર લીક કેસમાં EDએ માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી, પેપર 30 લાખમાં વેચાયા

જમ્મુ કાશ્મીર સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું પેપર 2022માં લીક થયું હતું. EDએ CBI દ્વારા નોંધાયેલી FIR અને ચાર્જશીટના આધારે તપાસ શરૂ : EDએ આ કેસમાં પેપર લીકના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી

EDએ જમ્મુ-કાશ્મીરમાં સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું પેપર લીક કરવાના માસ્ટરમાઇન્ડ યતિન યાદવની ધરપકડ કરી છે. જમ્મુ કાશ્મીર એસએસબીએ સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષા લીધી હતી. આ પરીક્ષા 27 માર્ચ 2022ના રોજ લેવામાં આવી હતી, જેનું પેપર લીક થયું હતું. આ કેસમાં EDએ મેસર્સ ન્યૂ ગ્લોબલ ફ્યુમિગેશન કોર્પોરેશનના માલિક યતિન યાદવની 24 જૂને ધરપકડ કરી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, NET અને NEET પરીક્ષા પેપર લીક કેસ સાથે યતિનનું નેટવર્ક જોડાયેલું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

  જમ્મુ-કાશ્મીર પોલીસમાં 1200 સબ-ઇન્સ્પેક્ટરોની ભરતી દરમિયાન લેખિત પરીક્ષાના પેપર લીક થયાની માહિતી જમ્મુ-કાશ્મીર સરકારને મળી ત્યારે CBIએ આ કૌભાંડની તપાસ શરૂ કરી. CBI દ્વારા નોંધાયેલી FIR અને ચાર્જશીટના આધારે EDએ તપાસ શરૂ કરી છે. ચાર્જશીટમાં યતિન યાદવ સહિત અન્ય ઘણા આરોપીઓ છે, જેમાં યતિન માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે.

     યતિને જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં તેની સિન્ડિકેટ દ્વારા ઉમેદવારોનો સંપર્ક કર્યો અને તેમને 15 થી 30 લાખ રૂપિયામાં પેપર વેચ્યા. પરીક્ષા પછી, ઉમેદવારો પાસેથી રોકડ અથવા બેંક ખાતામાં પૈસા માંગવામાં આવ્યા હતા. આ પૈકીના કેટલાક ઉમેદવારો મેરિટ લિસ્ટમાં આવ્યા હતા, પરંતુ બાદમાં પેપર લીક થયાની માહિતી મળી હતી.

  આ ઉપરાંત અનેક વચેટિયાઓ પણ આમાં સામેલ હતા. EDએ યતિન યાદવની આશરે રૂ. 1 કરોડની જંગમ સંપત્તિ જપ્ત કરી હતી, જેમાં તેમની કંપની ન્યૂ ગ્લોબલ ફ્યુમિગેશન કોર્પોરેશનનો પણ સમાવેશ થાય છે. પેપર લીકનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ સરકારે આ પરીક્ષા રદ કરી હતી અને તેને ફરીથી આયોજિત કરી હતી. આ સિવાય બિહાર, ગુજરાતના ગોદરા અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં NEET પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત મામલા પણ CBIએ પોતાના કબજામાં લીધા છે.

(11:30 PM IST)