News of Tuesday, 25th June 2024
ભાજપને હવે કોઈ સમર્થન નહીં...: બીજેડીનો નિર્ણયઃ રાજયસભામાં વધ્યું મોદી સરકારનું ટેન્શન
ચૂંટણી પરિણામો પછી બીજેડીએ હવે સંસદમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર સામે વિરોધ કરવાનો નિર્ણય લીધો છે

નવી દિલ્હી,તા.૨૫: ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની જીત થઈ છે. ભાજપને બહુમતી સાથે રાજયમાં સરકારની રચના કરી છે. ત્યારે લાંબા સમયથી મુખ્યમંત્રી રહેલા બીજુ જનતા દળ (બીજેડી)ના વડા નવીન પટનાયક સત્તામાંથી બહાર થયા છે. નોંધનીય છે કે, સંસદમાં મોટાભાગના મામલામાં બીજેડી ભાજપની સાથે હતી. જો કે, હવે ચૂંટણી પરિણામો પછી બીજેડીએ હવે સંસદમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર સામે વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. નવીન પટનાયકે આ અંગે પોતાના રાજયસભાના સાંસદોને મહત્ત્વની સૂચનાઓ આપી છે.
ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે (૨૪મી જૂન) નવ રાજયસભા સદસ્યો સાથે બેઠક યોજી હતી. તેમણે સાંસદોને ૨૭મી જૂનથી શરૂ થઈ રહેલા રાજયસભાના સત્ર દરમિયાન સક્રિય અને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે સાંસદોને સંસદમાં રાજયના હિતોને લગતા મુદ્દાઓને યોગ્ય રીતે ઉઠાવવા કહ્યું છે.
રાજયસભામાં બીજેડીના નેતા સસ્મિત પાત્રાએ જણાવ્યું હતું કે, ‘આ વખતે સંસદમાં બીજુ જનતા દળના સાંસદો માત્ર વિવિધ મુદ્દાઓ ઉઠાવશે. જો કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર ઓડિશાના હિતોની અવગણના કરશે તો અમે આંદોલન કરવા પણ તૈયાર છે. સાંસદો રાજયમાં નબળી મોબાઈલ કનેક્ટિવિટી અને બેન્ક શાખાઓની ઓછી સંખ્યાનો મુદ્દો પણ ઉઠાવશે.'
બીજેડી નેતા સસ્મિત પાત્રાએ જણાવ્યું હતું કે,‘નવ સાંસદો રાજયસભામાં મજબૂત વિપક્ષ તરીકે કામ કરશે. હવે ભાજપને કોઈ સમર્થન નહીં મળે, પરંતુ માત્ર વિરોધની ભૂમિકા ભજવશે. અમે ઓડિશાના હિતોની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ. ભાજપને સમર્થન કરવાનો સવાલ જ નથી.'
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
