News of Tuesday, 25th June 2024
GST ક્રેડિટ કોઈ પણ વર્ષમાં લીધી હશે તો નોટિસ રદ
જીએસટી કાઉન્સિલમાં નિર્ણય લેવામાં આવતા મોટાભાગના વેપારીઓને થનારો ફાયદો

નવી દિલ્હી,તા. ૨૫: જીએસટી લાગુ થયા બાદ કોઇ પણ વર્ષમાં વેપારીએ ક્રેડિટ લીધી હોય તેવા કિસ્સામાં પહેલા ક્રેડિટ રિવર્સ કરવાની સાથે જેટલો સમય ક્રેડિટનો વપરાશ કર્યો હોય તેટલા સમયનું વ્યાજ ભરપાઈ કરવાનું થતું હતું. જયારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી લાગુ થયા બાદથી ૩૦ નવેમ્બર ૨૦૨૧ સુધીમાં વેપારીએ કોઇ પણ વર્ષમાં ક્રેડિટ લીધી હશે તો તેને આપવામાં આવેલી નોટિસ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં વેપારીઓને ફાયદો થાય તેવા અનેક નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. તે અંતર્ગત ૧ જુલાઈ ૨૦૧૭થી લાગુ કરવામાં આવેલા જીએસટીમાં વેપારીઓ દ્વારા ગમે તે વર્ષમાં ક્રેડિટ લઈ લેતા હતા. જેથી વિભાગ દ્વારા તેઓને નોટિસ આપી ક્રેડિટ પરત કરવાની સાથે વ્યાજ ભરવા માટે તાકીદ કરવામાં આવતી હતી. પરંતુ જીએસટી કાઉન્સિલે એવી જાહેરાત કરી છે કે જીએસટી લાગુ થયા બાદ ૩૦ નવેમ્બર ૨૦૨૧ સુધીમાં વેપારીએ કોઈ પણ વર્ષમાં કેડિટ લીધી હશે તો તેને આપવામાં આવેલી નોટિસમાં હવેથી કાર્યવાહી કરવામાં આવશે નહીં. તેના લીધે વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે.
કંપોઝિશન ટેક્સ ભરનાર હવે જીએસટી રિટર્ન જૂન સુધીમાં ભરી શકશે
વેપારીઓ ટર્નઓવરના એકથી પાંચ ટકા સુધી જીએસટી ભર્યા બાદ ક્રેડિટ લેતા નહીં હોય તેવા વેપારીઓ કપોઝિશન સ્કીમમા આવતા હોય છે. જેથી તેઓએ નાણાકીય વર્ષ પુરુ થયા બાદ એપ્રિલના અંત સુધીમાં વાર્ષિક રિટર્ન ભરવાનું હોય છે. જયારે હવેથી તેઓ એપ્રિલના બદલે જુનના અંત સુધીમાં વાર્ષિક રિટર્ન ભરવા માટેની છુટ આપવામાં આવી છે. આ નિર્ણય કરવામાં આવતા કપોઝિશન સ્કીમનો લાભ લેતા વેપારીઓને વધારાના બે મહિનામાં રિટર્ન ભરવાનો સમય મળી રહેવાનો છે.
૨૦ લાખ સુધીના કેસમાં વિભાગ અપીલમાં જશે નહીં
વેપારી પાસેથી ૨૦ લાખ સુધીની રકમ વસુલવા માટે અધિકારી દ્વારા જે પણ નિર્ણય કરવામાં આવે તેને માન્ય રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે વેપારીની હેરાનગતિ ઘટવાની છે. કારણ કે પહેલા એવું થતું હતું કે વેપારી દ્વારા અધિકારી દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ ભરપાઈ કરી દેવામાં આવ્યા બાદ પણ કેસ બંધ કરવામાં આવતો નહોતો. જયારે તે કેસને અપીલમાં લઇ જવામાં આવતો હતો. તેના લીધે કેસનો નિકાલ નહીં આવે ત્યા સુધી વેપારીએ કચેરીના ધડક્કા ખાવા પડતા હતા. જયારે હવેથી ૨૦ લાખ સુધીની નોટિસ આપી હોય અને તેવા કિસ્સામાં અધિકારી દ્વારા જે પણ નિર્ણય કરવામાં આવે તે માન્ય રાખવાનું નક્કી કરાયું છે.
લાંબા સમયથી ચાલતા કેસનો નિકાલ થતા હાશ થશે
જીએસટી કાઉન્સિલની બેઠકમાં વેપારીઓના હિતમાં અનેક નિર્ણય કરવામાં આવ્યા છે. તેના લીધે વેપારીઓએ નાની બાબતોમાં કચેરીના ધડકા ખાવા પડે છે તેમાંથી છૂટકારો થવાનો છે. જયારે ક્રેડિટ અને કંપોઝિશનમાં વેપારીઓને આપવામાં આવેલી રાહતને કારણે છેલ્લા કેટલાય સમયથી ચાલતા આવતા કેસનો નિકાલ થવાનો છે. તેના લીધે વેપારીઓની સાથે સાથે અધિકારીઓને પણ રાહત થવાની છે.
ટેક્સ કન્સલ્ટન્ટ
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
