<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

દિલ્‍હીમાં ફરી ભયાનક અગ્નિકાંડ : ઇન્‍વર્ટરમાં આગ લાગતા એક જ પરિવારના ચારના મોત

આગમાં માતા-પિતા અને ૨ જુવાનજોધ પુત્રોના મોત

નવી દિલ્‍હી તા. ૨૫ : દિલ્‍હીમાં ફરી એકવાર ભીષણ આગની ઘટના સામે આવી છે. બહારી દિલ્‍હીના પ્રેમનગરમાં એક મકાનમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે. ધુમાડામાં ગૂંગળામણના કારણે પતિ-પત્‍ની અને તેમના બે પુત્રોએ જીવ ગુમાવ્‍યા હતા. ઇન્‍વર્ટરથી લાગેલી આગ અન્‍ય વસ્‍તુઓમાં ફેલાઈ હતી અને ધુમાડાના કારણે સમગ્ર પરિવારનો શ્વાસ રૂંધાઈ ગયા હતા

આ ઘટના મંગળવારે વહેલી સવારે બની હતી. સાડા   ત્રણ વાગ્‍યે પ્રેમ નગરના એક મકાનમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આગ પહેલા માળે રાખવામાં આવેલા ઇન્‍વર્ટરમાં લાગી હતી અને પછી આગની જવાળાઓ સોફા સુધી પહોંચી હતી. આગ ફેલાઈ જતાં ઉપરના માળે ધુમાડો ભરાઈ ગયો હતો. ઉપરના માળે સૂતો આખો પરિવાર મૃત્‍યુ પામ્‍યો. મૃતકોની ઓળખ હીરા સિંહ (૪૮), તેની પત્‍ની નીતુ સિંહ, પુત્રો રોબિન સિંહ (૨૨) અને લક્ષ્ય (૨૧) તરીકે થઈ છે. દિલ્‍હી ફાયર સર્વિસ તરફથી મળેલી માહિતી અનુસાર આગ પ્રેમ નગરના ઝેડ બ્‍લોકમાંથી લાગી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્‍થળે મોકલવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ ઘરમાં ફસાયેલા લોકોને બચાવીને હોસ્‍પિટલ લઈ ગયા. પરંતુ ત્‍યાં ચારેય લોકોને મૃત જાહેર કરાયા હતા.

તાજેતરના દિવસોમાં દિલ્‍હીમાં આગની ઘણી ભયાનક ઘટનાઓ સામે આવી છે, જેમાં મોટી સંખ્‍યામાં લોકોના જીવ ગયા છે. આ વર્ષે ૨૬ મે સુધી દિલ્‍હીમાં આગના કારણે ૫૫ લોકોએ જીવ ગુમાવ્‍યા છે અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. દિલ્‍હી ફાયર સર્વિસના ડેટા અનુસાર જાન્‍યુઆરીમાં આગમાં ૧૬, ફેબ્રુઆરીમાં ૧૬, માર્ચમાં ૧૨, એપ્રિલમાં ચાર અને ૨૬ મે સુધી સાત લોકોના મોત થયા હતા. આગની ઘટનાઓને કારણે જાન્‍યુઆરીમાં ૫૧, ફેબ્રુઆરીમાં ૪૨, માર્ચમાં ૬૨, એપ્રિલમાં ૭૮ અને ૨૬ મે સુધી ૭૧ લોકો ઘાયલ થયા હતા. ૧ જાન્‍યુઆરીથી ૨૬ મે સુધીમાં દિલ્‍હી ફાયર સર્વિસને આગના ૮,૯૧૨ અહેવાલો મળ્‍યા હતા. ૨૦૨૩માં આ જ સમયગાળા દરમિયાન ૩૬ લોકોએ જીવ ગુમાવ્‍યા હતા.

(10:54 AM IST)