News of Tuesday, 25th June 2024
ગોધરાના ૨૭ છાત્રો સાથે થયો'તો ૧૦-૧૦ લાખનો સોદો નીટ પેપર લીક અંગે ધડાકો
અત્યાર સુધીમાં ૫ લોકોની થઇ છે ધરપકડ

નવી દિલ્હી તા. ૨૭ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની એક ટીમ સોમવારે NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓની તપાસ કરવા ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પહોંચી હતી. ૨૭ ઉમેદવારો પાસેથી ૧૦-૧૦ લાખ રૂપિયાની લઇને NEET-UG પરીક્ષા પાસ કરાવવામાં મદદ કરવાના પ્રયાસ માટે ગોધરા પોલીસે ૮ મેના રોજ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, જેમાં ગુનાહિત કાવતરૂં, છેતરપિંડી અને વિશ્વાસના ગુનાહિત ભંગનો સમાવેશ થાય છે,
પંચમહાલના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે સીબીઆઈની એક ટીમ ગોધરા પહોંચી હતી અને સ્થાનિક પોલીસ અધિકારીઓને મળી હતી. તેમણે કહ્યું કે અમે તેમને આ મામલાની તપાસ માટે શક્ય તમામ સહયોગ આપીશું.
વિદ્યાર્થીઓના દેશવ્યાપી વિરોધ અને પ્રશ્નપત્ર લીકના દાવાઓની તપાસ અંગેના મુકદ્દમા વચ્ચે, CBIએ રવિવારે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦-ગ્ (ગુનાહિત કાવતરૂં) અને ૪૨૦ (છેતરપિંડી) હેઠળ અજાણ્યા વ્યક્તિઓ સામે નવી FIR દાખલ કરી છે. ગુજરાતના ગૃહ વિભાગે રવિવારે રાજય પોલીસ દ્વારા NEET-UG પ્રશ્નપત્ર લીકના ડઝનેક કેસ સીબીઆઈને સ્થાનાંતરિત કરતી સૂચના જારી કરીને કેન્દ્રીય એજન્સીને તપાસ હાથ ધરવાનો માર્ગ મોકળો કર્યો.
ગોધરામાં ગઈકાલે રાત્રે ૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. NEET-UGમાં કથિત ગેરરીતિના મામલે પોલીસે અત્યાર સુધીમાં ગોધરામાં એક શાળાના આચાર્ય અને શિક્ષક સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક સોલંકીએ અગાઉ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોમાં તુષાર ભટ્ટ, શાળાના આચાર્ય પરષોત્તમ શર્મા, વડોદરા સ્થિત એજયુકેશન કન્સલ્ટન્ટ પરશુરામ રોય, તેના સાથી વિભોર આનંદ અને કથિત વચેટિયા આરીફ વોહરાનો સમાવેશ થાય છે.
જિલ્લા શિક્ષણાધિકારીની ફરિયાદના આધારે સબ-સેન્ટર અધિક્ષક પાસેથી સાત લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.
ભટ્ટને શહેરમાં NEET-UG માટે સબ-સેન્ટર અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૭ વિદ્યાર્થીઓમાંથી જેમણે કાં તો એડવાન્સ પેમેન્ટ કર્યું હતું અથવા રોય અને અન્યને પૈસા આપવા સંમત થયા હતા, માત્ર ત્રણ જ પરીક્ષા પાસ કરી શક્યા હતા.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
