News of Tuesday, 25th June 2024
પૂણે પોર્શ કાર અકસ્માત: મુંબઈ હાઇકોર્ટે સગીર આરોપીને આપ્યા જામીન

મહારાષ્ટ્રના પૂણે ખાતે પોર્શ કાર અકસ્માત કેસમાં મુંબઈ હાઈકોર્ટે સગીર આરોપીને બાળ સુધારણા ગૃહમાંથી છોડી મુકવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સગીર આરોપીને જામીન આપ્યા છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, સગીર આરોપીએ તેની કાકી સાથે રહેવું પડશે. પૂણેમાં આ સગીરે નશાની હાલતમાં પોર્શ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક યુવતી સહિત બે આઈટી પ્રોફેશનલ્સના મોત થયા હતા. દેશભરમાં આ અકસ્માતની ચર્ચાઓ થઈ હતી. આ પહેલા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્ય એલ.એન.દાનવડેએ સગીરને માર્ગ સલામતી પર ૩૦૦ શબ્દોનો નિબંધ લખવા સહિતની કેટલીક હળવી શરતો સાથે જામીન આપતા ભારે વિવાદ થયો હતો.
આ સગીર છોકરાને બચાવવા માટે શ્રીમંત અગ્રવાલ પરિવારે તમામ સંભવિત પ્રયાસ કર્યા હતા. કુળદીપકને બચાવવા આરોપીના પિતા અને દાદાએ ડ્રાઇવરને ખોટું નિવેદન નોંધાવવા દબાણ કર્યું હતું. ડ્રાઇવરનું અપહરણ કરી સગીરના પિતા અને દાદાએ તેને બંગલૉમાં ગોંધી રાખી રોકડ રકમ, ગિફ્ટની લાલચ આપી હતી. પરંતુ તેમની વાત ન માનતા આરોપીએ ડ્રાઇવરને ધમકી આપી હતી, એમ પૂણે પોલીસ કમિશનર અમિનેશ કુમારે ૨૫મી મેએ જણાવ્યું હતું. આ કેસમાં અકસ્માત સર્જનારા તરુણ, તેના પિતા વિશાલ અગ્રવાલ અને હવે તેના દાદા સુરેન્દ્ર અગ્રવાલ એમ ત્રણેયની ધરપકડ કરાઈ હતી. આમ એક જ કેસમાં ત્રણ ત્રણ પેઢી પોલીસના સકંજમાં આવી હતી.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
