<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

લેપટોપ પર કામ કરતાં કરતાં મોત... આખરે કેમ અંદરથી નબળા પડી રહ્યા છે યુવાનો

આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવતા યુવાનોની દિનચર્યા પર સવાલો ઉઠવા લાગ્‍યા છે

લખનૌ,તા. ૨૮: હાલના સમયમાં યુવાઓના હાર્ટ અટેકના લીધે મોત થયા હોવાના કિસ્‍સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. માત્ર ૧૪, ૨૨, ૩૦ અને ૩૫ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી વ્‍યક્‍તિના મૃત્‍યુના સમાચાર આપણને ઘણીવાર ચોંકાવી દેતા હોય છે. પરંતુ હાલના સમયમાં આ વાત હકિકત છે જેને આપણે નકારી શકતા નથી.

તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મહોબામાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે, એક ખાનગી બેન્‍કનો એગ્રી રિજનલ મેનેજર પોતાની સીટ પર બેસીને કામ કરતો હોય છે. ત્‍યારે અચાનક લેપટોપ પર કામ કરતી વખતે તે તેની સીટની પાછળની તરફ ઢળી જાય છે અને બેભાન થઇ જાય છે.

ત્‍યારબાદ તેના સહકર્મીઓ તેને હોસ્‍પિટલ લઇ જાય છે. જયાં ડોક્‍ટરે હાર્ટ એટેકના લીધે તેનું મોત થયું હોવાનું જણાવ્‍યું હતું. મૃત્‍યુ પામનાર બેન્‍ક કર્મચારીની ઓળખ રાજેશ કુમાર શિંદે તરીકે થઇ છે અને તે માત્ર ૩૦ વર્ષનો હતો. આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવતા યુવાનોની દિનચર્યા પર સવાલો ઉઠવા લાગ્‍યા છે

ઉલ્લેખનિય છે કે, હાલમાં જ લેન્‍સેટે આ અંગે રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં તેમણે ખુલાસો કર્યો છે કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશની ૬૦ ટકાથી વધુ વસ્‍તી નિષ્‍ક્રિય થઈ જશે. આનું સૌથી મોટું કારણ યોગ્‍ય શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ હશે. આ કારણસર, વસ્‍તીના આ ભાગમાં રોગનું જોખમ પણ વધશે. આ રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૦૦થી ૨૦૨૨ વચ્‍ચે ૧૯૭ દેશોના લોકો પર કરવામાં આવેલા અભ્‍યાસમાં જાણવા મળ્‍યું કે, વર્ષ ૨૦૨૨માં ૫૨.૬ ટકા મહિલાઓ અને ૩૮.૪ ટકા પુરુષો શારીરિક રીતે સક્રિય ન હતા

આ રિપોર્ટની સૌથી ચિંતાજનક બાબત એ છે કે ભારતીય યુવાઓમાં શારીરિક રીતે નિષ્‍ક્રિય રહેવાનું પ્રમાણ વર્ષ ૨૦૦૦ના ૨૨.૩ ટકાથી વધીને ૨૦૨૨માં ૪૯.૪ ટકા થયું છે અને અપૂરતી શારીરિક પ્રવૃત્તિના સંદર્ભમાં ૧૯૫ દેશોમાં ભારત ૧૨મી ક્રમે છે.

(9:41 AM IST)