<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

કેરળમાં દુર્યોધનનું મંદિર સરકારને ચૂકવે છે ટેક્‍સ

કેરળના કોલ્લમમાં કૌરવ વંશના બહાદુર યોધ્‍ધા દુર્યોધનનું મંદિર છે : આ મંદિર દેશમાં દુર્યોધનનું એકમાત્ર મંદિર : થંડાપર (જમીન ખત) નંબરો અને સર્વેની વિગતો દર્શાવે છે કે જમીન દુર્યોધનની માલિકીની છે : કેરળમાં જ્‍યારથી ટેક્‍સ લાગુ થયો છે ત્‍યારથી આ જમીન પર દુર્યોધનના નામે ચૂકવવામાં આવી રહ્યો છે

કોલ્લમ તા. ૨૮ : કેરળના કોલ્લમ જિલ્લાના એક ગામમાં દુર્યોધનનું અનોખું મંદિર છે. મહાભારતના ખલનાયકને સમર્પિત આ મંદિર તેના પ્રકારનું એકમાત્ર મંદિર છે. આશ્ચર્યની વાત એ છે કે સરકારી રેકોર્ડ મુજબ આ મંદિરની જમીનનો ટેક્‍સ પણ દુર્યોધનના નામે ચૂકવવામાં આવે છે. સ્‍થાનિક માન્‍યતા અનુસાર દુર્યોધન તેની યાત્રા દરમિયાન આ ગામમાં રોકાયો હતો. તેને તરસ લાગી હતી, પણ પાણી મળતું ન હતું. ત્‍યારબાદ એક દલિત મહિલાએ તેને પીવા માટે તાડી આપી. દુર્યોધને ખુશીથી તાડી પીધી અને સ્ત્રી અને તેના ગામને આશીર્વાદ આપ્‍યા. તેમણે ગ્રામજનોને જમીન પણ દાનમાં આપી હતી. દુર્યોધન પ્રત્‍યે તેમની કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરવા માટે, ગ્રામજનોએ તેનું મંદિર બનાવ્‍યું.

આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં દુર્યોધનની કોઈ મૂર્તિ નથી, બલ્‍કે તેની શસ્ત્ર ગદાની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં દરરોજ દુર્યોધનને તાડી ચઢાવવામાં આવે છે. દુર્યોધનને મહાભારતમાં ખલનાયક તરીકે દર્શાવવામાં આવ્‍યો છે, પરંતુ આ ગામમાં તેને દયાળુ અને રક્ષણાત્‍મક દેવતા તરીકે પૂજવામાં આવે છે. ગામલોકો તેમને પ્રેમથી ‘અપુપા' (દાદા) કહે છે.

મંદિરના પૂજારીનું કહેવું છે કે જયારે મંદિર માટે પટ્ટયમ જારી કરવામાં આવ્‍યું ત્‍યારે જમીન દેવતાના નામે નોંધાયેલી હતી. થંડાપર (જમીન ખત) નંબરો અને સર્વેની વિગતો દર્શાવે છે કે જમીન દુર્યોધનની માલિકીની છે. કેરળમાં જયારથી ટેક્‍સ લાગુ થયો છે ત્‍યારથી આ જમીન કર દુર્યોધનના નામે ચૂકવવામાં આવી રહ્યો છે. મંદિર સમિતિના સચિવ રજનીશ આર. કહ્યું કે મંદિરની ૧૫ એકર જમીનમાંથી આઠ એકરમાં ડાંગરની ખેતી થાય છે અને બાકીની જમીન જંગલ છે. દુર્યોધનને તાડી ચઢાવવા પાછળ ગામલોકોનો પોતાનો તર્ક છે. તેઓ કહે છે કે તાડી પીવાથી દેવતા પ્રસન્ન રહે છે. આ મંદિર એ એક પ્રકારનું ઉદાહરણ છે કે કેવી રીતે વિવિધ સંસ્‍કૃતિઓ એક જ દેવતાનું અલગ-અલગ અર્થઘટન કરી શકે છે.

(10:27 AM IST)