News of Friday, 28th June 2024
દિલ્હીમાં દે ધનાધન ૧૦ ઇંચ ૮૮ વર્ષનો રેકોર્ડ તુટયો
છેલ્લા બે દિવસથી દેશની રાજધાની દિલ્હી પાણીની ગંભીર કટોકટી અને આકરી ગરમીનો સામનો કરી રહી હતીઃ પરંતુ આજે બધું પાણીમાં ડૂબી ગયું : છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૨૨૮.૧ મીમીથી વધુ વરસાદ નોંધાયો : અગાઉ ૨૮ જૂન, ૧૯૩૬ના રોજ ૨૩૫.૫ મીમી વરસાદ પડ્યો હતો : હવામાન વિભાગે આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે

નવી દિલ્હી, તા.૨૮: દિલ્હી, જે અત્યાર સુધી ઊંચા તાપમાન, તીવ્ર ગરમીના મોજા અને દુષ્કાળથી પીડિત હતું, તેણે હવે વરસાદનો ૮૮ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માત્ર ૨૪ કલાકનો વરસાદ ૧૨૪ વર્ષનો (૧૯૦૧ થી ૨૦૨૪ સુધીનો) ઓલ ટાઈમ રેકોર્ડ તોડવામાં માત્ર ઓછો પડ્યો. ૨૪ કલાકમાં ૧૦ ઇંચ પડયો છે શહેર પાણી-પાણી થઇ ગયું છે.
આશ્ચર્યની વાત એ છે કે આ વરસાદે માત્ર જૂનથી જ નહીં પરંતુ માર્ચથી અત્યાર સુધીના વરસાદનો આખો ક્વોટા પણ પૂરો કર્યો છે. હાલમાં દિલ્હીમાં શનિવાર અને રવિવારે પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે એટલે કે શુક્રવારે પડેલા ભારે વરસાદથી લોકોને આકરી ગરમીથી રાહત મળી છે. આ સાથે જ કાળઝાળ ગરમીમાંથી છુટકારો મેળવવા માટે લોકોની ચોમાસાની રાહનો પણ અંત આવ્યો હતો. પરંતુ દિલ્હીમાં ભારે વરસાદથી લોકોને રાહતની સાથે તકલીફ પણ મળી છે. રાજધાની દિલ્હી સિઝનના પહેલા વરસાદને પણ સહન કરી શકી નથી. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થઈ છે ત્યારે રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળે છે જેના કારણે રોડ જામની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરંતુ આ માત્ર શરૂઆત છે. અત્યારે દિલ્હીના લોકોએ આખી વરસાદી મોસમ જોવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આજે વરસાદે છેલ્લા ૮૮ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તે જ સમયે, દિલ્હીની સાથે નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં પણ વરસાદને કારણે ખરાબ હાલત છે.
૨૮ જૂન, ૨૦૨૪ ના રોજ, સવારે ૪:૩૦ થી ૮:૩૦ સુધી દિલ્હીમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ નોંધવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, કેટલાક સ્થળોએ ૬૪ થી ૧૨૪ મીમી (૨.૫ થી ૪.૯ ઇંચ)નો ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો અને કેટલાક સ્થળોએ ૨૦૪ મીમી (૮.૦૩ ઇંચ) થી વધુનો અતિ ભારે વરસાદ થયો હતો. આ સાથે ૧૫ થી ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે મધ્યમથી તીવ્ર ગાજવીજ અને વીજળીના કડાકા અને જોરદાર પવન ફૂંકાયો હતો.
૨૭ જૂને રાત્રે ૮:૩૦ વાગ્યાથી ૨૮ જૂનના રોજ સવારે ૮:૩૦ વાગ્યા સુધી દિલ્હીમાં વિવિધ સ્થળોએ ભારતીય હવામાન વિભાગ (IMD) ના મુખ્ય સ્ટેશનો પર નોંધાયેલ વરસાદ નીચે મુજબ છેઃ
- સફદરજંગઃ ૨૨૮.૧ મીમી (૮.૯૮ ઇંચ)
- લોધી રોડઃ મૌસમ ભવનઃ ૧૯૨.૮ મીમી (૭.૬ ઇંચ)
- રીજઃ ૧૫૦.૪ મીમી (૫.૯ ઇંચ)
- પામઃ ૧૦૬.૬mm (૪.૨ in)
- આયંગરઃ ૬૬.૩mm (૨.૬ in)
આગાહીમાં, આ તારીખ માટે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા રાખવામાં આવી હતી. આ વરસાદની ઘટના દરમિયાન સમયાંતરે લાઇવકાસ્ટ ચેતવણીઓ પણ વપરાશકર્તાઓ અને મીડિયા સાથે શેર કરવામાં આવી હતી.
ચોમાસાની શરૂઆત પહેલા પ્રિ-મોન્સુન વરસાદે પાટનગરને ભીંજવી દીધું છે. દિલ્હીના લોકોને ભેજવાળી ગરમીથી ઘણી રાહત મળી છે અને તાપમાનમાં પણ ઘટાડો થયો છે. જો કે આ રેકોર્ડ વરસાદને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
વાસ્તવમાં, ગુરુવારે સવારે પણ, દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો, જેનાથી ભેજથી રાહત મળી હતી. પરંતુ રાત્રે અઢી વાગ્યાની આસપાસ શરૂ થયેલો ભારે વરસાદ આજે સવારે સાડા આઠ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સફદરજંગમાં સવારે ૮.૩૦ વાગ્યા સુધી ૨૨૮.૧ મીમી વરસાદ નોંધાયો છે.
આ મહિનાના ૨૪ કલાકમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ
૨૮ જૂન, ૧૯૩૬ પછીના ૮૮ વર્ષમાં આ મહિનાનો આ સૌથી વધુ ૨૪ કલાકનો વરસાદ છે. દિલ્હીના અન્ય વિસ્તારોમાં લોધી રોડ ખાતે ૧૯૨.૮ મીમી, રીજ ખાતે ૧૫૦.૪, પાલમમાં ૧૦૬.૬ અને આયાનગરમાં ૬૬.૩ મીમી વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદને કારણે લઘુત્તમ તાપમાનમાં પણ આગલા દિવસની સરખામણીએ ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. આજે લઘુત્તમ તાપમાન ૨૪.૭ ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગઈકાલે ૨૮.૬ ડિગ્રી હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિવસ વાદળછાયું રહેશે અને ૨૫ થી ૩૫ કિમી -તિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની શકયતા છે. આજે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી રહી શકે છે.
આ વર્ષે માર્ચથી જૂન દરમિયાન દિલ્હીમાં કયા મહિનામાં કેટલો વરસાદ (એમએમમાં) થયોઃ
મહિનો સામાન્ય વરસાદ કેટલો ઓછો વરસાદ
માર્ચ ૧૭.૪ ૪.૩ -૭૫ ટકા
એપ્રિલ ૧૬.૩ ૭.૫ -૫૪ ટકા
મે ૩૦.૭ ૦.૪ -૯૯ ટકા
જૂન ૭૪.૧ ૨૨૮.૧ + ૩૦૦ ટકા (બંધ)
માર્ચથી જૂન ૨૦૨૩માં દિલ્હીમાં કયા મહિનામાં કેટલો વરસાદ (મિમીમાં) થયોઃ-
મહિનો સામાન્ય વરસાદ કેટલો ઓછો વરસાદ
માર્ચ ૧૭.૪ ૫૩.૨ ૨૦૬ ટકા
એપ્રિલ ૧૬.૩ ૨૦.૧ ૨૩ ટકા
મે ૩૦.૭ ૧૧૧.૦ ૨૬૨ ટકા
જૂન ૭૪.૧ ૧૦૧.૭ ૩૭ ટકા.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
