News of Monday, 1st July 2024
બાર્બાડોઝમાં વાવાઝોડુ ફુંકાતા ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં : એરપોર્ટ બંધ : ફલાઇટો કેન્સલ : હોટલમાં ભોજનની મુશ્કેલી
વાપસીમાં વિલંબ : બાર્બાડોઝમાં કર્ફયુ જેવી સ્થિતિ : લોકોને ઘરમાં જ રહેવા તાકીદ : ૧૩૦ કિમીની ઝડપે પવન ફુંકાય છે : વાવાઝોડુ શાંત થયે ટીમના સભ્યો ભારત આવવા રવાના થશે : ટીમ હવે ચાર્ટર્ડ પ્લેન થકી આવશે

બાર્બાડોઝ તા. ૧ : ભારતીય ટીમે બાર્બાડોસમાં ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪નો ખિતાબ જીત્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૨૯ જૂન શનિવારના રોજ ટાઈટલ મેચ રમાઈ હતી. આ પછી, સોમવાર, ૦૧ જુલાઈએ ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ન્યૂયોર્ક માટે રવાના થવાની હતી અને ત્યાંથી દુબઈ થઈને ભારત આવવાની હતી, પરંતુ વાવાઝોડાએ ટીમનો સમયપત્રક બદલી નાખ્યો. હવે સામે આવી રહેલી માહિતી મુજબ તોફાને ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. હોટલોમાં ખાવાની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે.
સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિયા મજમુદારે સોશિયલ મીડિયા દ્વારા માહિતી શેર કરતી વખતે જણાવ્યું હતું કે ચક્રવાત શમી જાય પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટીમ ઈન્ડિયા અને ભારતીય મીડિયાને બહાર કાઢવા માટે બધું જ કરશે. એરપોર્ટ બંધ છે. ભારતીય ટીમ જયાં રોકાઈ છે તે હોટલ મર્યાદિત સ્ટાફ સાથે ચલાવવામાં આવી રહી છે. ભારતીય ખેલાડીઓએ પણ કતારમાં કાગળની પ્લેટમાં ભોજન લીધું હતું.
ભારતીય ક્રિકેટ ટીમ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઈનલ જીત્યા બાદ હજુ સુધી બાર્બાડોસ છોડી શકી નથી. ચક્રવાતી તોફાનના કારણે ટીમ ઈન્ડિયા ફસાઈ ગઈ છે. તેને બાર્બાડોસથી ન્યૂયોર્ક જવા રવાના થવાનું હતું. પરંતુ હરિકેન બેરીલને કારણે તે હજુ સુધી નીકળી શકી નથી. ખરાબ હવામાનના કારણે ટીમ ઈન્ડિયા હાલ સંકટમાં છે. એક રિપોર્ટ અનુસાર બાર્બાડોસનું એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
ઈન્ડિયા ટુડેના એક સમાચાર અનુસાર, ચક્રવાતી તોફાનના કારણે બાર્બાડોસમાં કફર્યુ જેવી સ્થિતિ છે. અહીંનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. કોઈને પણ ઘરની બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી નથી. હરિકેન બેરીલને કારણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો ટીમ ઈન્ડિયા હવે ન્યૂયોર્ક જવાને બદલે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી દિલ્હી જવા રવાના થશે. પરંતુ આ માટે હવે રાહ જોવી પડશે. હજુ સુધી ત્યાં કોઈ સામાન્ય સ્થિતિ નથી.
હાલમાં ટીમ ઈન્ડિયાને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતીય ટીમ ૩ જુલાઈ સુધીમાં પોતાના દેશ પરત ફરી શકે છે. પરંતુ તે ક્યારે છોડશે તે બાર્બાડોસના હવામાન પર નિર્ભર રહેશે. ભારતીય ટીમને ફાઈનલ બાદ ન્યૂયોર્ક જવા રવાના થવાની હતી અને અહીંથી દિલ્હીની ફલાઈટ મળશે. પરંતુ હવે આવું નહીં થાય. હવે ભારતીય ટીમ સીધી દિલ્હી આવી શકે છે.
હરિકેન બેરીલ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તેના આગમનને કારણે રવિવારે લગભગ ૧૩૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તે હવે કેટેગરી ૪ માં આવી ગયું છે. તેની ભવિષ્યની સ્થિતિ શું હશે તેની કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ આશા છે કે ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે અને એરપોર્ટ ખુલતાની સાથે જ ટીમ ઈન્ડિયા રવાના થઈ જશે.
૩૦ જૂન (રવિવાર)ને વર્લ્ડ કપ ફાઇનલ માટે રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો હતો. આ પછી બીજા દિવસે એટલે કે સોમવારે ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસથી રવાના થવાનું હતું, પરંતુ વાવાઝોડાને કારણે તે તેમ કરી શક્યું નહીં. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ તોફાન ક્યારે શમી જાય છે અને ભારતીય ટીમ ક્યારે બાર્બાડોસ છોડીને ભારત પહોંચે છે.
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ ૧૭ વર્ષની લાંબી રાહ બાદ ટી૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયા ૨૦૦૭માં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિમાં ચેમ્પિયન બની હતી. ૨૦૦૭માં ભારતે ધોનીની કપ્તાનીમાં આ ખિતાબ જીત્યો હતો. આ વખતે એટલે કે ૨૦૨૪માં ભારતીય ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં વ્૨૦ વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. રોહિત બ્રિગેડે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને ૭ રનથી હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.(૨૧.૧૫)
ટીમ ઇન્ડિયાએ પેપર પ્લેટમાં ડિનર લીધુ : ૭૦ સભ્યો હોટલના રૂમમાં કેદ
બાર્બાડોસમાં વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર હરિકેન બેરીલ ૬ કલાકમાં બાર્બાડોસની ધરતી પર ત્રાટકશે. આવી સ્થિતિમાં, સાવચેતી રાખીને, તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
આથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, બીસીસીઆઈના અધિકારીઓ અને તેમના પરિવારો સહિત કુલ ૭૦ સભ્યોને હોટલના રૂમમાં બંધ છે. હોટેલ પણ ખૂબ જ ઓછા સ્ટાફ અને મર્યાદિત સંસાધનો સાથે ચલાવવામાં આવી રહી છે.
રિપોર્ટ્સ અનુસાર, આ કારણથી ટીમ ઈન્ડિયાએ રાત્રે લાઈનમાં ઉભા રહીને પેપર પ્લેટમાં ડિનર લેવું પડ્યું હતું.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
