News of Wednesday, 10th July 2024
મુસ્લિમ મહિલાઓ પણ પતિ પાસેથી ભરણપોષણ માટે હકદાર
સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો : સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ દાવો કરવાનો અધિકાર પ્રાપ્ત છે : એક મુસ્લિમ વ્યકિતએ તેની પત્નીને ભરણપોષણ આપવાના તેલંગણા હાઇકોર્ટના આદેશને સુપ્રિમમાં પડકાર્યો હતો જે સંદર્ભે સુપ્રિમનો ચુકાદો

નવી દિલ્હી તા. ૧૦ : એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈપણ મુસ્લિમ છૂટાછેડા લીધેલ મહિલા CrPCની કલમ ૧૨૫ હેઠળ તેના પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. આ કારણોસર તે ભરણપોષણ માટે અરજી કરી શકે છે.
જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઓગસ્ટિન જયોર્જ મસીહે ચુકાદો સંભળાવતા કહ્યું કે મુસ્લિમ મહિલાઓ ભરણપોષણ માટે તેમના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરી શકે છે. તે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૨૫ હેઠળ આને લગતી અરજી દાખલ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કલમ તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે, પછી ભલે તે કોઈપણ ધર્મની હોય. મુસ્લિમ મહિલાઓ પણ આ જોગવાઈની મદદ લઈ શકે છે. કોર્ટે ફરી એકવાર કહ્યું છે કે એક મુસ્લિમ મહિલા તેના પતિ વિરૂદ્ધ CrPC કલમ ૧૨૫ હેઠળ અરજી દાખલ કરી શકે છે, જો કે, જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઓગસ્ટિન જયોર્જ મસિહે અલગ-અલગ ચુકાદો આપ્યો હતો પરંતુ બંને એક સમાન હતા. અદાલતનું કહેવું છે કે મુસ્લિમ મહિલા (છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ ૧૯૮૬ વાસ્તવમાં ધર્મનિરપેક્ષ કાયદાને બાયપાસ કરી શકે નહીં.
ઘણા કિસ્સાઓમાં, છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ ભથ્થું મળી શકતું નથી અથવા જો તે મળે તો પણ તે ઇદ્દતના સમયગાળા સુધી જ છે. ઇદ્દત એક ઇસ્લામિક પરંપરા છે. આ મુજબ, જો કોઈ મહિલાને તેના પતિ દ્વારા તલાક આપવામાં આવે છે અથવા તેનું મૃત્યુ થાય છે, તો તે મહિલા ‘ઇદ્દત'ના સમયગાળા દરમિયાન ફરીથી લગ્ન કરી શકશે નહીં. ઇદ્દતનો સમયગાળો લગભગ ૩ મહિનાનો હોય છે. આ સમયગાળો પૂરો થયા બાદ છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા ફરીથી લગ્ન કરી શકે છે.
જો કે, એપ્રિલ ૨૦૨૨ માં, અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસ પર તેના નિર્ણયમાં કહ્યું હતું કે છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલા ઇદ્દતના સમયગાળા પછી પણ ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે અને જયાં સુધી તે ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી તેને આ ભથ્થું મળતું રહેશે.
સર્વોચ્ચ અદાલતે મુસ્લિમ મહિલા (છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, ૧૯૮૬ હોવા છતાં છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૨૫ લાગુ થવાની પુનઃ પુષ્ટિ કરી છે. આ કાયદો ઐતિહાસિક શાહ બાનો કેસનું પરિણામ છે, જયાં કોર્ટે કલમ ૧૨૫ સીઆરપીસીને બિનસાંપ્રદાયિક જોગવાઈ તરીકે માન્યતા આપી હતી, જે મુસ્લિમ મહિલાઓને પણ લાગુ પડે છે.
અત્યાર સુધી, પર્સનલ લોના આધારે બનેલા કાયદા હેઠળ, છૂટાછેડા પછી, મુસ્લિમ મહિલાઓને તેમના પૂર્વ પતિ પાસેથી માત્ર ૯૦ થી ૧૦૦ દિવસની ઇદ્દત એટલે કે એકાંત કેદ સુધી ભરણપોષણ મેળવવાની હકદાર છે. આ પછી તેમને ભરણપોષણ ભથ્થું મળતું નથી. જો કે, સુપ્રીમ કોર્ટે શાહ બાનોના કેસમાં ચુકાદો આપ્યો હતો કે મુસ્લિમ મહિલાઓ પણ અન્ય મહિલાઓની જેમ ભરણપોષણ માંગવાની હકદાર છે.
તેવી જ રીતે, આ વર્ષે જાન્યુઆરીમાં એક કેસમાં, બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા ફરીથી લગ્ન કરે તો પણ તે તેના ભૂતપૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.
અબ્દુલ સમદ નામના મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ભરણપોષણ આપવાના તેલંગાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા CrPCની કલમ ૧૨૫ હેઠળ અરજી દાખલ કરવા માટે હકદાર નથી. મહિલાએ મુસ્લિમ મહિલા અધિનિયમ, ૧૯૮૬ની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.
CrPCની કલમ ૧૨૫ પત્ની, બાળકો અને માતા-પિતાના ભરણપોષણ અંગે વિગતવાર માહિતી આપે છે. આ કલમ મુજબ, પતિ, પિતા અથવા બાળકો પર નિર્ભર પત્ની, માતા-પિતા અથવા બાળકો ત્યારે જ ભરણપોષણનો દાવો કરી શકે છે જયારે તેમની પાસે આજીવિકાનું બીજું કોઈ સાધન ઉપલબ્ધ ન હોય.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
