News of Thursday, 11th July 2024
બંદૂકની અણીએ અન્ન પાણી માગી રહ્યા છે આતંકવાદીઓ
હુમલા પહેલા ગામવાસીઓના ઘરોમાં ડરાવીને લે છે આશરો

જમ્મુ તા. ૧૧: હીરાનગર, મચ્છેડી, રિયાસી અને રાજાૈરી તથા પુંચના વિસ્તારોમાં આતંકવાદી હુમલાઓની તપાસમાં એક તથ્ય સામે આવ્યું છે કે જમ્મુ ડીવીઝનના લોકોની દરિયાદીલીનો આતંકીઓ ખોટો ફાયદો ઉઠાવીને શરણ મેળવવાની સાથે સાથે અન્ન અને પાણી પણ મેળવી રહ્યા છે. કયાંક કયાંક આ બધું બંદૂકના જોરે પણ થાય છે.
ગયા મહિને હીરાનગરના સૈડા સોહલ ગામમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓએ પણ સૌ પહેલા ગામના કેટલાક ઘરોમાં જબરદસ્તીથી આશરો લઇને ભોજન અને પાણીની માંગણી કરી હતી. જો કે ગામવાસીઓ દ્વારા સમયસર પોલીસને જાણ કરાતા તેઓ સુરક્ષાબળોના હાથે માર્યા ગયા હતા પણ બિલાવરના મચ્છેડીમાં હુમલો કરનાર આતંકવાદીઓ આવું કરવામાં સફળ થયા હતા.
ઓફીશ્યલ સુત્રો અનુસાર, લગભગ દોઢ ડઝન યુવા આતંકીઓ માટે મચ્છેડી વિસ્તારના સડોતા ગામની એક બુઝર્ગ મહિલાએ ભોજન બનાવ્યું હતું. આ માહિતી લગભગ ર૪ શકમંદોની પૂછપરછમાં બહાર આવી છે. એ પણ સામે આવ્યું છે કે આ દોઢ ડઝન આતંકવાદીઓ પછીથી ૩-૪ના જૂથમાં વહેંચાઇને અલગ અલગ વિસ્તારોમાં જતા રહ્યા હતા.
વધુ એક માહિતી અનુસાર, આતંકવાદીઓએ અન્ય કેટલાક ઘરોમાંથી પણ ભોજન અને પાણી એકત્ર કરવાના પ્રયાસો કર્યા હતા પણ સફળ નહોતા થયા કેમકે આસપાસના ગામોમાં સંદિગ્ધો દેખાયા હોવાની અફવાની સાથે જ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
