<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

કેજરીવાલને ઝટકો : સીબીઆઈ કેસમાં ન્‍યાયિક કસ્‍ટડી ૨૫ જુલાઈ સુધી લંબાવી રાઉઝ એવન્‍યુ કોર્ટનો નિર્ણય

નવી દિલ્‍હી તા. ૧૨ : દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્‍યો છે. રાઉઝ એવન્‍યુ કોર્ટે સીબીઆઈ કેસમાં તેની ન્‍યાયિક કસ્‍ટડી ૨૫ જુલાઈ સુધી લંબાવી છે. અરવિંદ કેજરીવાલ દિલ્‍હી દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્‍ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. આજે તેમની જયુડિશિયલ કસ્‍ટડીની મુદત પૂરી થતાં સીબીઆઈએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, ત્‍યારબાદ તેમની જયુડિશિયલ કસ્‍ટડી ૧૪ દિવસ માટે લંબાવવામાં આવી છે. એટલે કે તે ૨૫ જુલાઈ સુધી ન્‍યાયિક કસ્‍ટડીમાં રહેશે.

સીબીઆઈએ ૨૮ જૂને અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેમને થોડા દિવસ સીબીઆઈ કસ્‍ટડીમાં રહ્યા બાદ ન્‍યાયિક કસ્‍ટડીમાં મોકલી દેવામાં આવ્‍યા હતા. સીબીઆઈ તેમની સામે દારૂ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસની તપાસ કરી રહી છે. રાઉઝ એવન્‍યુ કોર્ટનો નિર્ણય એવા સમયે આવ્‍યો છે જયારે આજે સુપ્રીમ કોર્ટે ED કેસમાં અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્‍યા છે. વાસ્‍તવમાં અર્શિદ કેજરીવાલે EDની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસને મોટી બેંચમાં ટ્રાન્‍સફર કર્યો હતો અને સુનાવણી સુધી તેમને વચગાળાના જામીન આપ્‍યા હતા. જો કે જામીન મળ્‍યા બાદ પણ કેજરીવાલ જેલમાં જ રહેશે. કારણ કે સીબીઆઈએ તેની ધરપકડ પણ કરી છે.

(3:58 PM IST)