News of Saturday, 13th July 2024
કમલનાથના ગઢ છિંદવાડામાં કોંગ્રેસને મોટો ઝટકો : અમરવાડા વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત
મતગણતરીની શરૂઆતમાં કોંગ્રેસ અહીં આગળ પરંતુ 18મા રાઉન્ડ બાદ ભાજપે અચાનક જ લીડ મેળવી:અમરવાડા પેટાચૂંટણીમાં ભાજપે 3027 મતોથી જીત મેળવી

છિંદવાડા : અમરવાડા વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાની આ બેઠક પર ભગવા પાર્ટીએ 3027 મતોના માર્જિનથી જીત મેળવી છે. જો કે ચૂંટણીની મતગણતરી દરમિયાન કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.
મતગણતરીની શરૂઆતમાં કોંગ્રેસ અહીં આગળ ચાલી રહી હતી, પરંતુ 18માં રાઉન્ડ બાદ ભાજપે અચાનક જ લીડ મેળવી લીધી હતી. અમરવાડા પેટાચૂંટણીમાં ભાજપે 3027 મતોથી જીત મેળવી છે, પરંતુ વિજયની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
જનતાએ ભાજપના કમલેશ પ્રતાપ શાહને અમરવાડાના નવા ધારાસભ્ય તરીકે ચૂંટ્યા છે. કોંગ્રેસના ધીરેન શાહ સુખરામ દાસ ઇનવતીને 80078 વોટ મળ્યા જ્યારે કમલેશ પ્રતાપને 83105 વોટ મળ્યા. જ્યારે ગોંડવાના ગણતંત્ર પાર્ટીના દેવીરામને 28723 મત મળ્યા, જેનાથી સ્પર્ધા ત્રિકોણીય બની ગઈ
વિધાનસભા પેટાચૂંટણીમાં 79.74 ટકા મતદાન થયું હતું, જે ગત લોકસભાની ચૂંટણી કરતાં 4 ટકા અને ગત વિધાનસભાની ચૂંટણી કરતાં 9 ટકા ઓછું હતું, પરંતુ વરસાદ અને ખેતરોમાં વાવણીની મોસમ હોવા છતાં આટલું મતદાન થયું હતું. . છિંદવાડાને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો ગઢ માનવામાં આવે છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
