News of Monday, 15th July 2024
શાકભાજીના ભડકે બળતા ભાવે વધારી મોંઘવારીઃ પહેલા રિટેલ ફુગાવા બાદ હવે જથ્થાબંધમાં વૃધ્ધિ
WPI જુન મહિનામાં ૩.૩૬ ટકા : મે મહિનામાં હતી ૨.૬૧ ટકા

નવી દિલ્હી તા. ૧૫ : ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મુખ્યત્વે વધારો થયો છે, જેની અસર જથ્થાબંધ ફુગાવાના દર પર પડી છે. ખાદ્ય ફુગાવાનો દર જૂનમાં વધીને ૮.૬૮ ટકા થયો છે જે મે મહિનામાં ૭.૪૦ ટકા હતો. પ્રાથમિક વસ્તુઓનો ફુગાવાનો દર જૂનમાં ૮.૮૦ ટકાના દરે વધ્યો છે જયારે અગાઉના મહિનામાં તે ૭.૨૦ ટકા હતો.
જો કે, ઇંધણ અને પાવર સેગમેન્ટના જથ્થાબંધ ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો છે અને તે જૂનમાં ૧.૦૩ ટકા હતો. મે ૨૦૨૪માં આ આંકડો ૧.૩૫ ટકા ફુગાવો હતો.મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો ફુગાવો પણ વધ્યો છે અને જૂનમાં તે ૧.૪૩ ટકા હતો. મે ૨૦૨૪માં આ આંકડો ૦.૭૮ ટકા હતો.
જૂન મહિનામાં ઈંડા, માંસ અને માછલી જેવી ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો થયો છે અને તે શૂન્યથી નીચે આવી ગયો છે. જૂનમાં ઈંડા, માંસ અને માછલીનો મોંઘવારી દર -૨.૧૯ ટકા હતો. મે મહિનામાં તે ૧.૫૮ ટકા હતો.
શાકભાજીના જથ્થાબંધ ફુગાવાના દરમાં છેલ્લા મહિનામાં જંગી વધારો થયો છે, જેનો મોટો હિસ્સો ખાદ્ય ફુગાવાના દરમાં સામેલ છે. જૂનમાં શાકભાજીનો જથ્થાબંધ મોંઘવારી દર ૧૪.૩ ટકાથી વધીને ૧૯.૭ ટકા થયો છે. બટાટાનો જથ્થાબંધ મોંઘવારી દર જૂનમાં વધીને ૬૬.૩૭ ટકા થયો છે, જે મે મહિનામાં ૬૪.૦૫ ટકા હતો. કઠોળનો મોંઘવારી દર જૂનમાં ઘટીને ૨૧.૬૪ ટકા પર આવી ગયો છે, જે અગાઉના મહિનામાં ૨૧.૯૫ ટકા હતો.
ગયા મહિને ડુંગળી ખૂબ જ મોંઘી થઈ હતી જેના કારણે જૂનમાં ડુંગળીનો જથ્થાબંધ મોંઘવારી દર વધીને ૯૩.૩૫ ટકા થઈ ગયો છે. મે મહિનામાં પણ તે ૫૦ ટકાથી ઉપર હતો અને ૫૮.૦૫ ટકા રહ્યો હતો.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
