<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

ભારતીયો છે ‘કામઢા' : વિશ્વમાં સૌથી વધુ કલાક કરે છે કામ

ચીન અને અમેરિકાને પણ પાછળ રાખી દીધા : સરેરાશ ભારતીય ૪૬.૭ કલાક ઓફિસમાં ગાળે છે : અમેરિકામાં પ્રતિ સપ્‍તાહ ૩૮ કલાક કામ કરે છે લોકો : માથાદીઠ આવકમાં વિશ્વમાં ટોચ પર

નવી દિલ્‍હી તા. ૧૭ : દુનિયાની ટોચની અર્થવ્‍યવસ્‍થાની વાત આવે ત્‍યારે ભારતનું નામ આજે લેવું જ પડે કારણ કે આંકડાકીય રીતે પણ ટોપ-૫ માં ભારત આવે છે. ભારતનો GDP હાલ ૩૯૪૨ બિલિયન ડોલર જેટલો છે. એક સમયે ત્રીજી દુનિયા અને પછાત કહેવાતા ભારતની આ પ્રગતિ પાછળ કોઈ એકનો નહીં પણ દેશના લાખો-કરોડો નોકરિયાતોનો ફાળો છે. પછી તે નોકરિયાત વ્‍હાઇટ કોલર જોબ કરતો હોય કે બ્‍લુ કોલર નોકરી, પણ ભારતીયોને દુનિયામાં સૌથી વધુ કામ કરનારા ગણવામાં આવે છે. ઇન્‍ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશના ડેટા મુજબ દર અઠવાડિયે કામકાજના કલાકો મામલે ભારતીયો દુનિયામાં સૌથી વધુ ૪૬.૭ કલાક ઓફિસ અથવા તો કામકાજના સ્‍થળે ગાળે છે.

આ લિસ્‍ટમાં બીજા નંબરે ચીન આવે છે જોકે ઈકોનોમી અને જીડીપીની વાતમાં ચીન આપણાં કરતાં ક્‍યાંય વધારે છે. તેવામાં એટલું તો સ્‍પષ્ટ છે કે ભારતીય નોકરિયાતોને કામકાજના કલાક વધારે છે પરંતુ પગાર ધોરણ તે મુજબ નથી. જયાં ભારતનો પર માથાદીઠ જીડીપી માંડ ૨.૭૩ હજાર યુએસ ડોલર છે તેની સામે કામના કલાકો મામલે બીજા નંબરે રહેલા ચીનમાં માથાદીઠ જીડીપી ૧૩.૧૪ છે.

હવે જોકે અહીંથી જ આશ્ચર્ય કરવાની જરૂર નથી. કારણ કે સૌથી વધુ માથાદીઠ આવક ધરાવા મામલે દુનિયામાં ટોપ પર અમેરિકા આવે છે. જયારે તેના કામકાજના કલાકો પ્રતિ સપ્તાહ ફક્‍ત ૩૮ કલાક જ છે. આ રીતે જોવા જઈએ તો કામના કલાક અને અર્થતંત્રના વિકાસને કોઈ સીધો સંબંધ નથી. પરંતુ ઉલ્‍ટાનું જે બંનેના ડેટાને સરખાવતાં દુનિયાની ટોચની ટોપ-૧૦ અર્થવ્‍યવસ્‍થાઓમાં માથાદીઠ જીડીપી સામે કામના કલાકો ઘણા ઓછા છે.

ઉક્‍ત વાત સાબિત કરવા માટે જો આપણે ડેટા પર વધુ ધ્‍યાન આપીએ તો માથાદીઠ જીડીપીમાં ૫૪.૮૭ હજાર યુએસ ડોલર સાથે અમેરિકા બાદ બીજા નંબરે આવતાં કેનેડામાં સાપ્તાહિક કામકાજના કલાક ફક્‍ત ૩૨.૧ છે. તો માથાદીઠ જીડીપીમાં ૫૪.૨૯ હજાર યુએસ ડોલર સાથે ત્રીજા નંબર આવતાં જર્મનીમાં પણ સાપ્તાહિક કામકાજના કલાક ૩૪.૨ છે. આમ ભારત કરતાં વધુ માથાદીઠ જીડીપી ધરાવતાં દેશોમાં કામકાજના કલાક ઓછા છે.

આ વાતને બીજી રીતે જોઈએ તો અહીં લોકોનું વર્ક-લાઈફ બેલેન્‍સ ખૂબ જ સારી રીતે જળવાય છે. જેનું પરિણામ અર્થતંત્રની પ્રગતિ અને જીડીપીના વિકાસ સ્‍વરુપે જોવા મળે છે. આ સમયે તમને યાદ આવશે કે કેટલાક મહિના પહેલા ભારતની દિગ્‍ગજ આઈટી કંપની ઇન્‍ફોસિસના કો ફાઉન્‍ડર નારાયણ મુર્તીએ સાપ્તાહિક ૭૦ કલાક કામકાજ વિશે વકાલત કરી હતી. જે બાદ સોશિયલ મીડિયાથી લઈને સમાચારોમાં આ મુદ્દે બે તડા જોવા મળ્‍યા હતા. જેમાં કેટલાક ઇન્‍ફલુએન્‍સર અને આન્‍ત્રપ્રેન્‍યોર મુર્તીનો પક્ષ લેતા હતાં જયારે કેટલાક લોકોએ આ મુદ્દે વર્ક લાઈફ બેલેન્‍સ અને લાંબાગાળાની પ્રોડક્‍ટિવિટીનો મુદ્દો ઉઠાવ્‍યો હતો.

ખેર, ૭૦ કલાક વર્કિંગ અવર્સનો મુદ્દો પછી અટકી ગયો હતો પરંતુ હવે જયારે ફરી એકવાર અર્થતંત્ર અને કામકાજના વૈશ્વિક ડેટા સામે આવ્‍યો છે ત્‍યારે ફરી ફરીને એક પ્રશ્નો ઉભો થાય છે કે ભારતમાં માણસો જન્‍મે છે કે રોબોટ? આપણે ભારતીયો દુનિયામાં સૌથી વધુ દર અઠવાડિયે ૪૬.૭ કલાક ઓફિસમાં વિતાવીએ છીએ.

(11:03 AM IST)