News of Wednesday, 17th July 2024
પશુપાલન અને ડેરી ક્ષેત્ર માટે ૨૦ ટકા વધુ ફાળવણી કરાશે
દેશી ગાયની નસ્લોને પ્રોત્સાહન આપવાની સ્કીમો પર સરકારનું ફોક્સ : ફૂડ સબસિડીની રકમ ૯ ટકાથી વધારીને ૨.૨ લાખ કરોડ થવાની સંભાવના

નવી દિલ્હી તા. ૧૭ : જયારે નાણામંત્રી નિર્મલા સીતારમણ ૨૩ જુલાઈએ વર્ષ ૨૦૨૪-૨૫ માટે સંપૂર્ણ સામાન્ય બજેટ રજૂ કરશે, ત્યારે સરકારની નીતિઓનું ધ્યાન યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબો પર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ બજેટમાં દેશી ગાયની જાતિઓને પ્રોત્સાહન આપવા માટે યોજનાઓની જાહેરાત કરી શકે છે. સામાન્ય બજેટમાં, સરકાર વર્ષ ૨૦૨૪-૨૫ માટે પશુપાલન અને ડેરી વિભાગના બજેટ ફાળવણીને ૨૦% વધારીને ૫,૧૯૩ કરોડ રૂપિયા કરી શકે છે. સરકાર બજેટમાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખાદ્ય સબસિડીની ફાળવણી ૯% વધારીને ૨.૨ લાખ કરોડ રૂપિયા કરી શકે છે.
દેશમાં દૂધ ઉત્પાદન વધારવા માટે, ‘રાષ્ટ્રીય પશુધન મિશન, ફીડ અને ચારા વિકાસ પર સબ-મિશન તેમજ રાષ્ટ્રીય ગોકુલ મિશન ચલાવવામાં આવી રહ્યા છે. ગોકુલ મિશનમાં ખેડૂતો માટે દૂધના વ્યવસાયને વધુ નફાકારક બનાવવાના ઉદ્દેશ્ય સાથે પશુઓના આનુવંશિક અપગ્રેડેશન અને સ્વદેશી જાતિના વિકાસ અને સંરક્ષણ કરવામાં આવે છે. ઉપરાંત છત્ર યોજના, રાષ્ટ્રીય પશુધન વિકાસ યોજના ચલાવવામાં આવી રહી છે. પશુપાલન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ૨૧૩ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી છે, જેમાં લગભગ ૨૪,૦૦૦ લોકોને સીધી રોજગારી મળી છે અને ૦૧ લાખ ખેડૂતોને પરોક્ષ રીતે રોજગારી મળી છે. આ યોજનાઓ માટે ફાળવણીની રકમમાં વધારો થવાની ધારણા છે.'
૨૦૨૩-૨૪માં ફૂડ સબસિડી માટે રૂ. ૨૧૨ લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તરણને કારણે, કેન્દ્ર સરકારનું સબસિડી બિલ ૨૦૨૪-૨૫માં પણ વધવાની અપેક્ષા છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન દેશમાં દૂધનું કુલ ઉત્પાદન ૨૩.૦૫ કરોડ ટનથી વધુ હતું.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
