<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

દુકાનો પર નામ-ઓળખ લગાવવાની જરૂર નથી : યુપી સરકારના આદેશ સામે કોર્ટનો સ્‍ટે

યોગી સરકારને મોટો ઝટકો

નવી દિલ્‍હી, તા.૨૨: યોગી સરકાર દ્વારા તાજેતરમાં એક આદેશ આપવામાં આવ્‍યો હતો કે, તમામ દુકાનદારો ભલે પછી કે મહેન્‍દ્ર હોય કે મોહસીન હોય તેમણે પોતાની દુકાન, લારી-ગલ્લાં કે સંસ્‍થાની બહાર તેમનું નેમ પ્‍લેટ લગાવવી પડશે. આ આદેશ ખાસ કરીને મુજફ્‌ફરનગરમાં કાંવડ યાત્રાના રૂટમાં આવતા ધંધાર્થીઓ માટે હતો પરંતુ પછીથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં આ રીતે આદેશ લાગુ કરવામાં આવ્‍યો. જેને લઈને ભારે વિવાદ થયો અને આખરે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો. જ્‍યાંથી યોગી સરકારને મોટો ઝટકો લાગ્‍યો છે.

સુપ્રીમ કોર્ટે હવે યોગી સરકારના આ ફરમાન પર વચગાળાની રોક લગાવતાં કહ્યું છે કે, કોઈ દુકાનદારે તેમની દુકાન કે લારી ગલ્લાં બહાર નેમ પ્‍લેટ લગાવવાની જરૂર નથી. તેઓ પોતાની ઓળખ જાહેર ન કરે. તમારે નામ નહીં બસ ભોજનની ઓળખ બતાવવી જરૂરી છે. આ સાથે મધ્‍યપ્રદેશ, યુપી અને ઉત્તરાખંડની સરકારને નોટિસ પણ ફટકારી હતી.

આ મામલામાં આગામી સુનાવણી ૨૬મી જુલાઈના રોજ થશે. સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ હેઠળ એવું કહેવામાં આવ્‍યું છે કે દુકાનોના માલિકો અને કર્મચારીઓને તેમના નામ લખવા માટે દબાણ ન કરવું જોઈએ. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ સરકારના આદેશને એનજીઓ એસોસિએશન ફોર પ્રોટેક્‍શન ઓફ સિવિલ રાઈટ્‍સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્‍યો હતો. આ કેસમાં જસ્‍ટિસ હૃષિકેશ રાય અને જસ્‍ટિસ એસ.વી.એન. ભટ્ટીની બેન્‍ચે સુનાવણી કરી હતી.

(3:58 PM IST)