<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ખુલ્લામાં કુદરતી હાજતે ગયેલા માણસને ૧૩ ફુટના અજગરે ભરડામાં લઈ લીધો

ઠેર-ઠેર શૌચાલય બનાવવાની મૂવમેન્‍ટ ચાલી રહી હોય, હજીયે કેટલાંક ગામડાંઓમાં ખુલ્લામાં હાજતે જવાનું બંધ નથી થયું

ભોપાલ,તા. ૨૪: ભારતમાં ભલે ઠેર-ઠેર શૌચાલય બનાવવાની મૂવમેન્‍ટ ચાલી રહી હોય, હજીયે કેટલાંક ગામડાંઓમાં ખુલ્લામાં હાજતે જવાનું બંધ નથી થયું. મધ્‍ય પ્રદેશના જબલપુરમાં એક યુવકને ખુલ્લામાં હલકા થવા જતાં મોત સામે દેખાઈ ગયું હતું. વાત જબલપુર પાસેના કલ્‍યાણપુર ગામની છે. અહીં રામસહાય નામનો યુવક લગ્નની એક જાનમાં ગયો હતો. સવારનો સમય હતો એટલે શૌચ માટે તે ગામની બહાર નાળાના કિનારે જતો રહ્યો હતો. જોકે એ વખતે ૧૩ ફુટ લાંબો અજગર પાછળથી આવ્‍યો હતો અને યુવકના પગને એણે જકડી લીધા. પહેલાં તો અજગરે યુવકને જમીન પર પાડ્‍યો અને પછી એની ગરદન પકડી લીધી અને પછી તેને ગળવાની કોશિશ કરવા લાગ્‍યો. જોકે યુવકે ચિલ્લમચિલ્લી કરી મૂકતાં ગામના લોકોની તેના પર નજર પડી. ત્રણ-ચાર જણ લાકડી લઈને છોડાવવા આવી ગયા. લાકડીઓ મારવા છતાં અજગરનો ભરડો ઓછો ન થતાં કોઈકે તલવારના ઘા ઝીંકીને અજગરના ટુકડા કરી નાખ્‍યા હતા અને માંડ પેલો યુવક બચ્‍યો. જોકે પંદર મિનિટ સુધી અજગર સાથે તે બાથ ભીડતો રહ્યો હતો. ગામલોકોનું કહેવું હતું કે ગામની ભાગોળ પાસે ઘણા સાપ અને અજગર છે. તેઓ મોટા ભાગે જાનવરોને મારતા નથી, પણ પરિસ્‍થિતિ જ એવી હતી કે માણસને બચાવવા માટે અજગર પર હુમલો કરવો પડ્‍યો.

(9:38 AM IST)