<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

બજેટ જોગવાઇથી શેરબજારનો મુડ ખરાબ

આજે ઇન્‍ટ્રા-ડે ૬૦૦ પોઇન્‍ટ તુટયો સેન્‍સેકસ

મુંબઇ, તા.૨૪: ગઈકાલે સંસદમાં રજૂ કરાયેલ કેન્‍દ્રીય બજેટ-૨૦૨૪-૨૫ બાદ બુધવારે પણ ભારતીય શેરબજારનો મૂડ ખરાબ જોવા મળી રહ્યો છે. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજારની શરૂઆત ધીમી થઈ હતી, પરંતુ જેમ જેમ દિવસનો વેપાર આગળ વધતો ગયો તેમ તેમ ઘટાડાની ગતિ વધી. બપોરે ૧ વાગ્‍યા સુધી બજારના બંને મુખ્‍ય સૂચકાંકો સેન્‍સેક્‍સ અને નિફ્‌ટી મજબૂત ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્‍યા હતા. -ાપ્ત માહિતી અનુસાર, નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટમાં કેપિટલ ગેઈન ટેક્‍સમાં વધારો કરવામાં આવ્‍યા બાદ બુધવારે બજારનું સેન્‍ટિમેન્‍ટ ખરાબ થઈ ગયું છે. ઇન્‍ટ્રા-ડે ૬૦૦ પોઇન્‍ટ તુટયો હતો

બજેટ બાદ બુધવારે શેરબજારે ધીમી શરૂઆત કરી હતી. સેન્‍સેક્‍સ ૧૦૦ પોઈન્‍ટ્‍સથી વધુ લપસી ગયો, જ્‍યારે નિફ્‌ટીએ ૩૦ પોઈન્‍ટથી વધુ ઘટાડીને ટ્રેડિંગ શરૂ કર્યું. આ પહેલા મંગળવારે સંસદમાં મોદી ૩.૦નું બજેટ રજૂ કરવામાં આવ્‍યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના કાર્યકાળનું સતત સાતમું બજેટ રજૂ કરતી વખતે ઘણી જાહેરાતો કરી અને તેની સીધી અસર શેરબજાર પર પણ જોવા મળી.

આજે પણ બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. બપોરે ૨ કલાકે સેન્‍સેક્‍સ ૫૬૦ પોઈન્‍ટથી વધુ ગગડ્‍યો, સેન્‍સેક્‍સ ૭૯,૭૫૦ પોઈન્‍ટ સુધી લપસી ગયો, જ્‍યારે નિફ્‌ટી  ૧૪૯ પોઈન્‍ટ ઘટીને ૨૪૩૨૯ ની નજીક પહોંચી ગયો.

વાસ્‍તવમાં કેપિટલ ગેઈન ટેક્‍સ વધારવાના નિર્ણયને કારણે બજારનો મૂડ બગડ્‍યો છે, બજેટના દિવસે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્‍યો હતો. બીએસઈનો સેન્‍સેક્‍સ ૧૨૦૦ પોઈન્‍ટ ઘટયો હતો, જ્‍યારે એનએસઈનો નિફ્‌ટી ૫૦૦ પોઈન્‍ટ લપસી ગયો હતો. જોકે, ટ્રેડિંગના અંત સુધીમાં બંનેમાં તીવ્ર રિકવરી જોવા મળી હતી.

(4:02 PM IST)