News of Friday, 26th July 2024
આતંકવાદને કચડી નાખશું : કારગિલ વિજય દિવસે મોદીની સિંહગર્જના
શહીદોને શ્રધ્ધાંજલિ આપવા પીએમ પહોંચ્યા કારગિલ : ૨૫ વર્ષ પહેલા આજે ભારતે પાકિસ્તાનને હરાવ્યુ હતુ :વડાપ્રધાને પાકિસ્તાનને આડેહાથ લીધુ : વારંવાર પછડાટ મળી છતાં પણ કોઇ સબક ન લીધો : નાપાક પ્રયાસો કદી સફળ નહિ થાય

નવી દિલ્હી તા. ૨૬ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૫માં કારગિલ વિજય દિવસ પર દ્રાસમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી. કાર્યક્રમ માટે પીએમ મોદી કારગિલ વોર મેમોરિયલ પહોંચ્યા અને ૧૯૯૯માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બલિદાન આપનારા બહાદુર સૈનિકોને યાદ કર્યા. વડાપ્રધાન મોદીએ ભારતના દુશ્મનો અને આતંકવાદીઓને ચેતવણી આપી છે કે અમારી સેના આતંકવાદને પૂરી તાકાતથી કચડી નાખશે. ૨૫ વર્ષ પહેલા આજના દિવસે ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આડેહાથ લઇને કહ્યું કે, પાકિસ્તાન તેના ‘નાપાક' ઇરાદાઓમાં ક્યારેય સફળ નહી થાય. વારંવાર પછડાટ મળી છતાં પણ કાંઇ સબક નથી લીધો. વધુમાં ઉમેર્યુ કે, આતંકીઓના આકા સાંભળી લે કે તેમના દરેક ષડયંત્રો નિષ્ફળ જશે. દુશ્મનોને જડબાતોડ જવાબ અપાશે.
આ દરમિયાન પીએમ મોદીએ આતંકવાદને સમર્થન આપનાર પાકિસ્તાનનો ચહેરો પણ બેનકાબ કર્યો હતો. તેણે કહ્યું, ‘૫ાકિસ્તાને ભૂતકાળમાં જે પણ પ્રયાસો કર્યા છે તેમાં તેને હંમેશા હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ પાકિસ્તાને તેના ઈતિહાસમાંથી કંઈ શીખ્યું નથી. તે આતંકવાદ અને પ્રોક્સી વોરની મદદથી પોતાને સુસંગત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ આજે જયારે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જયાં આતંકના માસ્ટર્સ મારો અવાજ સીધો સાંભળી શકે છે. હું આતંકવાદના આ સમર્થકોને કહેવા માંગુ છું કે તેમના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય.'
મોદીએ કહ્યું કે પાકિસ્તાને તેના ઈતિહાસમાંથી કંઈ શીખ્યું નથી. અમે કારગીલ યુદ્ધમાં સત્ય, સંયમ અને હિંમત બતાવી. પરંતુ પાકિસ્તાને તેનો અવિશ્વાસભર્યો ચહેરો બતાવ્યો. તે સમયે ભારત શાંતિ માટે પ્રયાસ કરી રહ્યું હતું, તેના બદલામાં પાકિસ્તાને તેનો અવિશ્વાસભર્યો ચહેરો બતાવ્યો. પાકિસ્તાનની નાપાક યોજનાઓ ક્યારેય સફળ નહીં થાય.
કારગિલ વિજય દિવસના અવસર પર પીએમ મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કારગિલ યુદ્ધમાં અસત્ય અને આતંકનો પરાજય થયો હતો. પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. આજે મારો અવાજ આતંકના માસ્ટર સુધી પહોંચી રહ્યો છે. આપણા જવાનો આતંકવાદને સંપૂર્ણ રીતે કચડી નાખશે. દુશ્મનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્ર માટે પોતાનો જીવ જોખમમાં મૂકનારા લોકોના નામ અમિત છે. દેશ બહાદુર વીરોનો ઋણી છે. દેશને વિજય અપાવનાર આવા તમામ શહીદોને હું આદરપૂર્વક વંદન કરૂં છું. કારગિલ યુદ્ધમાં સર્વસ્વ બલિદાન આપનારા શહીદોને હું સલામ કરૂં છું.
વડાપ્રધાન મોદીએ કારગીલમાં શિંકુન લા ટનલનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ લેહને સર્વ-હવામાન કનેક્ટિવિટી પ્રદાન કરશે અને જયારે પૂર્ણ થશે, ત્યારે તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે.
આ પછી પીએમ મોદીએ લદ્દાખના દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી. તમને જણાવી દઈએ કે દ્રાસ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લામાં આવેલું એક શહેર છે. તેને લદ્દાખનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. પીએમ મોદી પહેલા આર્મી ચીફે દ્રાસમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
કારગિલ વિજય દિવસ દર વર્ષે ૨૬ જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે કારગીલ દિવસની સિલ્વર જયુબિલી (૨૫ વર્ષ) હોવાથી આ કાર્યક્રમ ખાસ છે. કારગિલ યુદ્ધ દરમિયાન બલિદાન આપનાર બહાદુરોના પરિવારો, બહાદુરી પુરસ્કાર વિજેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓ મોટી સંખ્યામાં તેમાં હાજર રહ્યા હતા.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
