News of Monday, 29th July 2024
‘મોડેલ સ્ટેટ' કે ‘ગ્રોથ એન્જિન' ગણાતા ગુજરાતમાં દર ચોથું બાળક કુપોષિત
ત્રિપુરા - ઝારખંડ કરતા પણ ખરાબ સ્થિતિ : ગુજરાતમાં ૫ વર્ષથી ઓછી વયના ૩૯.૭૩ ટકા બાળકો કુપોષિત : ૫ વર્ષ સુધીના ૨૧.૩૯ ટકા બાળકોનું અપૂરતું વજન : જૂન ૨૦૨૪માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને : ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૪૬.૩૬ ટકા : મહારાષ્ટ્રમાં ૪૪.૫૯ ટકા : આસામમાં ૪૧.૯૮ ટકા બાળકો કુપોષિત

નવી દિલ્હી તા. ૨૯ : ગુજરાતને ‘મોડેલ સ્ટેટ' કે ‘ગ્રોથ એન્જિન' જેવા રૂપાળા નામ એપીને વિશ્વ સમક્ષ સુંદર ચિત્ર ભલે રજૂ કરવામાં આવતું હોય. પરંતુ વાસ્તવિક ચિત્ર ખૂબ જ ચિંતા ઉપજાવે તેવું છે. લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ૫ વર્ષથી ઓછી વયના ૩૯.૭૩ ટકા બાળકો કુપોષિત છે. એટલે કે, રાજયમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે. આ ઉપરાંત ૨૧.૩૯ ટકા બાળકોને નિર્ધારીત માપદંડ કરતાં ઓછું વજન હોવાનું સામે આવ્યું છે.
જૂન ૨૦૨૪માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજયોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને હતું. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૪૬.૩૬ ટકા, મહારાષ્ટ્રમાં ૪૪.૫૯ ટકા, આસામમાં ૪૧.૯૮ ટકા બાળક કુપોષિત છે. બાળકોમાં કુપોષણને મામલે ત્રિપુરા, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ જેવા રાજયો કરતાં પણ ગુજરાતની સ્થિતિ બદતર છે. બાળકોમાં કુપોષણમાં ગુજરાતની સ્થિતિ સુધરવાનું નામ જ લઇ રહી નથી. વર્ષ ૨૦૨૨માં ૫૧.૯૨ ટકા અને વર્ષ ૨૦૨૩માં ૪૩.૭૮ બાળકો કુપોષિત હતા.
કુપોષણની આ સ્થિતિ દૂર કરવામાં સરકારને જ રસ નથી તેમ જણાય છે. ‘મિશન પોષણ ૨.૦' હેઠળ ગુજરાતને છેલ્લા ૩ વર્ષમાં રૂપિયા ૨૮૭૯.૩૦ કરોડનું ફંડ અપાયું છે. તેમાંથી માત્ર રૂપિયા ૧૩૧૦.૨૩ કરોડના જ ફંડનો ઉપયોગ થયો છે. રાજયના બાળકો માત્ર કુપોષણ જ નહીં ઓછા વજનની સમસ્યા પણ ધરાવે છે. ૫ વર્ષ સુધીના ૨૧.૩૯ ટકા બાળકોનું અપૂરતું વજન છે.
ગુજરાતમાં ૨૦૨૩માં ૨૦.૪૦ ટકા, ૨૦૨૨માં ૨૩.૫૪ ટકા બાળકોનું વજન અપૂરતું હતું. જેના પરથી જ આ મામલે પણ તંત્ર દ્વારા કોઇ પ્રકારના પગલા નહીં લેવામાં આવ્યા હોવાનું જણાય છે. જૂન ૨૦૨૪ સુધી દેશમાં ૩૬.૫૨ ટકા બાળકોને કુપોષણ અને ૧૬.૪૩ ટકા બાળકોને અપૂરતા વજનની સમસ્યા છે. આ સ્થિતિએ દેશની સરેરાશ કરતાં પણ ગુજરાતની સ્થિતિ નબળી છે. અપૂરતા વજનની સૌથી વઘુ સમસ્યા હોય તેવા મોટા રાજયોમાં મઘ્ય પ્રદેશ બાદ ગુજરાત બીજા સ્થાને છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
