News of Tuesday, 30th July 2024
કેજરીવાલ માટે એકજુથ થશે ઈન્ડિયા ગઠબંધનઃ જંતર મંતર ખાતે આજે રેલીનું આયોજન
કેજરીવાલના સ્વાસ્થ્યને લઈ આપ ચિંતામાં

નવી દિલ્હી તા. ૩૦ : દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. INDIA ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓ અને તેમના કાર્યકરો આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બગડતી તબિયતને લઈને જંતર-મંતર ખાતે રેલી કરશે. વિગતો મુજબ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ આ રેલીમાં ભાગ લેશે. આમ આદમી પાર્ટીના રાજયસભાના સભ્ય સંજય સિંહે કહ્યું હતું કે, તિહાર જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત સારી નથી. તેમનું હેલ્થ ચેકઅપ પણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. આ તેમના સ્વાસ્થ્ય સાથે રમત છે.
આ તરફ આમ આદમી પાર્ટી બીજેપી પર સીએમ અરવિંદ કેજરીવાલની જેલમાં ‘હત્યાનું કાવતરૂં' ઘડવાનો આરોપ લગાવી રહી છે. તેમના મેડિકલ રિપોર્ટને ટાંકીને આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, ૩ જૂનથી ૭ જુલાઈની વચ્ચે તેમનું શુગર લેવલ ૩૪ વખત ઘટ્યું હતું.
આપ સાંસદ સંજય સિંહે રેલી અંગેના પ્રશ્નોના જવાબમાં કહ્યું, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ,શિવસેના,અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી લિબરેશનના નેતાઓ અને અન્ય પક્ષો આ રેલીમાં ભાગ લેશે.
નોંધનિય છે કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૨૧ માર્ચે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ૧૦ મેના રોજ સુપ્રીમ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણી પ્રચાર માટે ૨૧ દિવસ માટે વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. લોકસભા ચૂંટણી પ્રચાર બાદ દિલ્હીના સીએમ ૨ જૂને તિહાર જેલમાં પહોંચ્યા અને આત્મસમર્પણ કર્યું. જે બાદ સીબીઆઇએ ૨૬ જૂને આ જ કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરી હતી. સીબીઆઇએ ૨૯ જુલાઈ, ૨૦૨૪ના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્યો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ ભાજપ પર સીએમ અરવિંદ કેજરીવાલને જેલમાં મારવાનું કાવતરૂં ઘડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, જયારે બીએપી નેતાઓને ખબર પડી કે દિલ્હીના સીએમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે, ત્યારે તેઓએ તેમની સીબીઆઇ દ્વારા ધરપકડ કરી છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
