<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

બ્રિટનમાં ઇમિગ્રેશન વિરોધી હિંસા: ઓછામાં ઓછા 100 વ્યક્તિની ધરપકડ

અનેક પોલીસ અધિકારીઓ પણ ઇજાગ્રસ્ત લિવરપૂલ, માન્ચેસ્ટર, સન્ડરલેન્ડ, હલ, બેલફાસ્ટ અને લીડ્સમાં અનેક સ્થળો પર હિંસા ફાટી નીકળી

લંડનઃ સમગ્ર બ્રિટનમાં ઇમિગ્રેશન વિરોધી (Anti-immigration violence) હિંસા ફેલાઇ હતી. અત્યાર સુધીમાં બ્રિટિશ પોલીસે ઓછામાં ઓછા 100 વ્યક્તિની ધરપકડ કરી હતી. બ્રિટિશના વડા પ્રધાન કીર સ્ટારમરે હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સમર્થન આપવાની વાત કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટનના અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી હતી. અનેક પોલીસ અધિકારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. લિવરપૂલ, માન્ચેસ્ટર, સન્ડરલેન્ડ, હલ, બેલફાસ્ટ અને લીડ્સમાં અનેક સ્થળો પર હિંસા ફાટી નીકળી હતી અને પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ જોવા મળી હતી.

લિવરપૂલમાં દેખાવકારોએ પોલીસ પર બોટલો, ઇંટો ફેંકી હતી. પ્રવાસીઓ રહેતા હોય તેવી હોટલની બારીઓ તોડી નાખી હતી. પ્રદર્શનકારીઓના આ તોફાનના કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા.

બ્રિટનના ગૃહ સચિવ યવેટ કૂપરે ભીડને ચેતવણી આપી હતી કે તેઓ આવા “ગુનાહિત અવ્યવસ્થા અને હિંસક ગુંડાગીરી”ની કિંમત ચૂકવશે. બ્રિટનના વડા પ્રધાને બોલાવેલી મંત્રીઓની એક બેઠક બાદ એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અમારી પોલીસને અમારા તરફથી સંપૂર્ણ સમર્થન છે. જેથી તેઓ આપણા રસ્તા પર અશાંતિ ફેલાવી રહેલા તોફાનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે જે પોલીસ અધિકારીઓ પર હુમલાઓ કરી રહ્યા છે. સ્થાનિક દુકાનદારો અને લોકોમાં ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

(12:01 AM IST)