<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે પ્રધાનમંત્રી શેખ હસીનાનું રાજીનામું : વિરોધીઓ મોટી સંખ્યામાં વડાપ્રધાન ના ઘરમાં ઘૂસી ગયા : આર્મીના સ્પેશિયલ હેલિકોપ્ટરમાં કોઈ સલામત સ્થળ પર જવા રવાના

1971 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે 30 ટકા સરકારી નોકરીઓ અનામત રાખતી ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ : અગાઉ જ્યારે હિંસા ફાટી નીકળી ત્યારે કોર્ટે ક્વોટાની મર્યાદા ઘટાડી દીધી હતી. પરંતુ હિંસા અટકી ન હતી અને હવે વિરોધીઓ શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે : અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોની ધરપકડ

ઢાકા તા.૫ :  બાંગ્લાદેશથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે. આ દરમિયાન સૂત્રો અને મીડિયા અહેવાલોનું માનીએ તો વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. કહેવામાં આવી રહ્યું છે કે, તે આર્મીના સ્પેશિયલ હેલિકોપ્ટરમાં કોઈ સેફ સ્થળ પર જવા રવાના થયા છે. 

મોટી સંખ્યામાં વિરોધીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે. આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. પોલીસને શેરીઓમાંથી હટાવી દેવામાં આવી છે. સત્તારૂઢ અવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી BNPની ટોચની નેતાગીરી વચ્ચે આર્મી હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક યોજાઈ રહી છે.

બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન દેશને સંબોધિત કરી શકે છે. દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને હજારો વિરોધીઓ લાંબા માર્ચ માટે ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા. આ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં 19 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશની સ્થિતિ એવી જ બની રહી છે જે થોડા સમય પહેલા પાકિસ્તાનમાં હતી. પાકિસ્તાન જેવા આંતરિક કલહથી ઝઝૂમી રહેલા બાંગ્લાદેશમાં લોંગ માર્ચનું આહ્વાન કર્યું હતું. વિદ્યાર્થી નેતાઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે સવિનય અવજ્ઞા આંદોલનની જાહેરાત કરી છે.

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સોમવારે રાજધાની ઢાકા તરફ લોંગ માર્ચ માટે ભેગા થયા છે અને વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણી સાથે દેશવ્યાપી કર્ફ્યુને અવગણશે. ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલને સોમવારે એક દિવસીય લોંગ માર્ચનું આહ્વાન કર્યું હતું. આ લોંગ માર્ચને ધ્યાનમાં રાખીને, મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ અને બખ્તરબંધ વાહનો શેરીઓમાં પેટ્રોલિંગ કરતા જોઈ શકાય છે. અહેવાલો અનુસાર આ વિરોધના સંયોજક આસિફ મહમૂદે કહ્યું કે, આ સરકારે ઘણા વિદ્યાર્થીઓની હત્યા કરી છે. હવે સમય આવી ગયો છે કે સરકારે તેના કાર્યોનો હિસાબ આપવો પડશે. દરેક વિદ્યાર્થીઓ સોમવારે ઢાકામાં રોકાયા છે. 

અનામતના મુદ્દે બાંગ્લાદેશમાં ઘણી વખત હિંસા ભડકી હતી. વિરોધીઓએ માંગ કરી હતી કે 1971 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે 30 ટકા સરકારી નોકરીઓ અનામત રાખતી ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવામાં આવે. અગાઉ જ્યારે હિંસા ફાટી નીકળી ત્યારે કોર્ટે ક્વોટાની મર્યાદા ઘટાડી દીધી હતી. પરંતુ હિંસા અટકી ન હતી અને હવે વિરોધીઓ શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

 

અધિકારીઓએ દાવો કર્યો હતો કે વિરોધીઓએ પોલીસ સ્ટેશનો, શાસક પક્ષના કાર્યાલયો અને તેમના નેતાઓના રહેઠાણો પર હુમલો કર્યો અને અનેક વાહનોને સળગાવી દીધા. સરકારે મેટા પ્લેટફોર્મ ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને બંધ કરવાનો આદેશ આપ્યો છે. અગાઉ જુલાઈમાં પણ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન હિંસા થઈ હતી. તે સમયે ઢાકાના મુન્શીગંજ જિલ્લાના એક પોલીસકર્મીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે આખું શહેર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે.

શેખ હસીનાએ પ્રદર્શનકારીઓ વિશે શું કહ્યું?

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને આતંકવાદી ગણાવ્યા છે. 4 જુલાઈના રોજ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં તેમણે પ્રદર્શનકારીઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવાના આદેશ આપ્યા હતા. આ બેઠક બાદ વડાપ્રધાનની પ્રેસ વિંગે એક નિવેદન બહાર પાડીને સવિનય અવજ્ઞા આંદોલન દરમિયાન આતંકવાદી હુમલાની શક્યતા વ્યક્ત કરી હતી. આ વિરોધ પ્રદર્શનો પર શેખ હસીના સરકારે નિવેદન જાહેર કરીને કહ્યું કે, દેશમાં અલગ-અલગ જગ્યાએ આતંકી હુમલા થઈ રહ્યા છે. હુમલાખોરો સામે કડક પગલાં લેવામાં આવશે. તેને જોતા સોમવારથી દેશભરમાં ત્રણ દિવસની જાહેર રજા જાહેર કરવામાં આવી છે.

(3:19 PM IST)