તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
News of Monday, 5th August 2024
દિલ્હીના મુખ્યમંત્રીને વધુ એક ફટકો : હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની ધરપકડને યોગ્ય ગણાવી : જામીન પણ નકાર્યા
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દિલ્હી સરકારને અસ્થિર કરવા માટે મુખ્યમંત્રી અને અન્ય નેતાઓને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે

નવી દિલ્હી તા.૫ : સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલાથી જ વચગાળાના જામીન આપી દીધા છે. આ રાહત પહેલા પણ સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી.
કથિત દારૂ કૌભાંડમાં પકડાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં તેની ધરપકડ સામે અને તે જ કેસમાં જામીન માટે દાખલ કરેલી અરજીઓ ફગાવી દીધી છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેંચે કહ્યું કે કેજરીવાલ જામીન માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરી શકે છે.
હાઈકોર્ટે કહ્યું કે કેજરીવાલની ધરપકડ ગેરકાયદેસર નથી અને એવું ન કહી શકાય કે સીબીઆઈએ કોઈ કારણ વગર તેમની ધરપકડ કરી. કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને ઈડીની કસ્ટડીમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેમને મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. કેજરીવાલે CBI કેસમાં તેમની ધરપકડ કરીને રિમાન્ડ પર મોકલવાના નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકની 21 માર્ચે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેમને 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. ED અને CBIએ કેજરીવાલને દારૂ કૌભાંડના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા છે. જો કે આમ આદમી પાર્ટી આ આરોપોને ફગાવી રહી છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દિલ્હી સરકારને અસ્થિર કરવા માટે મુખ્યમંત્રી અને અન્ય નેતાઓને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
