<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

સિંગાપોર - દુબઈની હરોળમાં રાજકોટ : બનશે ૭૦ માળની ઈમારત

સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટના મેટ્રો સીટી તરફ કદમ : એકમ ધ એલ્ટીટ્યુડ... ગુજરાતની સૌથી ઉંચી ગગનચુંબી ઈમારત બનશે : ૩૦૦ મીટરની ઉંચાઈ : દેશના ખ્યાતનામ આર્કિટેકટ હિતેન શેટ્ટી, એશિયાબેસ્ટ સ્ટ્રકચર મુંબઈના જે.ડબલ્યુ. દ્વારા અને દેશના સુપ્રસિદ્ધ, મુંબઈના એમ.પી કન્સલ્ટન્ટની સેવાઓ : ૧૬૮ ફ્લેટનું બાંધકામ : સાડા સાત હજાર ફૂટના ૧૮ પેન્ટહાઉસ : ૪ બીએચકે ૪૨૦૦ ફૂટના ૧૫૦ ફ્લેટ : સૌરાષ્ટ્ર ગુજરાતનું અભૂતપૂર્વ નજરાણું બની રહેશે : નેવિલ સુબા - ભરત સોનવાણીના નેજા હેઠળ કાલાવાડ રોડ ઉપર જડુસ - ગાયત્રી મંદિર સામે શહેર મધ્યે પંદર હજાર ચોરસ વારમાં અભૂતપૂર્વ સર્જન : ૯૮ ફલોરની મંજૂરી મળી : ૭૦ માળ જેટલી ઊંચાઈ : ૫૦ માળનું બાંધકામ : એક સપ્ટેમ્બરે ખાતમુહૂર્ત : ૪૦ મહિનામાં પૂર્ણ થશે

રાજકોટ તા. ૫ : ગુજરાતની સૌથી ઊંચી બિલ્ડીંગનું રાજકોટમાં નિર્માણ થવા જઈ રહ્યું છે. આ ગગનચુંબી ઇમારત ૩૦૦ મીટર એટલે કે ૭૦ માળની ઊંચાઈની બની રહેશે તેમ જાણવા મળે છે. બિલ્ડીંગ માટે ૯૮ માળ ઉંચાઈની મંજૂરી મળી હોવાની પણ વાત બહાર આવી છે.

રાજકોટના યુવા બિલ્ડર ઉદ્યોગપતિ શ્રી નેવિલ સુબા અને સુપ્રસિદ્ધ જગદીશ ટ્રેડિંગ કંપનીના યુવા ઉદ્યોગપતિ શ્રી ભરત સોનવાણીના આ અપ્રતિમ સાહસનું ખાતમુહૂર્ત ૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના યોજાયું છે. સમગ્ર બાંધકામ ૪૦ મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે. કોઈપણ જાહેરાત પૂર્વે લગભગ ૨૮થી વધુ ફ્લેટ બુક થઈ ગયાનું પણ કહેવાય છે.

સમગ્ર પ્રોજેકટની કોસ્ટ જાણવા મળતી નથી પરંતુ આ પ્રોજેકટ અંગે ગુજરાત સરકાર સાથે ૫૦૦ કરોડનું એમઓયુ થયાની વાત બહાર આવી છે.

ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં ૩૦૦ મીટર હાઈટનો આ પ્રથમ પ્રોજેકટ રાજકોટમાં સાકાર થઈ રહ્યો છે. મળતી વિગતો મુજબ ૯૮ માળ જેટલી ઊંચાઇનું બાંધકામ કરવાની મંજૂરી મળી છે, પરંતુ અહીં ૭૦ માળની ઊંચાઈ જેટલું અને બહાર ફૂટની ઊંચાઈવાળા ૫૦ ફ્લોરનું બાંધકામ થશે તેવું પણ માલુમ પડ્યું છે. હાલની તમામ એમિનીટીઝ સાથે અનેકવિધ અત્યાધુનિક સવલતો ઉપલબ્ધ બનશે તે સ્વાભાવિક છે.

મુંબઈ સહિત દેશભરમાં આ પ્રકારના હાઇરાઇઝ બિલ્ડીંગોની સંખ્યા ખૂબ જૂજ છે ત્યારે રાજકોટના આંગણે આ એક નજરાણું બની રહેશે તેમ તેમાં કોઈ શંકા નથી.

ગુજરાત તમામ ક્ષેત્રે આજે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ પણ આ વિકાસમાં પાછળ રહ્યું નથી. સિકસલેન રાજમાર્ગ સાથે આંતરરાષ્ટ્રીય વિમાની સેવાની સવલતો સહિતના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે રાજકોટ કલ્પનાતીત વીજળીક ઝડપે વિકસી રહ્યું છે, ફેલાઈ રહ્યું છે અને વિશ્વના ઝડપથી વિકસિત થયેલા શહેરોમાં સ્થાન પામ્યું છે ત્યારે વિશ્વ કક્ષાના હાઈરાઇઝ બિલ્ડીંગો રાજકોટના આંગણે હવે ટૂંક સમયમાં શોભવા લાગશે તેમ કહેવું હજુ પડતું નહીં ગણાય.

દેશમાં જેમનું નામ ખૂબ આગળથી લેવાય છે અને ભારત સરકારના સહિત અનેક મોટા પ્રોજેકટનું સર્જન જેમણે કર્યું છે તેવા દેશના સુપ્રસિદ્ધ આર્કિટેકટ મુંબઈના શ્રી હિતેન શેટ્ટી આ પ્રોજેકટમાં યોગદાન આપી રહ્યા છે.

સ્ટ્રકચરનું અતિ મહત્વનું કાર્ય એશિયા બેસ્ટ ખૂબ જ મોટું નામ ધરાવતી જે.ડબલ્યુ. કંપની સંભાળે છે.

સમગ્ર પ્રોજેકટના કન્સલ્ટન્ટ મુંબઈના એમ.ઈ.પી. કંપનીના શ્રી પંકજ ધારકર સંભાળી રહ્યા છે. દેશમાં આ ક્ષેત્રે તેમનું ખૂબ મોટું નામ છે.

શ્રી નેવિલ સુબા અને શ્રી ભરત સોનવાણી રાજકોટના આંગણે આ પ્રતિષ્ઠાભર્યો પ્રોજેકટ લાવ્યા છે, તેમાં કુલ ૧૬૮ ફ્લેટો છે. ૫૦ ફ્લોર (૭૦ માળ જેટલી ઊંચાઈવાળા આ ભવ્યાતીભવ્ય બિલ્ડિંગમાં ચાર બેડ હોલ કિચન સહિતની આધુનિક સવલતો ૪૨૦૦ ફૂટમાં પથરાયેલી રહેશે, આવા દોઢસો ફ્લેટ બનશે. જ્યારે ૧૮ આલીશાન પેન્ટહાઉસ બનશે જેમાં તમામ સુવિધાઓ આશરે ૭૫૦૦ ફૂટમાં ઉપલબ્ધ બનશે.

ગગનચુંબી ઇમારત 'એકમ ધ એલટીટ્યુડ' રાજકોટ સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાત માટે એક નજરાણું બની રહેશે તે નિશ્ચિત છે. આ અંગે અકિલાએ શ્રી નેવિલ સુબાનો સંપર્ક સાધતા તેમણે ૩૦૦ મીટર હાઈટમાં ૫૦ માળનું (૭૦ માળની ઊંચાઈ જેટલું) હાઇરાઈઝ બિલ્ડીંગ રાજકોટમાં બની રહ્યાની વાતને અનુમોદન આપ્યું હતું. તેમણે કહેલ કે અમને ૯૮ ફ્લોર જેટલી હાઈટના બાંધકામની મંજૂરી મળી છે પણ અમે ૭૦ ફ્લોર જેટલી ઊંચાઇ એટલે કે ૩૦૦ મીટર હાઈટ સાથે ૫૦ ફ્લોરનું બાંધકામ ૧ સપ્ટેમ્બરથી શરૂ કરી રહ્યા છીએ..

(5:08 PM IST)