News of Monday, 5th August 2024
હવાથી હવામાં ૧૦૦ કિ.મી.ના અંતરનાં લક્ષ્યાંકોને હિટ કરી શકે તેવા ર૦૦ એસ્ટ્રા માર્ક-વન મિસાઇલ બનાવવા વાયુસેનાની મંજુરી
મિસાઇલનું નિર્માણ કાર્ય ભારત ડાયનેમિકસ લીમીટેડ દ્વારા ચાલુ કરાયું

નવી દિલ્હી, તા. પ : ભારતીય વાયુસેનાએ ૨૦૦ સ્વદેશી એર-ટુ-એર મિસાઇલો એસ્ટ્રા માર્ક ૧ના ઉત્પાદનને મંજૂરી આપી છે. તેને ભારત સરકારની સંસ્થા DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ મિસાઈલનું નિર્માણ BDL (ભારત ડાયનેમિકસ લિમિટેડ) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
IAF અધિકારીઓએ જણાવ્યું હતું કે BDLને ઉત્પાદનની મંજૂરી નાયબ વાયુ સ્ટાફ એર માર્શલ આશુતોષ દીક્ષિતની હૈદરાબાદની તાજેતરની મુલાકાત દરમિયાન આપવામાં આવી હતી. ૨૦૨૨-૨૩માં સંરક્ષણ અધિગ્રહણ પરિષદે રૂ. ૨,૯૦૦ કરોડથી વધુના પ્રોજેકટને મંજૂરી આપી હતી. તમામ પરીક્ષણો પૂર્ણ થયા બાદ હવે તે ઓર્ડર માટે ઉત્પાદનની મંજૂરી આપવામાં આવી છે.
ફાઈટર પ્લેન વચ્ચે હવાઈ લડાઈ દરમિયાન હવાથી હવામાં મિસાઈલનો ઉપયોગ કરવામાં આવે છે. આની મદદથી એરક્રાફ્ટ કે હેલિકોપ્ટર જેવા અન્ય પ્રકારના હવાઈ લક્ષ્યોને પણ નષ્ટ કરી શકાય છે. આ પ્રકારની મિસાઈલ માટે રેન્જ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જે ફાઈટર પ્લેન પાસે લાંબી રેન્જની મિસાઈલ હોય તેને બીજા કરતા ફાયદો થશે. ભારતે મોટાભાગની હવાઈ મિસાઈલોની આયાત કરવી પડે છે. બિયોન્ડ વિઝયુઅલ રેન્જ મિસાઇલોની સ્પષ્ટ અછત છે. તેને ધ્યાનમાં રાખીને ડીઆરડીઓએ એસ્ટ્રા મિસાઈલ પ્રોગ્રામ શરૂ કર્યો.
એસ્ટ્રા માર્ક ૧ મિસાઈલ ૧૦૦ કિલોમીટરના અંતર સુધી માર કરી શકે છે. રશિયન ફાઈટર જેટ સુખોઈ ૩૦ MKI અને ભારતીય ફાઈટર એરક્રાફ્ટ તેજસ (LCA Tejas) આ મિસાઈલથી સજ્જ છે. તેનાથી ભારતીય વાયુસેનાની એર કોમ્બેટ ક્ષમતામાં વધારો થશે.
ડીઆરડીઓ એસ્ટ્રા માર્ક ૨ મિસાઈલ પર પણ કામ કરી રહ્યું છે. તેની રેન્જ ૧૩૦ કિલોમીટરની આસપાસ હશે. આ સાથે ૩૦૦ કિલોમીટરની રેન્જ સાથે હવાથી હવામાં માર મારનાર મિસાઈલ વિકસાવવાનું પણ કામ ચાલી રહ્યું છે.(
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
