<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

બાંગ્‍લાદેશ રેઢુ પડ ! જેલમાંથી આતંકી ભાગ્‍યા : ભારત ઉપર ખતરો

ભારતમાં તમામ સુરક્ષા એજન્‍સીઓ હાઇ એલર્ટ પર

નવી દિલ્‍હી, તા.૬: બાંગ્‍લાદેશમાં શેખ હસીના સરકારની હકાલપટ્ટી બાદ ભારતીય સુરક્ષા એજન્‍સીઓ સંપૂર્ણ એલર્ટ પર છે. બાંગ્‍લાદેશ સાથેની ભારતીય સરહદો પર સંપૂર્ણ સતર્કતા સાથે નજર રાખવામાં આવી રહી છે. બીએસએફે તેના સર્વેલન્‍સ વિસ્‍તારની સરહદો પર એલર્ટ જાહેર કર્યું છે. ઘૂસણખોરી ન થાય તે માટે સુરક્ષા દળોને સંપૂર્ણ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્‍યું છે.

BSFના મહાનિર્દેશક દલજીત સિંહ ચૌધરી અને તેમની સાથે અન્‍ય વરિષ્ઠ અધિકારીઓ ભારત-બાંગ્‍લાદેશ સરહદ સુરક્ષાની સમીક્ષા કરવા પશ્‍ચિમ બંગાળ પહોંચ્‍યા અને ટોચના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી. ડીજીએ ઉત્તર ૨૪ પરગણા જિલ્લાની સરહદની પણ મુલાકાત લીધી હતી.

તાજેતરમાં, પશ્‍ચિમ બંગાળના ૨૪ પરગણા જિલ્લામાં ભારત-બાંગ્‍લાદેશ સરહદ પર અમુદિયા બોર્ડર ચોકી નજીક ૧૦-૧૫ બાંગ્‍લાદેશી ઘૂસણખોરોએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આવા તમામ સંવેદનશીલ પ્રવેશ બિંદુઓને ચિホતિ કરવામાં આવ્‍યા છે અને ત્‍યાં વિશેષ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્‍યું છે. બાંગ્‍લાદેશ તરફથી, નાદિયા જિલ્લાના મલુઆપારા, હલદરપારા, બાનપુર અને મટિયારીમાં ઘૂસણખોરીના પ્રયાસોની સંભાવનાને ધ્‍યાનમાં રાખીને વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. મુર્શિદાબાદ જિલ્લાના ચર્મરાશી અને માલદા જિલ્લાની સાસની બોર્ડર ચોકીના વિસ્‍તારો પણ સંવેદનશીલ હોવાનું કહેવાય છે. બીએસએફએ બોર્ડર ગાર્ડ્‍સ બાંગ્‍લાદેશ સાથે પણ સંપર્ક સ્‍થાપિત કર્યો છે.

બાંગ્‍લાદેશમાં ચાલી રહેલી અશાંતિ દરમિયાન પ્રતિબંધિત ઈસ્‍લામિક આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્‍લાદેશ (થ્‍પ્‍ગ્‍) અને અંસારુલ્લા બાંગ્‍લા ટીમના કેટલાક સભ્‍યો જેલમાંથી ભાગી ગયા હોવાની બાતમી મળી છે. તેઓ ભારતમાં પ્રવેશે તેવી શકયતાઓને લઈને એજન્‍સીઓ સતર્ક છે. આ આતંકવાદી સંગઠનો ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચેના સરહદી રાજ્‍યોમાં સક્રિય છે. અનેક પ્રસંગોએ, ભારતમાં સુરક્ષા એજન્‍સીઓએ પશ્‍ચિમ બંગાળ અને આસામમાંથી આ સંગઠનોના સભ્‍યોની ધરપકડ કરી છે. એવી આશંકા છે કે આ આતંકવાદી સંગઠનોના સભ્‍યો ભારતમાં ઘૂસણખોરી કરવા માટે વર્તમાન અશાંતિનો ફાયદો ઉઠાવી શકે છે. આ સરહદી રાજ્‍યોમાં સાવચેતીઃ ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચે ૪,૦૯૬ કિલોમીટર લાંબી આંતરરાષ્‍ટ્રીય સરહદ છે, જેમાં આસામમાં ૨૬૨ કિલોમીટર, ત્રિપુરામાં ૮૫૬, મિઝોરમમાં ૩૧૮, મેઘાલયમાં ૪૪૩ અને પશ્‍ચિમ બંગાળમાં ૨,૨૧૭ કિલોમીટરનો સમાવેશ થાય છે. આ તમામ સ્‍થળોએ રાજ્‍ય સરકારોને એલર્ટ પણ મોકલવામાં આવ્‍યું છે.

બાંગ્‍લાદેશના શેરપુર જેલમાંથી ૫૧૮ કેદી થયા ફરાર

ઢાકા, તા.૬: ભારત બાંગ્‍લાદેશમાં બગડતી પરિસ્‍થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. બાંગ્‍લાદેશમાં ફાટી નીકળેલી તાજેતરની હિંસામાં ૨૪ કલાકમાં ૧૦૦ થી વધુ લોકોના મોત થયા છે, જ્‍યારે છેલ્લા ૩ અઠવાડિયામાં અહીં હિંસામાં ૩૦૦ થી વધુ લોકોના મોત થયા છે. બાંગ્‍લાદેશમાં બગડતી પરિસ્‍થિતિનો અંદાજ આના પરથી લગાવી શકાય છે, જ્‍યાં ૧૪ પોલીસ કર્મચારીઓને જીવતા સળગાવી દેવામાં આવ્‍યા હતા.  આ સ્‍થિતિ બાદ ઉપદ્રવિઓએ લાકડી-ડંડાથી શેરપુરની જેલમાં હુમલો કર્યો હતો. જેમાં ૫૧૮ કેદી ફરાર થઇ ગયા છે.

(10:20 AM IST)