News of Tuesday, 6th August 2024
પરિવારની બચતમાં બેંક FDનું પ્રમાણ ૫૧ ટકા પરથી ઘટીને ૩૬ ટકા થયું
મોબાઇલ એપના પગલે હવે ગ્રામ્ય વિસ્તારના લોકો શેરમાં રોકાણ કરે છે :ટેકનોલોજીનો વિસ્તાર, લોકોની જોખમ લેવાની શકિત વધી, મજબૂત અર્થતંત્રનો લાભ : ૨૦૧૬ પહેલા શેહરમાં રોકાણ ૧.૬ ટકા જે હવે વધીને ૬.૮ ટકા થયું

નવી દિલ્હી,તા. ૬: શેર બજારમાં સતત તેજી ચાલુ રહી છે,ત્યારે હવે તેજીનો લાભ લેવા માટે રોજેરોજ નવા ડિમેટ એકાઉન્ટ ખુલ્લી રહ્યા છે. સામાન્ય નોકરિયાતો અને ડોકટરો, વકીલો,મહિલાઓ અગાઉ શેર બજારમાં ખાસ રસ લેતાં ન હતા. તેઓ હવે શેર બજારમાં રસ લેતાં થઈ ગયા છે. ભારતના મજબૂત અર્થતંત્રના પગલે તથા લોકોની વધેલી આવક અને જોખમ લેવાની વધેલી શક્તિના પગલે શેરબજારમાં રોકાણ વધી રહ્યું છે. સલામતી પૂર્વક રોકાણ માટે બેંક ડિપોઝિટની લોકપ્રિયતા ધીરે ધીરે ઘટતી જાય છે. બીજી તરફ હવે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ તથા શેર બજારમાં રોકાણ વધારી રહ્યા છે.
એક અભ્યાસ મુજબ નોટબંધી બાદ રોકડની ઉપલબ્ધતામાં અસ્થાયી બદલાવ આવ્યો છે. બીજી તરફ એફડી પર સરેરાશ વ્યાજ ૭થી ૮ ટકા જેટલું છે.બેંકોની એફડીના પ્રમાણમાં ઘટાડો થઇ રહ્યો હોવાના કારણે તાજેતરમાં જ રિઝર્વ બેંકના ગર્વનરે પણ બેંકોને થાપણો વધારવા માટે બેંકોને પગલાં
લેવા માટે અનુરોધ કર્યો હતો. નાગરિકોએ હવે બેંકની એફડીની તુલનાએ બચતના અન્ય આકર્ષક માર્ગોને પસંદ કર્યા છે. શેર બજારને સટ્ટો માનનાર વર્ગ સલામત વળતર માટે મ્યુચ્યુઅલ ફંડની વિવિધ સ્કીમમાં રોકાણ કરે છે અને તે બેંક એફડીના વળતરથી વધુ અને ૧૫ ટકા ઉપરાંતનું વળતર મેળવે છે. જયારે બીજી તરફ છેલ્લાપાંચ વર્ષમાં શેર બજારમાંથી સરેરાશ ૧૬ ટકા તેજી જોવા મળી હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં નિફટીમાં ૨૬ ટકા અને સેન્સેક્સમાં ૨૪ ટકા તેજી જોવા મળી હતી.
પરિવારોની નાણાંકીય બચતમાં શેર-ડિબેન્ચરનો ફાળો હાલમાં ૬.૮ ટકા રહ્યો છે. જે નાણાંકીય વર્ષ ૨૦૧૬ પહેલાં ૧.૬ ટકાનો હતો.જયારે બેંક ડિપોઝિટનું પ્રમાણ ૫૧ ટકાથી ઘટીને ૩૬ ટકા થયો છે. હજી પણ ઘણા રોકાણકારો પોસ્ટ સહિતના અન્ય બચતની યોજનાઓ ઉપર પણ વિશ્વાસ રાખે છે.
માળખાકીય ફેરફારના પગલે બજાર મૂડીકરણમાં મ્યુચ્યુઅલ ફંડની હિસ્સેદારો ૨૦૧૭માં ૪.૯ ટકા હતી .જે હાલમાં ૮.૯ ટકા રહી છે. આર્થિક સમીક્ષામાં જણાવાયા મુજબ ઇક્વિટી સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણકારોની હિસ્સેદારી નાણાંકીય વર્ષ ૨૪માં ૩૫.૯ ટકા થઇ છે.
ગુજરાતમાં જ રોજ રૂા.૨૩,૨૦૦ કરોડના શેરની ખરીદી અને વેચાણ થઇ રહ્યા છે. રિઝર્વ બેંકના ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં શેરબજારના ટર્ન ઓવરમાં ગુજરાતનું પ્રમાણ ગણનાપાત્ર વધ્યું હોવાનું બહાર આવ્યું છે. ગત વર્ષમાં પ્રથમ ત્રિમાસિક સમયમાં ગુજરાતમાં દૈનિક શેર બજારના સોદા રૂા. ૧૦,૧૬૫ કરોડના થતા હતા તે હાલમાં ૧૨૮ ટકા વધીને સરેરાશ ૨૩,૨૦૦ કરોડના થઈ રહ્યા છે.ટેલિકોમ નેટવર્ક હવે તો ગામડાઓમાં પણ ઉપલબ્ધ છે . શેર બજારમાં સોદા માટે હવે અગ્રણી બ્રોકિંગ કંપનીઓની મોબાઇલ એપ્લિકેશનો ઉપલબ્ધ હોવાના કારણે હવે રોકાણકારો રિઅલ ટાઇમ સોદા કરી શકે છે. (૨૨.૭)
બિલીયોનેર ઇન્વેસ્ટર માર્ક મોબિયસના મતે સેન્સેક્સ ૧ લાખની સપાટી વટાવશે
અમેરિકાની મોબિયસ ઇમર્જિંગ ઓપર્ચ્યુનીટી ફંડના ચેરમેન માર્ક મોબિયસે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ જણાવ્યું હતુંકે. પીએમ મોદીની ત્રીજી ટર્મ પુરી થતાં પહેલાં જ સેન્સેક્સ ૧લાખ પોઇન્ટની સપાટીને વટાવશે. દરમિયાનમાં સમય સમયે કરેકશન પણ જોવા મળશે.જે બજાર માટે તંદુરસ્ત પરિસ્થિતિ ગણાશે.
વડોદરા - અમદાવાદમાં ભૂતકાળમાં ટ્રેડિંગ રિંગમાં સોદા થતાં હતા
અમદાવાદ અને વડોદરામાં તો ભૂતકાળમાં ટ્રેડિંગ રિંગમાં સોદા થતા હતા. જેના સાક્ષી હાલના સુપર સિનિયર ઇન્વેસ્ટરો છે. ત્યાર બાદ ટર્મિનલ દ્વારા સોદા શરૂ થયા છે. હાલમાં પણ શેરબ્રોકરોને ત્યાંથી રોકાણકારો સોદા કરી રહ્યા છે. જોકે ધીરે ધીરે મોબાઇલ એપ્લિકેશન દ્વારા સોદા લોકપ્રિય બની રહ્યા છે.
સેન્સેક્સ આગામી ૩થી ૫ વર્ષમાં ૧ લાખની સપાટીએ પહોંચશે
સેન્સેક્સ ૧૯૭૯માં ૧૦૦ પોઇન્ટહતો. જે ૨૦૨૪ની ૨ ઓગસ્ટના રોજ ૮૦૯૮૧ પોઇન્ટ થયો હતો. વૈશ્વિક પડકારો અને અનિヘતિતા છતાં તેજી ચાલુ રહી છે. જે ૪૫ વર્ષમાં CAGR ૧૫.૯ ટકા એટલેકે ૮૦૦ ગણો રહ્યો હોવાનું દર્શાવે છે. જો કરેકશન ન આવે તો સેન્સેક્સ આગામી ૩થી ૫ વર્ષમાં ૧ લાખની સપાટીએ પહોંચશે તેમ અભ્યાસુઓ જણાવે છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
