<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

દિગ્‍ગજ ક્રિકેટર મુશરફે મુર્તઝા સુધી પહોંચી હિંસાની આગઃ બાંગ્‍લાદેશમાં આંદોલનકારીઓએ પૂર્વ કેપ્‍ટનનું ઘર ફુંક્‍યું: લૂંટફાટ

મુશરફે મુર્તઝા અવામી લીગના સાંસદ છેઃ તે લાંબા સમયથી શેખ હસીનાની પાર્ટી સાથે જોડાયેલો છે

ઢાકા,તા.૬: બાંગ્‍લાદેશની સ્‍થિતિ સતત ખરાબ થઈ રહી છે. શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દેશ છોડી દીધો છે. હસીના ભારત પહોંચી ચૂક્‍યા છે. આ વચ્‍ચે દેશમાં હિંસાની આગમાં દિગ્‍ગજ ક્રિકેટર મુશરફે મુર્તઝાના ઘર ઝપેટમાં આવી ગયું છે. આંદોલનકારીઓએ પૂર્વ કેપ્‍ટનના ઘરમાં આગ લગાવી દીધી છે. મુશરફે મુર્તઝા અવામી લીગના સાંસદ છે. તે લાંબા સમયથી શેખ હસીનાની પાર્ટી સાથે જોડાયેલો છે. તેના ઘરે તોડફોડ-લુંટફાડ થઇ હતી.

શેખ હસીનાના દેશ છોડ્‍યા બાદ હજારો લોકોએ પીએમ આવાસ પર કબજો કરી લીધો છે. આંદોલનકારીઓએ તોડફોડ કરી અને ઘણી વસ્‍તુ લૂંટીને પોતાની સાથે લઈ ગયા છે. પ્રદર્શનકારીઓ ઢાકામાં તોફાન ફેલાવી રહ્યાં છે. તેમણે જેસીબી દ્વારા ઢાકામાં તમામ જગ્‍યાઓ પર લાગેલી શેખ મુઝીબુર્રહમાનની પ્રતિમાઓ તોડી દીધી છે. આ સિવાય વિવિધ સરકારી ઓફિસોમાં લાગેલી શેખ હસીનાની તસવીરો હટાવવામાં આવી રહી છે.

મુશરફે મુર્તઝા વનડે મેચમાં બાંગ્‍લાદેશ માટે સૌથી વધુ મેચમાં કેપ્‍ટનશિપ કરનાર ખેલાડી છે. તેના નેતૃત્‍વમાં બાંગ્‍લાદેશી ટીમે ૨૦૧૦થી ૨૦૨૦ વચ્‍ચે ૮૮ મેચ રમી હતી. આ દરમિયાન ટીમે ૫૦ મેચ જીતી અને ૩૬ મેચ હારી હતી. મુર્તઝાની આગેવાનીમાં ૨ મેચનું પરિણામ આવ્‍યું નહીં. તેણે ૨૦૦૯માં એક ટેસ્‍ટ મેચમાં પણ ટીમની કમાન સંભાળી હતી. આ મેચ બાંગ્‍લાદેશે જીતી હતી. ૨૦૧૪થી લઈને ૨૦૧૭ સુધી તેણે ૨૮ ટી૨૦ મેચમાં પણ ટીમની કમાન સંભાળી હતી.

મુર્તઝાને બાંગ્‍લાદેશ માટે ૩૬ ટેસ્‍ટ મેચ રમવાની તક મળી હતી. આ દરમિયાન તેણે ૭૮ વિકેટ લીધી અને ૭૯૭ રન બનાવ્‍યા હતા. વનડે મેચની વાત કરીએ તો તેણે ૨૨૦ મુકાબલામાં ૨૭૦ વિકેટો લીધી હતી. તેણે વનડેમાં ૧૭૮૭ રન બનાવ્‍યા હતા. ટી૨૦ મેચમાં મુર્તઝાના નામે ૪૨ વિકેટ અને ૩૭૭ રન છે.

(9:47 AM IST)