News of Tuesday, 6th August 2024
બાંગ્લાદેશના નવા PM બની શકે છે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ
બાંગ્લાદેશમાં પીએમ શેખ હસીનાના રાજીનામા બાદ વચગાળાની સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે

ઢાકા, તા.૬: બાંગ્લાદેશમાં આરક્ષણના મુદ્દે શરૂ થયેલા વિવાદ વચ્ચે પીએમ શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. બાંગ્લાદેશના આર્મી ચીફે પણ આ અંગે જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે સુધીમાં, બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાને સંભાળવા માટે વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. હાલ માટે સેના દેશની કાયદો અને વ્યવસ્થા સંભાળશે.
સમાચાર છે કે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ દેશની વચગાળાની સરકારનો પીએમ ચહેરો બની શકે છે. એટલે કે મોહમ્મદ યુનુસ દેશના નવા વડાપ્રધાન બની શકે છે. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને ઢાકામાં જાહેરાત કરી હતી કે હવે વચગાળાની સરકાર ચાર્જ સંભાળશે. હાલમાં મોહમ્મદ યુનુસના નામને લઈને સર્વસંમતિ હોવાનું જણાય છે.
તમને જણાવી દઈએ કે સલીમુલ્લા ખાન અને આસિફ નઝરુલ દેશમાં વચગાળાની સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે. બાંગ્લાદેશમાં આજે જ વચગાળાની સરકાર રચાઈ રહી છે. વચગાળાની સરકારમાં ૧૮ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. પત્રકારો, વકીલો અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
