News of Tuesday, 6th August 2024
હિન્દુઓ ઉપર હુમલા : મંદિરો - ઘરો - દુકાનો સળગાવાયા
બાંગ્લાદેશમાં બિહામણી સ્થિતિ : હિન્દુઓ નિશાના ઉપર : બેની હત્યા : બદમાશો બેફામ : ઇસ્કોન - કાલી મંદિર ફુંકી માર્યુ : મૂર્તિઓ તોડી : હિન્દુઓની દુકાનોમાં લુંટફાટ : અનેકના ઘર સળગાવાયા : ૨૭ જીલ્લાઓમાં હિન્દુઓ નિશાના ઉપર

ઢાકા, તા.૬: શેખ હસીનાએ રાજીનામું આપીને બાંગ્લાદેશમાંથી ભાગી ગયા બાદ દેશની અંદર હિંદુઓ પર અત્યાચાર શરૂ થઈ ગયા છે. બાંગ્લાદેશમાં વિવિધ સ્થળોએ હિન્દુ મંદિરો અને હિન્દુ સમુદાય પર હુમલાના અહેવાલો છે. બાંગ્લાદેશથી આવી રહેલા અહેવાલો દર્શાવે છે કે હિન્દુ ઘરો અને મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈસ્કોન અને કાલી મંદિર પર હુમલા થયા છે, ત્યારબાદ હિંદુઓએ પોતાનો જીવ બચાવવા માટે છુપાઈ જવું પડ્યું છે. ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રંગપુરના હિન્દુ કાઉન્સિલર કાજલ રોયની બદમાશોએ હત્યા કરી નાખી. આ દરમિયાન બાંગ્લાદેશની સેના હિન્દુ લઘુમતીઓની સુરક્ષા માટે આગળ આવી છે. સેનાએ હિંદુ પરિવારો, મંદિરો અને અન્ય પૂજા સ્થાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હેલ્પલાઇન નંબર જારી કર્યા છે.
દેશમાં ઘણી જગ્યાએ હિંદુ સમુદાય પર હુમલાના અહેવાલો સામે આવ્યા બાદ આ હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા હતા. શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ પર હુમલાની સાથે બદમાશોએ લઘુમતીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. રાજધાની ઢાકા સ્થિત ભારતીય સાંસ્કળતિક કેન્દ્રમાં તોડફોડ કરવામાં આવી છે. ઓછામાં ઓછા બે હિન્દુ કાઉન્સિલરની હત્યાના અહેવાલ છે. કાજલ રોય ઉપરાંત અવામી લીગના હરધન રોયની રંગપુર જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સીએનએન-ન્યૂઝ ૧૮ અહેવાલ આપે છે કે હરાધન રોયને માર મારવામાં આવ્યો હતો.
હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના કાજલ દેબનાથે કહ્યું છે કે તણાવ વચ્ચે સમુદાય ડરી ગયો છે. ઇસ્કોન ઇન્ડિયાના પ્રવક્તા, યુધિષ્ઠિર ગોવિંદ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હ્ પર જણાવ્યું હતું કે સંસ્થાના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો અને મૂર્તિઓ તોડી નાખવામાં આવી હતી. તેણે કહ્યું કે ત્રણ મંદિરોમાં હાજર ત્રણ લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા. તેમણે કહ્યું, મને મળેલી માહિતી મુજબ, મેહેરપુર (ખુલના વિભાગ)માં અમારા એક કેન્દ્રમાં ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા દેવીની મૂર્તિઓ સાથે બાળી નાખવામાં આવી હતી. કેન્દ્રમાં રોકાયેલા ત્રણેય ભક્તો કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
બાંગ્લાદેશમાં હિંસા અને આગચંપી વચ્ચે, બદમાશોએ હવે લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ટોળું પસંદગીપૂર્વક હિંદુઓને નિશાન બનાવી રહ્યું છે. ઘરોને આગ લગાડવામાં આવી રહી છે. દુકાનો લૂંટાઈ રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના મહેરપુર ઈસ્કોન મંદિરની તસવીરો સામે આવી છે. તોફાનીઓએ આ મંદિરમાં તોડફોડ કર્યા બાદ આગ લગાવી દીધી હતી.
બાંગ્લાદેશી મીડિયા ડેલી સ્ટારના અહેવાલ મુજબ, ૨૭ જિલ્લામાં હિન્દુઓના ઘર અને દુકાનોને નિશાન બનાવવામાં આવી છે. કિંમતી ચીજવસ્તુઓ લૂંટી લેવામાં આવી છે. મંદિરો પર પણ હુમલા થયા છે. અહેવાલ અનુસાર, લાલમોનિરહાટ સદર ઉપજિલ્લામાં ધાર્મિક હિંદુ કાર્યો સાથે સંકળાયેલી પૂજા સમિતિના સચિવ પ્રદીપ ચંદ્ર રોયના ઘરમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી છે.
તોફાનીઓએ નગરપાલિકાના સભ્ય મુહીન રોયની કોમ્પ્યુટરની દુકાનમાં પણ તોડફોડ કરી હતી અને લૂંટ ચલાવી હતી. કાલીગંજ ઉપજિલ્લાના ચંદ્રપુર ગામમાં ૪ હિન્દુ પરિવારોના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી છે. હાથીબંધા ઉપજિલ્લાના પુરબો સરદુબી ગામમાં ૧૨ હિન્દુઓના ઘરોને આગ લગાડવામાં આવી છે.
બાંગ્લાદેશી મીડિયા અનુસાર, પંચગઢમાં ઘણા હિન્દુઓના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી છે. ઓકયા પરિષદના મહાસચિવ મોનિન્દ્ર કુમાર નાથે કહ્યું કે એવો કોઈ વિસ્તાર કે જિલ્લો બાકી નથી જ્યાં હિંદુઓ પર હુમલો ન થયો હોય. તેમને સતત અલગ-અલગ વિસ્તારોમાંથી હુમલાની માહિતી મળી રહી છે.
રિપોર્ટ અનુસાર હિંદુઓને તેમના ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે અને માર મારવામાં આવે છે. તેમની દુકાનો લૂંટાઈ રહી છે. આ હુમલાઓને કારણે હિન્દુઓ ભયના છાયામાં જીવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિનાજપુર શહેર અને અન્ય ઉપનગરોમાં ૧૦ હિન્દુઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ શહેરના રેલબજારહાટમાં એક મંદિરમાં પણ તોડફોડ કરી હતી.
બાંગ્લાદેશ હિંદુ-બુદ્ધ ક્રિશ્ચિયન કાઉન્સિલના જનરલ સેક્રેટરી ઉત્તમ કુમાર રોયે જણાવ્યું હતું કે ખાનસામા ઉપજિલ્લામાં ત્રણ હિંદુઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. લક્ષ્મીપુરમાં ગૌતમ મજુમદારે જણાવ્યું કે સાંજે ૭.૩૦ વાગ્યે ૨૦૦-૩૦૦થી વધુ હુમલાખોરોએ તેમની બે માળની ઇમારતને આગ ચાંપી દીધી.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
