<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

ઉત્તર પ્રદેશના વારાણસીમાં મોટો અકસ્માત, : કાશી વિશ્વનાથ મંદિર પાસેના બે મકાનો ધરાશાયી : ૧નુ મોત : ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા

70 વર્ષ જૂના મકાનો જર્જરિત હાલતમાં હોવાથી દુર્ઘટના સર્જાઈ : અનેક પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત : એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કાર્ય

વારાણસી તા.૬ : ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં કાશી વિશ્વનાથ મંદિર પાસેના બે મકાનો ધરાશાયી થયા છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. દુર્ઘટના બાદ મંદિરનો ગેટ નંબર ચાર બંધ કરી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને ઘર લગભગ 70 વર્ષ જૂના હતા અને અચાનક તૂટી પડ્યા.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર પાસે યલો ઝોનમાં થઈ હતી. અહીં ખોઆ ગલી ચારરસ્તા પાસે આવેલા બે મકાનો થોડી જ વારમાં ધરાશાયી થઈ ગયા. આ ઘટના સોમવારે મોડી રાતની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતમાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી રહી છે.

કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બચાવ કાર્યમાં NDRFને પણ તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના મહાનિર્દેશક એમ.કે. શર્માએ કહ્યું કે, માહિતી મળતાની સાથે જ અમારી બે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ એક ખૂબ જ પડકારજનક બચાવ કામગીરી હતી. અમે ખૂબ જ ઓછા સમયમાં 8 લોકોને બચાવી લીધા છે અને તમામ લોકોને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે

વારાણસીના પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે જણાવ્યું કે, પરિવારના કુલ 9 સભ્યો અહીં ફસાયેલા છે. તમામને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અહીં એક મહિલા કોન્સ્ટેબલ ઘાયલ થઈ છે અને તેને પણ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. અમારા તમામ દળોની મદદથી આ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ કમિશનરે મહિલાના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે પરિવારના સભ્યો કહે છે કે તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ સમયે અમારું સંપૂર્ણ ધ્યાન બચાવ કામગીરી અને ઘાયલોની સારવાર પર છે. તે જ સમયે, અકસ્માત બાદ વિશ્વનાથ મંદિરના ગેટ નંબર ચારને બંધ કરી દેવામાં આવ્યો છે. આ ગેટ પર આવતા શ્રદ્ધાળુઓને ગેટ નંબર એક અને બેમાંથી એન્ટ્રી આપવામાં આવી રહી છે.

(3:28 PM IST)