<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

બાંગ્‍લાદેશ ઘટનાક્રમથી ભારતને રોજ ૧૫૦ કરોડનું નુકસાન

બંને દેશો વચ્‍ચે પેટ્રાપોલ અને બેનેપોલ બોર્ડર દ્વારા આશરે રૂ.૩૦,૦૦૦ કરોડનો વાર્ષિક વેપાર થાય છે, જે છેલ્લા ઘણાં દિવસોથી બંધ છે

નવી દિલ્‍હી, તા.૬: ભારતના પડોશી દેશ બાંગ્‍લાદેશમાં હિંસાની આગ એટલી ભડકી છે કે, ત્‍યાંના વડાપ્રધાનને રાજીનામું આપી દેશમાંથી પલાયન કરવુ પડ્‍યું. આ હિંસક વિરોધ પ્રદર્શનમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. મોટી સંખ્‍યામાં વિરોધીઓએ ઢાકા પેલેસમાં પ્રવેશી બાંગ્‍લાદેશના સ્‍થાપક શેખ મુજીબુર રહેમાનની પ્રતિમાની તોડફોડ કરી હતી. દેશમાં તણાવ વચ્‍ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને ટૂંક સમયમાં વચગાળાની સરકાર બનાવવાની વાત કરી હતી.

હિંસાગ્રસ્‍ત બાંગ્‍લાદેશ સાથે ભારત મોટાપાયે વેપાર કરે છે. બંને દેશો વચ્‍ચે ઘણી આવશ્‍યક ચીજોની આયાત-નિકાસ થાય છે. આ હિંસાના કારણે ભારત સાથેના વેપાર પર અસર થવાની સંભાવના વધી છે. ચાલો જાણીએ કે બાંગ્‍લાદેશથી ભારતમાં શું આવે છે અને અહીંથી શું મોકલવામાં આવે છે.

બાંગ્‍લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસાને કારણે ભારત સાથેના વેપાર પર પણ અસર પડી છે. એક રિપોર્ટ અનુસાર, દરરોજ રૂ. ૧૫૦ કરોડથી વધુના બિઝનેસ પર અસર થઈ રહી છે. બંને દેશો વચ્‍ચે પેટ્રાપોલ અને બેનેપોલ બોર્ડર દ્વારા આશરે રૂ. ૩૦,૦૦૦ કરોડનો વાર્ષિક વેપાર થાય છે, જે છેલ્લા ઘણાં દિવસોથી બંધ છે.

ચાલો ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચેના વેપાર પર વિગતવાર નજર કરીએ. ibef.org પર ઉપલબ્‍ધ ડેટા અનુસાર, બાંગ્‍લાદેશ ભારતનો ટોચનો ટ્રેડિંગ પાર્ટનર છે. બાંગ્‍લાદેશનો બીજા ક્રમનો સૌથી મોટો નિકાસકાર દેશ ભારત છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં બંને દેશો વચ્‍ચે કુલ ૧૪.૨૨ અબજ ડોલરનો વેપાર થયો હતો. FY23માં ભારતથી બાંગ્‍લાદેશમાં ૬,૦૫૨ વસ્‍તુઓની નિકાસ કરવામાં આવી હતી. આ નિકાસનો આંકડો $૧૨.૨૦ અબજ હતો, જે FY22માં $૧૬.૧૫ અબજ કરતાં ઘટયો હતો.

ભારતથી બાંગ્‍લાદેશ નિકાસ થતી ચીજ-વસ્‍તુઓ (૨૦૨૨-૨૩)

કોટન યાર્ન ($૧.૦૨ અબજ)

પેટ્રોલિયમ ઉત્‍પાદનો ($૮૧૬ મિલિયન)

અનાજ ($૫૫૬ મિલિયન)

કોટન ટેક્‍સટાઇલ અને અન્‍ય ફેસિંગ (US$541 મિલિયન)

કાર્બનિક અને અકાર્બનિક કેમિકલ્‍સ ($૪૩૦ મિલિયન)

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં બાંગ્‍લાદેશથી ભારતમાં ૧૧૫૪ માલની આયાત કરવામાં આવી હતી. જે લગભગ $૨.૦૨ અબજ હતું, જ્‍યારે અગાઉના FY22માં આ આંકડો $૧.૯૭ અબજ નોંધાયો હતો.

બાંગ્‍લાદેશથી ભારતમાં થતી આયાત (નાણાકીય વર્ષ ૨૦૨૩)

RMG કોટન ($૫૧૦ મિલિયન)

કોટન ફેબ્રિક્‍સ, મેડ-અપ ($૧૫૩ મિલિયન)

RMG માનવસર્જિત ફાઇબર ($૧૪૨ મિલિયન)

મસાલા ($૧૨૫ મિલિયન)

જ્‍યુટ ($૧૦૩ મિલિયન)

ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચેના વ્‍યાપારી સંબંધો વધુ મજબૂત બન્‍યા છે. બંને દેશોએ વેપારની બાબતમાં હવે ભારતીય રૂપિયામાં ટ્રેડિંગ શરૂ કરીને એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. બાંગ્‍લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ૨૨ જૂને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સાથે મુલાકાત કરી હતી. આ સમયગાળા દરમિયાન ઘણા કરારો પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા હતા. જેમાં બંને દેશો વચ્‍ચે ભારતીય રૂપિયામાં વેપાર પણ સામેલ હતો.

(4:29 PM IST)